જયપુરઃ મોડેલમાંથી બિઝનેસમેન બનેલા જયપુરના રાહુલ તનેજાને એક (૧) નંબર ખૂબ જ ગમે છે. આથી જ તેમણે તાજેતરમાં ખરીદેલી નવી લક્ઝુરિયસ જગુઆર કારનો ૦૦૦૧ નંબર મેળવવા માટે ૧૬ લાખ રૂપિયા જેવી તોતિંગ રકમ ચૂકવી છે. પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ધરાવતા ૩૭ વર્ષીય તનેજાએ અગાઉ પણ વૈભવી કાર પાછળ અને તેના નંબર પાછળ અઢળક ખર્ચ કર્યો છે.
જયપુરના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે કારના નંબર માટે બિડ કરવાની યોજના અંતર્ગત તનેજાએ તેમની જગુઆર કાર માટે RJ-45-CG-0001 નંબર મેળવવા માટે સૌથી વધુ ૧૬ લાખ રૂપિયાની બિડ કરી હતી. તેમને આ નંબર ફાળવી દેવાયો છે. તનેજાએ ૨૫ માર્ચે દોઢ કરોડ રૂપિયા આપીને જગુઆર કાર ખરીદી હતી. જગુઆરની ડિલીવરી મળ્યા બાદ પોતાનો મનગમતો નંબર મેળવવા માટે તેમણે દોઢ મહિના રાહ જોઈ હતી.
તનેજાએ આ અગાઉ ૨૦૧૧માં બીએમડબ્લ્યુ કાર ખરીદી હતી. તે વખતે પણ તેમણે RJ-14-CP 0001 નંબર મેળવવા માટે ૧૦.૩૧ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ પછી તેમણે ફરી બીજી કાર સ્કોડા લૌરા ખરીદી હતી. કારણ માત્ર એટલું જ હતું કે તે વાહનનો નંબર RJ-20-CB-0001 હતો. તેમણે પ્રથમ ખરીદેલી કાર વેચી નાખી અને ફરી બીએમડબ્લ્યુ કાર ખરીદી. તેમાં પણ નંબર રાખ્યો RJ-14-CP-0001.
તનેજાના મોબાઈલ નંબરમાં પણ પાંચ એકડા છે. તે કહે છે કે ‘હું જે કંઈ પણ કરું તેમાં નંબર વન બનવામાં માનું છું. મારી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ દેશભરમાં નંબર-વન બને તેમ હું ઈચ્છું છું.' યોગાનુયોગ, વિદ્યાર્થીકાળમાં આદર્શ વિદ્યા વિહારમાં અભ્યાસમાં પણ તે ટોપર (નંબર વન) રહ્યા હતા અને પછી ૧૧ વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું અને કારકિર્દી ઘડી હતી. તનેજા કહે છે કે ‘૧૯૯૬માં જ્યારે મેં સેકન્ડ હેન્ડ સ્કૂટર ખરીદ્યું ત્યારે તેના નંબરનો સરવાળો એક થતો હતો. તે સ્કૂટરનો નંબર હતો RJ-14-23-M2323.’
નાના-મોટા વ્યવસાય કર્યા
રાહુલે સાત વર્ષ નાની-મોટી નોકરી કરીને પોતાના અભ્યાસનો ખર્ચ કાઢ્યો હતો. ૧૮ વર્ષ સુધી તેણે અનેક વસ્તુઓ વેચવાનો વ્યવસાય કર્યો. મકરસંક્રાંતિમાં પતંગો વેચી, રક્ષાબંધનના તહેવારમાં રાખડી વેચી, હોળી-ધૂળેટી દરમિયાન કલર વેચ્યા, દિવાળીમાં ફટાકડા વેચ્યા. ફૂટપાથ પર લેધર જેકેટ પણ વેચ્યા. રાત્રે નવ વાગ્યાથી મધરાત્રે ઓટો રિક્ષા પણ ચલાવી. રાત્રે રિક્ષા ચલાવવાનું કારણ એ હતું કે તેની પાસે લાઈસન્સ ન હતું. રાત્રે પોલીસ લાઈસન્સ વગર પકડે તેવી સંભાવના ઓછી રહેતી હતી. ૧૮ વર્ષની ઉંમરે તેના પાડોશીઓએ મોડેલિંગ ક્ષેત્રે કારકિર્દીની સલાહ આપી જે તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયો.

