નવી દિલ્હીઃ પ્રજાસત્તાક પર્વે જે ૧૮ બાળકોને બહાદુરી માટેના પુરસ્કાર અપાશે તેમાં ગુજરાતની ૧૭ વર્ષની સમૃદ્ધિ શર્માનું નામ સામેલ છે તો ઉત્તર પ્રદેશની નાઝિયાનો પણ સમાવેશ થાય છે. ૧૮ વર્ષીય નાઝિયાએ પોતાના વિસ્તારમાં દાયકાઓથી ચાલતા જુગારના અડ્ડા અને બેટિંગના ધંધાને બંધ કરાવ્યો હતો. તેને અનેક ધમકીઓ મળી હોવા છતાં તેણે પ્રયાસો ચાલુ રાખીને તે અડ્ડાને બંધ કરાવ્યા હતા.
આ એવોર્ડ ઈન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેર (આઈસીસીડબલ્યુ) દ્વારા આપવામાં આવે છે. જે પાંચ વિભાગમાં વહેંચાયેલા છે. જેમાં ભારત એવોર્ડ, ગીતા ચોપડા એવોર્ડ, સંજય ચોપરા એવોર્ડ, બાપુ ગૈધાની એવોર્ડ અને નેશનલ બ્રેવરી એવોર્ડનો સમાવેશ થાય છે. આ એવોર્ડ ૨૪ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એનાયત થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. જેમાં ૭ છોકરી અને ૧૧ છોકરાઓને એવોર્ડ અપાશે. તમામ બાળકો પ્રજાસત્તાક પરેડમાં પણ લેશે.
દાયકાઓની ચાલતા જુગાર અને વરલીમટકા જેવા દૂષણના અડ્ડા સામે સતત જંગ ચાલુ રાખનાર નાઝિયાને અનેક ધમકીઓનો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં તેણે તે વિસ્તારના દૂષણનો અંત લાવી દીધો હતો. તેને પ્રતિષ્ઠિત ‘ભારત એવોર્ડ’થી સન્માનિત કરાશે. જ્યારે ૧૪ વર્ષીય નેત્રવતી એમ. ચૌહાણને મરણોત્તર ગીતા ચોપરા એવોર્ડ અપાશે.
કર્ણાટકની નેત્રવતીએ એક તળાવમાંથી બે કિશોરને ડૂબતા બચાવવા જીવ સટોસટના પ્રયાસો કર્યા હતા. જેમાં ૧૬ વર્ષીય મુથુને બચાવી લીધો હતો પણ ૧૦ વર્ષીય ગણેશને બચાવવા જતા પોતે પણ ડૂબી ગઈ અને જીવન ગુમાવ્યું.
આ ઉપરાંત મિઝોરમના ૧૭ વર્ષના લાલછાંદમા અને મણિપુરના ૧૫ વર્ષીય લૌક્રાકયમ રાજેશ્વરી ચાનુને પણ મરણોત્તર એવોર્ડ અપાશે. જ્યારે સંજય ચોપરા એવોર્ડ પંજાબના ૧૭ વર્ષીય કરણવીર સિંહને અપાશે. તેણે ખીણમાં પડેલી સ્કૂલ બસના ૧૫ બાળકોને બચાવ્યા હતા. કરણવીર પોતે બસમાં હતો.

