ગોંડલ: ભગવાન સ્વામીનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજના અક્ષરદેહના જ્યાં અગ્નિસંસ્કાર થયા તે જગ્યા અક્ષરદેરીને દોઢસો વર્ષ પૂર્ણ થતાં સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ
શ્રી રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવ માટે ૩૫૦ સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની મહેનત સાથે ગોંડલના કોટડાસાંગાણી રોડ ઉપર રાજવાડી ૨૦૦ એકર જમીનમાં સ્વામીનારાયણ નગર ઊભું કરાયું હતું.
સ્વામી ઇશ્વરચરણદાસજીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું કુમકુમથી સ્વાગત કર્યા પછી સભાખંડમાં રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે કહ્યું કે, ‘ભારતનું એ સૌભાગ્ય છે કે, અનેક સંતોએ સમયાંતરે સેવા અને માનવ કલ્યાણને ધર્મનો ઉદ્દેશ બનાવ્યો હતો, કેટલાકે તો એવી સંસ્થા પણ બનાવી જે લોક કલ્યાણનાં કાર્યો કરે. બીએપીએસ આમાંની જ એક છે. અધ્યાત્મની બુનિયાદ પર સમાજ સેવા એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.' તેમણે મંદિરની મુલાકાત વિશે કહ્યું કે, 'હું જ્યારે બિહારનો રાજ્યપાલ હતો તે સમયે પણ ગોંડલ મંદિરની પવિત્રભૂમિ પર આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. આ વખતે આ સમારોહનું આમંત્રણ મળ્યું અને ગોંડલનું નામ પડ્યું ત્યારે મને એ યાદ આવી ગયું અને મારા રાષ્ટ્રપતિ બનવા પાછળ આ પવિત્ર ભૂમિનું પણ યોગદાન હશે એમ મને લાગ્યું. તેથી અહીં આવીને હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું.'
૨૦મી જાન્યુઆરીએ રાત્રે સાડા નવ વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું અક્ષર મંદિરમાં આગમન થયું હતું. મહોત્સવના પ્રથમ દિવસે વિરાટ મહાપૂજા અને સભા સાથે મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અક્ષરદેરી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન પણ કરાયું હતું. મહોત્સવને લઈને દેશ-વિદેશમાંથી હરિભક્તો ભાવિકો ગોંડલ અક્ષર મંદિરે ઉમટી પડ્યા હતા. યુકેથી અગ્રણી શ્રી એપી પટેલ સહિત અગ્રણી હરિભક્તોએ મુલાકાત લીધી હતી. સંતો - હરિભક્તો માટે ૧૦ હજારથી વધુ ઉતારાની વ્યવસ્થા કરાઈ હતી. જેમાં મંદિર કેમ્પસ, ગુરુકુળ બિલ્ડીંગ અને શહેરમાં ભાવિકો દ્વારા ૫૫૦ રહેણાકોની વ્યવસ્થા કરાઈ હતી. ભાવિકોના ઉતારા માટે વિવિધ જ્ઞાતિની વાડીઓ તથા વીરપુરના તમામ ગેસ્ટ હાઉસ બુક કરાયા હતા.
સાર્ધ શતાબ્દીનો પ્રારંભ પૂ. મહંત સ્વામીએ કર્યો હતો. મહોત્સવના મુખ્ય સ્થળે આકર્ષક વિશાળ મંચ તૈયાર કરાયો હતો. ૧૭૫ ફૂટ લાંબા, ૧૩૦ ફૂટ પહોળા અને ૭૦ ફૂટ ઊંચા કલાત્મક મંચે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. મંચનાં મધ્યભાગમાં અક્ષરદેરીની વિશાળ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જેની પૃષ્ઠભૂમિ પર અનેક દેવતાઓ અક્ષરદેરીનું પૂજન-અર્ચન કરતા દેખાતા હતા. રવિવારે સવારે યોગી સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા યોગી સ્મૃતિ મંદિર અને સાંજે અક્ષર પુરુષોત્તમ દર્શન સમારોહ યોગી સભા મંડપમમાં મંદિર વિશે બહોળો પરિચય અપાયો હતો અને કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોનું વર્ણન કરાયું હતું.
વસંત પંચમીનો સંપ્રદાયમાં ખાસ મહિમા છે. સાથે સંપ્રદાયના સંતકવિ બ્રહ્માનંદજી અને નિષ્કુળાનંદજીનો જન્મદિવસ પણ હતો. આ ઉપરાંત ભગવાનના તૃતીય આદ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપજી મહારાજનો પ્રાગટ્ય દિવસ પણ વસંત પંચમી જ હતો. નૂતન અક્ષરદેરીનું પૂજન અને આરતી પણ કરાઈ હતી. આ પ્રસંગે સ્વામીનારાયણ નગરમાં સ્થિત પ્રદર્શન ખંડો જાહેર જનતા માટે ખૂલ્લા મૂકાયા. આ પ્રદર્શન ખંડમાં ગુણાતીત ગુરુપરંપરાના ગુરુઓનું જીવન અને કાર્ય વિવિધ માધ્યમો દ્વારા અભિવ્યક્ત થતા રહેશે.
મહોત્સવના આકર્ષણ
• એક લાખ લોકો સમગ્ર સંકુલમાં સમાય તેવું આયોજન • ૮૦૦ સંતોએ દર્શન કર્યા
• ૧૧૦૦ સંતોની હાજરી • એક પંડાલની ક્ષમતા ૧૨૦૦ વ્યક્તિની • ૮ વિશાળ પંડાલ
• સાત હજાર સ્વયંસેવકો • ભોજન પંડાલ ક્ષમતા ૭૦૦૦ વ્યક્તિની • દેરીની ઉંચાઇ ૭૦ ફૂટ
ગોંડલ અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ઉજવાયેલા કાર્યક્રમો
• તા. ૨૦ સાંજે વિરાટ મહાપૂજા, સભા, સ્વામીનારાયણ નગર, લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉદઘાટન • તા. ૨૧ સવારે યોગી સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા, સાંજે અક્ષર પુરુષોત્તમ દર્શન સમારોહ • તા. ૨૨ સવારે અક્ષર દેરી મહાપૂજા • રાષ્ટ્રપતિ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, રાજ્યપાલની હાજરીમાં સ્વામીનારાયણ નગરમાં મહોત્સવની ઉજવણી • તા. ૨૩ પ્રાર્થના-પ્રવચનસભા • તા. ૨૫ દીક્ષા સમારોહ • સાંજે પ્રમુખસ્વામી મહારાજ જયંતી સભા • તા. ૨૮ પોસ્ટલ વિભાગ દ્વારા અક્ષરદેરીની વિશેષ ટપાલ ટિકિટનું લોકાર્પણ • શ્રી કાશી વિદ્વત પરિષદ દ્વારા સંત ભદ્્રેશસ્વામીને ‘વિદ્વત ગૌરવ’ સન્માન
• ‘સ્વામીની વાતો’ મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ. • live.baps.org વેબસાઇટ થકી મુખ્ય કાર્યક્રમોનું જીવંત પ્રસારણ દેશ વિદેશના લાખ્ખો ભક્તોએ નિહાળ્યું.

