જે પ્રકારે જાતિવાદી રાજકારણ રમાઈ રહ્યું છે તે દેશનું દુર્ભાગ્ય: મોદી

Tuesday 23rd January 2018 14:40 EST
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકસભાથી માંડીને વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતોની એમ તમામ ચૂંટણીઓ એક સાથે યોજવાનું સૂચન કર્યું છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે દેશમાં જે રીતે જાતિવાદી રાજકારણ રમાઈ રહ્યું છે તે દેશનું દુર્ભાગ્ય છે. ૨૦૧૯ની ચૂંટણીઓ જીતશો કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, હવે પછીની ચૂંટણી જીતીશ કે નહીં તેવું વિચારવામાં હું સમય બરબાદ કરતો નથી.

ચૂંટણીઓ તહેવારની જેમ ઊજવીએ

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ચૂંટણીઓ તહેવારોની જેમ ખાસ કરીને હોળી- ધૂળેટીના તહેવારની જેમ ઊજવવી જોઈએ. તે દિવસે તમે કોઈ પર રંગ ફેંકો કે કીચડ ફેંકો અને પછીની ચૂંટણીઓ સુધી તેને ભૂલી જાઓ. તેમણે કહ્યું કે, દેશ હંમેશાં ઇલેક્શન મોડમાં રહે છે. એક ચૂંટણી પૂરી થઈ નથી કે બીજી શરૂ થઈ જાય છે. દેશમાં પાંચ વર્ષમાં એક વાર તમામ ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. એક મહિનામાં જ તમામ ચૂંટણીઓ યોજાઈ જવી જોઈએ. આનાથી પૈસા, સંસાધન, માનવશક્તિ બચશે. સિક્યોરિટી ફોર્સ અને અધિકારીઓએ તેમજ રાજકીય સંસાધનોએ દર વર્ષે ચૂંટણીને કારણે ૧૦૦થી ૨૦૦ દિવસ આમથી તેમ જવું પડે છે તે પણ રોકી શકાશે.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પછી દેશમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ થઈ હતી. ૨૦૧૮માં વધુ આઠ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવનાર છે, જ્યારે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી છે.
શું તમે એક સાથે ચૂંટણી યોજવાના ટાર્ગેટને હાંસલ કરી શકશો તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, આ મુદ્દો કોઈ એક પાર્ટી કે કોઈ એક વ્યક્તિનો એજન્ડા નથી. દેશના ફાયદા માટે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આ માટે ચર્ચા યોજાવી જોઈએ.

તો શું તે રોજગાર નથી?

નવી નોકરીઓનાં સર્જન માટે સરકારે આપેલાં વચનોનું પાલન કરાયું છે કે કેમ? સરકાર આ દિશામાં યોગ્ય રસ્તા પર ચાલી રહી છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે શું આપની ઓફિસની બહાર કોઈ વ્યક્તિ પકોડા વેચે તો તેને રોજગાર ન કહેવાય?

નવી નોકરીઓનું શું?

નવી નોકરીઓના સંદર્ભમાં મોદીએ કહ્યું કે પીએફ સ્કીમમાં ૭૦ લાખ નવાં લોકોનાં નામની નોંધણી થઈ છે. મુદ્રા યોજના હેઠળ ૧૦ કરોડ લોકોએ લોન લીધી છે. આ દર્શાવે છે કે સરકાર નવી નોકરીઓનું સર્જન કરી રહી છે.


comments powered by Disqus