ત્રિપુરામાં ૧૮ ફેબ્રુઆરી જ્યારે મેઘાલય, નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી

Friday 26th January 2018 15:05 EST
 
 

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે ઉત્તર પૂર્વ ભારતના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ત્રિપુરામાં ૧૮ ફેબુ્રઆરીએ જ્યારે મેઘાલય, નાગાલેન્ડમાં ૨૭ ફેબુ્રઆરીએ મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જોતીના જણાવ્યા અનુસાર ત્રણેય રાજ્યોમાં મતગણતરી ૩ માર્ચના રોજ થશે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની ટર્મ અનુક્રમે ૬ માર્ચ, ૧૩ માર્ચ અને ૧૪ માર્ચે પૂર્ણ થઇ રહી છે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ૬૦ બેઠકો છે.
ભાજપ ત્રણેય રાજ્યોમાં સત્તા મેળવવાના પ્રયાસ કરશે જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓ સત્તા જાળવી રાખવાના પ્રયત્નો કરશે. ત્રિપુરામાં ૨૪ જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને તે જ દિવસથી ઉમેદવારોના ફોર્મ ભરવાનું ચાલુ થશે. ૩૧ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. પહેલી ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે ત્રીજી ફેબુ્રઆરીએ ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ હશે.
મેઘાલય અને નાગાલેન્ડમાં ૩૧ જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને તે જ દિવસથી ફોર્મ ભરવાનું ચાલુ થશે. સાત ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ ૧૨ ફેબ્રુઆરી રાખવામાં આવ્યો છે. ત્રિપુરામાં ૨૫,૬૯,૨૧૬, નાગાલેન્ડમાં ૧૧,૮૯,૨૬૪ અને મેઘાલયમાં ૧૮,૩૦,૧૦૪ મતદારો છે. મેઘાલયમાં કોંગ્રેસ સત્તામાં છે. આસામમાં ચૂંટણી હારી ગયા પછી કોંગ્રેસ માટે મેઘાલયમાં સત્તા ટકાવી રાખવી ખૂબ જ જરૃરી છે. મેઘાલયમાં હાલમાં મુકુલ સંગમા મુખ્ય પ્રઘાન છે.
નાગાલેન્ડમાં નાગા પીપલ્સ ફ્રન્ટની સરકાર છે. હાલમાં ત્યાં ટી આર ઝેલિઆંગ મુખ્યપ્રધાન છે. ત્રિપુરામાં છેલ્લી પાંચ ટર્મથી ડાબેરીઓની સરકાર છે. ત્યાં હાલમાં માણિક સરકાર મુખ્યપ્રધાન છે. ગુજરાત અને હિમાચલની જેમ ત્રણેય રાજ્યોમાં ઇવીએમની સાથે વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવામાં આવશે.


comments powered by Disqus