લંડનઃ પતિએ પત્નીના માથે હળવેકથી કિસ કરી તો પત્નીએ લાગણીસભર અવાજે કહ્યું કે ક્યારેક જુદાં પણ પડવું જોઇએ... અને માત્ર પાંચ જ સેકન્ડ બાદ તે ૨૯ વર્ષીય યુવતી આ દુનિયા છોડી ગઇ. જવલ્લે જ બનતી આવી હૃદય હચમચાવી નાખતી ઘટના સમરસેટની છે, જ્યાં લોરા વિકરી નામની યુવતીએ પાંચ વર્ષ સુધી કેન્સર સાથે ઝઝૂમ્યા બાદ અંતિમ શ્વાસ લીધા.
લોરા વિકરીના પતિ સેમે પત્ની સાથેની અંતિમ ક્ષણો વિશે એક ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં તેમણે જીવનસાથી સાથેની અંતિમ ક્ષણો વિશે ચર્ચા કરી છે. પત્રમાં તેમણે પત્ની લોરાને પોતાના જીવનની સૌથી સારી મિત્ર, પ્રેમિકા અને દુનિયાની સૌથી પસંદગીની વ્યક્તિ ગણાવી છે.
પતિ સેમ કહે છે કે ‘મારી પત્ની મને એકલો છોડી ગઈ છે. હવે તેના વિના દુનિયામાં મને બધું અધૂરું અધૂરું લાગે છે.’ સેમ કહે છે કે ‘હું ખૂબ જ ભારે મનથી મારી પત્ની સાથેની મારી અંતિમ ક્ષણો વિશે લખી રહ્યો છું.’ સેમ કહે છે કે લોરાએ પાંચેક વર્ષ લીવરના કેન્સર જેવા ગંભીર રોગનો સામનો કર્યો, પણ છેલ્લા કેટલાક દિવસોથી તેની તબિયત એકદમ કથળી રહી હોવાથી તેને હોસ્પિટલમાં એડમિટ કરાઇ હતી. સેમ કહે છે કે મારી પત્નીએ હોસ્પિટલમાં રાતે ૨.૧૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે જતાં જતાં તે મારા પર પ્રેમ વરસાવતી ગઈ છે.

