નવી દિલ્હીઃ પાકિસ્તાનના અકારણ ગોળીબારનો સરહદ પર તૈનાત બોર્ડ સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાન સતત સંઘર્ષ વિરામનો ભંગ કરી રહ્યું છે. પાકિસ્તાની સૈન્ય નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવી રહી છે. બીજી તરફ, ભારતીય સુરક્ષા દળોએ પણ જમ્મૂમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં ૯૦૦૦ રાઉન્ડ મોર્ટારનો મારો કર્યો છે. ખાસ વાત એ છે કે બીએસએફે ટાર્ગેટ બનાવીને જવાબી કાર્યવાહી કરી છે, જેનાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું કે પાકિસ્તાન રેન્જર્સના તેલ ડેપો અને અનેક ફાયરિંગ પોઝીશન્સ તોડી પાડ્યા છે. જમ્મુમાં સરહદે પાકિસ્તાને રવિવારે ભારે ગોળીબાર કર્યો હતો ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાને પહેલા શાંતિનો ભંગ કર્યો અને બીએસએફની ચોકીઓ અને રહેવાસી વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું
રેડ એલર્ટ જાહેર
પાકિસ્તાન દ્વારા સતત ત્રીજા દિવસે ૨૦મીએ અખનૂર અને અરનિયા સેક્ટરમાં ભારે ફાયરિંગ અને મોર્ટારમારો થતાં એક જવાન શહીદ થયો હતો અને બે ભારતીય નાગરિકોનાં મોત થયાં હતા. જ્યારે ૨૫થી વધુને ઈજા થઈ છે. ભારતના વળતા આક્રમક હુમલામાં ૧૦ પાકિસ્તાની રેન્જર્સને ઠાર કરાયા છે તેમજ ૬ ચોકીઓને તબાહ કરાઇ છે. શિયાલકોટમાં ૪ પાકિસ્તાનીઓને ઠાર કર્યાં છે. પાકિસ્તાન દ્વારા ભારતની ૫૦થી વધુ બોર્ડર પોસ્ટ અને ૧૦૦થી વધુ ગામડાઓને નિશાન બનાવાયાં છે. ભારતીય બોર્ડરના પાંચ કિલોમીટરના ગામડાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને સ્કૂલો બંધ કરાવાઈ છે. બોર્ડર પર આવેલાં ગામડાઓનાં ૮,૦૦૦થી ૯,૦૦૦ રહીશોને સલામત સ્થળે ખસેડાયા છે. જ્યારે ૧,૦૦૦થી વધુ લોકો રાહત છાવણીમાં આશરો લઈ રહ્યાં છે.
લોકોનું ઘર બંકરોમાં
સરહદ પરના પાંચ જિલ્લાના ડોક્ટરો અને પેરા-મેડિકલ સ્ટાફની રજાઓ રદ કરી કરાઈ છે. કઠુઆથી પરગાલ સુધીના ૩ કિલોમીટરમાં બોર્ડરના ગામોમાં રહેતાં ૨૦,૦૦૦ લોકોને ઘર ખાલી કરીને સલામત સ્થળે કે બંકરોમાં ખસી જવા આદેશ અપાયો છે. બોર્ડરનાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી ૫૦૦ સ્કૂલોને બંધ કરવામાં આવી છે..
બે જવાન શહીદ
અખનૂરમાં કાનાચક્કમાં બીએસએફનો એક જવાન લાલુરામ સિયારામ જ્યારે કૃષ્ણાઘાટીમાં ભારતનો જવાન મનદીપસિંહ શહીદ થયો હતો. કાનાચક્કમાં બિલ્લુ મનસા અને રાધાકૃષ્ણ બંસીદાસને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બે નાગરિકોનાં મોત
પાકિસ્તાને ૧૯મીએ રાતે થોડા થોડા સમયે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. બીજા દિવસે અખનૂર અને અરનિયામાં યુદ્ધવિરામ ભંગ કર્યો હતો અને ભારતનાં ગામડાઓને ટાર્ગેટ બનાવ્યાં હતાં, જેમાં રામગઢ સેક્ટરમાં કપૂરપુરમાં ૧૫ વર્ષના કિશોર ગારા રામનું અને ગારસિંહ ખુશવિન્દ્રસિંહનું મોત થયું હતું. પાંચને ઈજા થઈ હતી.
૩૬૩ આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં ૨ વર્ષમાં ૩૬૩ આતંકવાદીઓ ઠાર કરાયા છે. જ્યારે ૭૧ નાગરિકોનાં મોત થયાં છે. ૨૦૧૬માં ૨૦ નાગરિકો, ૩૧ સ્થાનિક તેમજ ૧૧૯ વિદેશી આતંકીનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦૧૭માં ૫૧ નાગરિક, ૮૬ સ્થાનિક તેમજ ૨૧૩ વિદેશીનાં મોત થયાં હતાં. આ વર્ષે છેલ્લાં ૨૦ દિવસમાં ૧૦૦થી વધુ યુદ્ધવિરામનો ભંગ કરાયો છે.
૪૦ હજારનું સ્થળાંતર
પાક. દ્વારા કાશ્મીર સરહદે ફાયરિંગના કારણે સરહદી ગામડાના ૪૦,૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે અને લોકોને બંકરોમાં ખસેડાયા છે. પાકિસ્તાન દ્વારા બોર્ડર પરનાં ૫૮થી વધુ ગામો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવતાં પોલીસ અને આર્મી દ્વારા કાશ્મીરમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. બીજી તરફ પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઈકમિશનર જે. પી. સિંહને બોલાવીને વિરોધ નોંધાવાયો હતો.

