ગાંધીનગર, અમદાવાદઃ વિશ્વના બે દિગ્ગજ નેતાઓ - ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુજરાત મુલાકાત દરમિયાન વિશ્વ સમક્ષ મજબૂત રાજદ્વારી સંબંધોની મિશાલ રજૂ કરતાં દોસ્તીની પતંગ ચગાવી હતી. બન્ને નેતાઓએ ગુજરાતમાં સાત કલાકથી વધુ સમય ગાળ્યો હતો. આ દરમિયાન બન્ને નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને બન્ને દેશો વચ્ચે મિત્રતાને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મોદીએ વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિંગપિંગ અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે બાદ ઇઝરાયલના વડા પ્રધાને ગુજરાતનું આતિથ્ય માણ્યું છે. બંને નેતાઓ એરપોર્ટથી રોડ-શો યોજીને સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરી હતી. બાદમાં બન્ને મહાનુભાવો અમદાવાદ નજીક બાવળા ખાતે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી i-Createનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત અને ઈઝરાયલ માનવતાના ઈતિહાસમાં નવો અધ્યાય આલેખશે.
આ પૂર્વે પત્ની સારા સાથે આવેલા નેતન્યાહૂનું અમદાવાદ એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરાયું હતું. દિલ્હીની માફક અહીં પણ વડા પ્રધાન મોદી ‘પોતાના મિત્ર’ને સત્કારવા પ્રોટોકોલ તોડીને સામેથી દોડી ગયા હતા અને બંને નેતાઓ એકબીજાને ભેટયા હતા. એરપોર્ટ ખાતે તરણેતરની રંગબેરંગી હેન્ડિક્રાફ્ટની છત્રીથી પ્રભાવિત થયેલા ઈઝરાયલી વડા પ્રધાન એ છત્રી હાથમાં પકડીને ઝૂમવાની તક ચૂક્યા ન હતા. બાદમાં આ બંને વડા પ્રધાનોએ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી નવ કિલોમીટરનો રોડ-શો યોજ્યો હતો.
ઊભા રસ્તે થોડા થોડા અંતરે લગાવાયેલા સ્ટેજ ઉપર દેશભરના વિવિધ રાજ્યોએ તેમના કલાવૃંદો દ્વારા પ્રાંતીય ભાતીગળ સંસ્કૃતિ રજૂ કરી હતી. આઈક્રિએટ સંસ્થાની મુલાકાત અને ગુજરાતના પસંદગીના ટોચના ઉદ્યોગકારો સાથે ભોજન લીધા બાદ બંને વડા પ્રધાનો હેલિકોપ્ટર દ્વારા પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત લીધી હતી.
વદરાડમાં બંને દેશોની દોસ્તીના માનાર્થે સ્થપાયેલા સ્તંભનું નેતન્યાહૂના હસ્તે અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે બન્ને નેતાઓએ કચ્છમાં ભુજ તાલુકાના કૂકમા ગામે નવા સ્થપાયેલા ખજૂર સંશોધન કેન્દ્રનું રિમોટ કન્ટ્રોલ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.
કેપિટલ ‘I’ અહંકારનું પ્રતીક...
વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, iCreateમાં ‘i’ નાનો રાખવા પાછળ એક કારણ છે. જો કેપિટલ ‘I’ રાખવામાં આવ્યો હોત તો તે અહંકાર અને અહંમનું પ્રતીક બની જાત. તેનાથી વિકાસમાં અને ક્રિયેટિવિટીમાં અવરોધ સર્જાયો હોત અને યોગ્ય રીતે કામ ન થઈ શક્યું હોત. આશાવાદ અને સપનાઓને ઉડાન આપવા માટે iCreateમાં ‘i’ નાનો રખાયો છે. મેં જ્યારે આ સેન્ટરની શરૂઆત કરાવી હતી ત્યારે જ કહ્યું હતું કે, ઈઝરાયલને તેની સાથે જોડવો જોઈએ.
ચાર ‘I’ થકી વિકાસ શક્ય
iCreate એક સ્વતંત્ર સંસ્થા છે જેનો ઉદ્દેશ ઉદ્યોગસાહસિકોને ક્રિયેટિવિટી, ઈનોવેશન, પ્રોડક્ટ ડિઝાઈન અને નવી ટેક્નોલોજી દ્વારા ફૂડ સિક્યોરિટી, વોટર, કનેક્ટિવિટી, સાયબર સિક્યોરિટી, આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ, નોન-કન્વેન્શનલ એનર્જી, બાયોમેડિકલ ઈક્વિપમેન્ટ અને ડિવાઈસ વગેરે ક્ષેત્રોમાં મદદ કરે છે. iCreateને સરળ ભાષામાં કહીએ તો મની, મેન્ટર અને માર્કેટનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે જે ઉદ્યોગસાહસિકોની દરેક સમસ્યાનું સમાધાન આપશે. યુવાનો ઇન્ટેક્ટ, આઇડિયા, ઇનોવેશન અને ઈન્ડિયા જેવા ચાર ‘I’ને ધ્યાનમાં રાખે તો વિકાસ શક્ય બને તેમ છે.
મહાત્મા ગાંધી માનવતાના દૂત
ઈઝરાયલના વડા પ્રધાને મહાત્મા ગાંધીને માનવતાના મહાન દૂત ગણાવ્યા હતા. ગુજરાત મુલાકાતના પ્રારંભે ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન નેતન્યાહૂ ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે આશ્રમમાં ૨૦ મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. ત્યાં પતંગ પણ ચગાવ્યો હતો. એમણે વડા પ્રધાન મોદીને ‘માય ડિયર ડિયર ફ્રેન્ડ’ તરીકે ઓળખાવ્યા હતાં.
વદરાડમાં સેન્ટર ઓફ એક્સલન્સ
વર્ષ ૨૦૨૨માં ભારતની આઝાદીના ૭૫મા વર્ષે ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સિદ્ધ કરવા ઈઝરાયલની કૃષિ ટેકનોલોજી સહાયરૂપ થશે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ઈન્ડો-ઈઝરાયલ પાર્ટનરશીપ કાર્યક્રમ હેઠળ પ્રાંતિજ નજીકના વદરાડ ખાતે વર્ષોથી કૃષિ સંશોધન માટે સેન્ટર ઓફ એક્સલેન્સ કાર્યરત છે. આ સેન્ટરની મુલાકાતે આવેલા ઈઝરાયલ અને ભારતના વડા પ્રધાને વદરાડથી કચ્છના કુકમા ખાતે ખારેક તૈયાર કરતા સેન્ટર ઓફ એક્સલેન્સનું રિમોટ કન્ટ્રોલ વડે લોકાપર્ણ કર્યું હતું.
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે ‘આધુનિક ટેક્નોલોજી, બજાર આધારિત ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન, સુક્ષ્મ પિયત, વેસ્ટ મેનેજમેન્ટ જેવી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ કૃષિક્રાંતિ માટે વિચારવું પડશે. આ માટે વદરાડનું આ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ અને કચ્છમાં શરૂ થઈ રહેલું ખારેક માટેનું સેન્ટર ફોર એક્સલન્સ શ્રેષ્ઠ સહાયરૂપ સાબિત થશે’.
ભારત-ઈઝરાયલના સંબધો દેશના કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવશે એમ કહીને મોદીએ ઈઝરાયલના વડા પ્રધાનનની ગુજરાત મુલાકાત માટે આભાર માન્યો હતો.
પ્રતિભાવમાં ઇઝરાયલના વડા પ્રધાને ‘ધન્યવાદ મેરે દોસ્ત’ કહીને મોદીનું અભિવાદન કર્યું હતું. નેતન્યાહૂએ ઈન્ડો-ઈઝરાયલ પાર્ટનરશીપને અમેઝીંગ પાર્ટનરશીપ ગણાવી હતી. બંને દેશોનો સહયોગ વિકાસને નવી ઊંચાઈ આપશે તેમ કહેતા તેમણે ‘બાઈબલના સમયથી ઈઝરાયલની પ્રજા ખજુર, ઘઉં જેવા પાકોની પરંપરાગત ખેતી કરે છે અને નોલેજ ઈઝ ફ્યુચર દ્વારા વૈજ્ઞાાનિક કૃષિ દ્વારા રણ વિસ્તારમાં કૃષિક્ષેત્રે નવા પરિણામો સર્જી અમે માનવ સમુદાયને ટેકનોલોજી અને ગુડનેસ આપ્યા છે’ એમ ઉમેર્યું હતું.
બંધ કારમાં નેતાઓની ઝલક
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સુરક્ષાને કારણે છેલ્લી ઘડીએ ખુલ્લી જીપમાં રોડ-શો થઈ શક્યો ન હતો. આથી, વડા પ્રધાન મોદીએ બંધ કારમાં નેતન્યાહૂ અને તેમના પત્ની સારા સાથે બેસીને એરપોર્ટથી સાબરમતી આશ્રમ વચ્ચે નવ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. સ્વાગત કરવા વહેલી સવારથી રસ્તાની બંને તરફ ઉભા રહેલા નાગરિકોએ બંધ કારમાંથી ઝલક મેળવી હતી.
રાષ્ટ્રધ્વજ સાથે અભિવાદન
બંને વડા પ્રધાનોએ ભારત-ઇઝરાયલના રાષ્ટ્રધ્વજ સાથે ઉભેલા લોકોનું અભિવાદન બંધ કારમાંથી જ ઝીલ્યું હતું. એરપોર્ટથી સાબરમતી આશ્રમ વચ્ચે ભારતની ભાતીગળ સંસ્કૃતિના પરિચય માટે ૧૬ સ્ટેજ પરથી ગુજરાતના ગરબા, રાસ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોના કલાવૃંદોએ નૃત્ય દ્વારા સ્વાગત કર્યુ હતું. રસ્તામાં અને ૧૬ સ્ટેજ ઉપર વિવિધ રાજ્યોના પરિચય માટે ગુજરાતી, અંગ્રેજી અને હિબ્રુ ભાષાના પોસ્ટર્સ લગાવાયા હતા. બંધ કારમાં મોદી મહેમાન વડા પ્રધાન અને તેમના પત્નીને વિવિધ રાજ્યોની સંસ્કૃતિનો પરિચય આપતા જોવા મળ્યા હતા.
પાટણનું પટોળું ભેટ
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના દોસ્ત વડા પ્રધાન મોદીને દરિયાનું ખારું પાણીને મીઠું તથા કાદવકીચડવાળા ગંદા પાણીને શુદ્ધ કરતા મોબાઈલ યુનિટની કિંમતી ભેટ આપી એ પછી ગુજરાત સરકારે પણ મોંઘેરા મહેમાનોને ભેટસોગાદોથી નવાજ્યાં હતાં. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ iCreat સંસ્થા ખાતે બેન્જામિન નેતન્યાહૂને કચ્છી ભરત ભરેલી શાલ તથા વડનગરના ઐતિહાસિક તોરણની ગોલ્ડ પ્લેટેડ પ્રતિકૃતિ ભેટ આપ્યા હતાં. જ્યારે તેમના જીવનસાથી સારાને પાટણનું મશહૂર હાથવણાટનું પટોળું ભેટ અપાયું હતું.
સમોસા સાથે ગુજરાતી ભાણું
ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ, તેમના પત્ની સારા અને ડેલિગેટ્સના સન્માનમાં વડા પ્રધાન કાર્યાલયે અમદાવાદના બાવળા સ્થિત આઈક્રિએટ સેન્ટરમાં ભોજન સમારંભ યોજ્યો હતો. જેમાં ગુજરાતી વાનગીઓ અને તેમાંય અમદાવાદના વિખ્યાત નવતાડના સમોસાના પણ પિરસાયા હતા. ગુજરાતી, રાજસ્થાની વાનગીઓનો પરિચય મહેમાનોને કરાવવા માટે અંગ્રેજી અને હિબ્રુ ભાષામાં ખાસ મેન્યુ તૈયાર કરાયું હતું. આ મેન્યુમાં કઈ વાનગી કેવી રીતે બને છે તેની જાણકારી પણ હતી.
મહેમાનોને વેલકમ ડ્રિન્કમાં પાઈનેપલ જ્યુસ, ફુદિના-તુલસીનું પાણી અને છાશ અપાયા હતા. સ્ટાર્ટ્સમાં સલાડ, ઢોકળા, લીલવાના પાતરા, હમસ, ઈઝરાઈલી સલાડ, ફણગાવેલા કઠોળ-કાળા ચણાનું સલાડ, ચણા જોર ચાટ, દહીંવડાં, ટામેટા-ફુદિનાનો શોરબા સુપ અપાયા હતા. મેઈન કોર્સમાં લીલવાની કચોરી, નવતાડના સમોસા, પનીરટીકા મસાલા, ઊધિંયુ, રાજસ્થાની ગટ્ટા કરી, મુજાદરા, રિંગણ-બટાકાનું ભરથું, દાલતડકા, જીરા મટરપુલાવ, ફુલકા રોટી, પરાઠા, પુરી, પાપડ, અથાણુ અને ચટણી તો સ્વીટ્સમાં ગાજર હલવો, દુધ-પિસ્તા, ગુલાબજળનો મહલાબિયા, કુલ્ફી પાન પીરસાયા હતા.

