‘આપ’ને ચૂંટણી પંચનો આંચકોઃ ૨૦ ધારાસભ્યો ગેરલાયક

Tuesday 23rd January 2018 10:43 EST
 
 

નવી દિલ્હીઃ દિલ્હીમાં શાસનધુરા સંભાળતી કેજરીવાલ સરકારને આંચકો આપે તેવી એક ઘટનામાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના ૨૦ ધારાસભ્યો ગેરલાયક જાહેર થયા છે. ઓફિસ ઓફ પ્રોફિટ (લાભના પદ)ની જોગવાઇનો ભંગ કરવા બદલ કેન્દ્રીય ચૂંટણી પંચે આ ધારાસભ્યો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે નિયમ અનુસાર રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી પંચની આ ભલામણ પર રવિવારે મહોર લગાવી હતી. તેમજ કેન્દ્ર સરકારે આ અંગેનું જાહેરનામું પણ જારી કરી દીધું છે. આ બધા ધારાસભ્યો ૨૦૧૫ની ૧૩મી માર્ચથી ૨૦૧૬ની ૮મી સપ્ટેમ્બર સુધી સંસદીય સચિવ રહ્યા હતા. હવે ‘આપ’ પાસે બચાવ માટે હાઇ કોર્ટ કે સુપ્રીમ કોર્ટનો જ માર્ગ છે.
‘આપ’એ ચૂંટણી પંચની આ ભલામણને મોદી સરકાર પ્રેરિત પગલું ગણાવ્યું છે તો પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું છે કે બંધારણીય ઓફિસનો આવો દુરુપયોગ કરી શકાય નહીં. જોકે ભાજપ અને કોંગ્રેસે આ ઘટનાક્રમમાં રાજકીય લાભ જોયો છે અને કેજરીવાલ સરકારનું રાજીનામું માગ્યું છે.
અલબત્ત, ૨૦ ધારાસભ્યો ગેરલાયક ઠર્યા બાદ પણ દિલ્હીની ‘આપ’ સરકાર સામે કોઇ ખતરો નથી કેમ કે દિલ્હીના ૭૦ સભ્યોના ગૃહમાં તેના ૬૭ ધારાસભ્યો છે. આમ ૨૦ ધારાસભ્યો ગેરલાયક ઠર્યા બાદ પણ તેની બહુમતી જારી રહેશે.

રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી

સાંસદો અને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણી કરતી અરજીઓમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પંચને રેફરન્સ કરે છે. જે મામલે ચૂંટણી પંચ નક્કી કરે છે અને તેની ભલામણ મોકલે છે. દિલ્હીમાં ‘આપ’ના સાંસદોના કિસ્સામાં ૨૧ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા એક પિટીશન કરાઈ હતી. પરંતુ એક ધારાસભ્ય જરનૈલ સિંહે પંજાબની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું હતું. ‘આપ’ના છ ધારાસભ્યો ચૂંટણી પંચના નિર્ણય સામે હાઇ કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસની ત્વરિત સુનાવણી કરતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે તેઓ ‘આપ’ની દલીલોથી સંતુષ્ટ નથી અને તેના આધારે તત્કાળ રાહત આપી ન શકાય.

આક્ષેપો ખોટાઃ ‘આપ’

મુખ્ય પ્રધાન કેજરીવાલના મીડિયા સલાહકાર નાગેન્દર શર્માએ જણાવ્યું હતું કે ઓફિસ ઓફ પ્રોફિટના ખોટા આક્ષેપ મામલે ધારાસભ્યોની દલીલો સાંભળ્યા વગર ભલામણ કરાઈ છે. ભાજપે આ નિર્ણય આવકાર્યો છે અને માગણી કરી છે કે આ મુદ્દે નૈતિક જવાબદારી સ્વીકારીને મુખ્ય પ્રધાન કેજરીવાલે રાજીનામું આપી દેવું જોઈએ.
ગયા વર્ષે જૂનમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે ‘આપ’ના ધારાસભ્યો સંસદીય સેક્રેટરીઓની ઓફિસનો હોદ્દો ધરાવે છે. દિલ્હી વિધાનસભામાં ચૂંટણી જીત્યા બાદ પક્ષે માર્ચ ૨૦૧૫માં ધારાસભ્યોને સંસદીય સચિવોની નિમણૂક આપી દેતા વિવાદ સર્જાયો હતો.
નિમણૂકો મામલે વિરોધ પ્રદર્શનો શરૂ થતાં કેજરીવાલ સરકારે ઓફિસ ઓફ પ્રોફિટના કાયદાના અધિકાર ક્ષેત્રમાંથી સંસદીય સેક્રેટરીના હોદ્દાની બાદબાકી કરીને ધારાસભ્યોનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ દરખાસ્ત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને આ અંગેની ખાનગી પિટીશન ચૂંટણી પંચને મોકલી હતી. એક અલગ ખાનગી પિટીશન પર સુનાવણી કરીને દિલ્હી હાઇ કોર્ટે સપ્ટેમ્બર, ૨૦૧૫માં સંસદીય સચિવના હોદ્દા રદ કરી દીધા હતા.

લાભનો હોદ્દો શું છે?

ભારતના બંધારણમાં ઓફિસ ઓફ પ્રોફિટ (લાભના હોદ્દા) મામલે સ્પષ્ટ વ્યાખ્યા છે. તેના પરિશિષ્ટ ૧૦૨ (એક) હેઠળ સાંસદ અથવા ધારાસભ્ય એવા કોઇ અન્ય હોદા પર ન રહી શકે જ્યાં વેતન, ભથ્થાં અથવા અન્ય પ્રકારના લાભ મળતા હોય. બંધારણની પરિશિષ્ટ ૧૯૧ (એક) અને જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ નવ (એ) હેઠળ પણ સાંસદો અને ધારાસભ્યોને અન્ય હોદા સ્વીકારવાથી અટકાવી દેવાની જોગવાઇ છે.

સોનિયા, જયાએ પણ સભ્યપદ છોડવું પડ્યું હતું

જનપ્રતિનિધિઓ પર આ પ્રકારે પ્રથમ વખત કાર્યવાહી નથી થઈ. યુપીએ-૧ના સમયમાં ૨૦૦૬માં ‘લાભના પદ'નો વિવાદ સર્જાયો હતો જેના કારણે સોનિયા ગાંધીએ લોકસભાનું સભ્યપદ છોડવું પડ્યું હતું અને રાયબરેલીમાંથી બીજી વાર ચૂંટણી લડવી પડી હતી. સાંસદ હોવાની સાથે સોનિયા ગાંધીને રાષ્ટ્રીય સલાહકાર પરિષદના ચેરમેન બનાવાતા લાભના પદનો મુદ્દો સર્જાયો હતો. આ જ રીતે જયા બચ્ચન પર પણ ૨૦૦૬માં આરોપ લાગ્યો હતો કે તેઓ રાજ્યસભા સાંસદ હોવાની સાથે સાથે યુપી ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન પણ હતા.


comments powered by Disqus