૭૬મા વર્ષે જીમમાં જવાનું શરૂ કર્યું, ૮૦મા વર્ષે ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયન!

Wednesday 25th July 2018 07:41 EDT
 
 

ઇસ્ટ એલ્ટનઃ ૮૦ વર્ષના શિર્લે વેબે ચાર વર્ષ પહેલાં જીમમાં જવાનું શરૂ કર્યું. થોડાક દિવસમાં પાવર લિફ્ટિંગ પણ શરૂ કર્યું. આ સમયે તેઓ કોઈના સહારા વિના સીડીઓ ચઢી શકતાં ન હતાં કે ખુરશી પર બેસી પણ શકતાં ન હતાં.
જોકે આમ છતાં પોતાની વહાલસોયી પૌત્રી ડોરિયનના કહેવાથી ડરેલાં, ગભરાયેલાં શિર્લેએ માત્ર તેને કંપની આપવા માટે જીમ જવાનું શરૂ કર્યું. આજે તેઓ નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે ઘણાં મેડલ જીતી ચૂક્યાં છે. હવે તેઓ સૌના લોકપ્રિય વેઇટલિફ્ટિંગ ગ્રાન્ડ મધર બની ગયાં છે.
તાજેતરમાં કેલગરીમાં ઇન્ટરનેશનલ ફેડરેશનની રો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમણે ૪ સિલ્વર મેડલ જીત્યાં હતાં. તેમના નામે યુએસએ પાવર લિફ્ટિંગના ૬ નેશનલ અને ઇલિયોનેઇ પ્રાંતના ૨૬ રેકોર્ડ્સ છે. ૨૨૫ પાઉન્ડમાં લિફ્ટિંગનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થયો છે.

સારો ટ્રેનર શોધો, લાંબા ગાળે લાભમાં રહેશો
શિર્લે જણાવે છે કે ૭૬ વર્ષની વય સુધી તેમણે ક્યારેય ફોર્મલ એક્સરસાઇઝ પણ કરી ન હતી. માત્ર દરરોજ પોતાની ફાર્મમાં કામ કરવાનું રૂટિન હતું. પરંતુ હવે વ્યાયામ તેમના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે.
તેઓ કહે છે કે હું તો દરેકને કહું છું કે વ્યાયામ જરૂર કરો. પોતાના માટે એક સારો ટ્રેનર શોધો અને સખત મહેનત કરો, પસ્તાવો નહીં થાય. લાંબા ગાળે તેમને અવશ્ય ફાયદો થશે જ.
શિર્લે ઓગસ્ટની ૧૨ તારીખે ૮૧ વર્ષનાં થશે. તેઓ પોતાની ફિટનેસનો બધો યશ ટ્રેનર જ્હોન રાઇટને આપતા કહે છે કે મારા ટ્રેનરે હું કંઈ પણ કરી શકું તેમ ન હોવા છતાં પણ મને એક્સરસાઈઝ માટે પ્રેરિત કર્યા હતા.


comments powered by Disqus