જાણીતા લેખક, સમાજસેવક, વક્તા અને ‘ધર્મજ ડે’ ઉજવણીના સ્વપ્નદ્રષ્ટા શ્રી રાજેશ પટેલ ટૂંક સમયમાં યુકેના પ્રવાસે આવી રહ્યા છે. તેમણે દર વર્ષે ૧૨મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસે દુનિયાભરમાં રહેતા ધર્મજના વતનીઓને ધર્મજ લાવવાનો સફળ અને અભિનવ પ્રયોગ શરૂ કર્યો હતો. ધર્મજ સોસાયટી ઓફ લંડનના ધર્મજ અને ભારત ખાતેના સેવાકાર્યોમાં તેમની સક્રિય ભુમિકા રહી છે.
સમાજસેવાના ક્ષેત્રે વર્ષો સુધી કાર્યરત રહ્યા બાદ તેમણે રાજકારણને પડકાર રૂપે સ્વીકાર્યું હતું. ધર્મજ પંચાયતના સભ્યથી શરુ કરીને પેટલાદ વિધાનસભા સુધી ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી તથા સરદાર પટેલ યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સભ્ય, યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના અધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમણે સરકારી શાસનમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય તરીકે પણ કાર્ય કર્યું છે.
વ્યવસાયની સાથે પારિવારિક ખેતીનું કામ સંભાળતા શ્રી રાજેશ પટેલ સરદાર પટેલ સમાજ ફેડરેશનના ઉપપ્રમુખ, ભારત પાટીદાર સમાજ (ચરોતર છ ગામ પાટીદાર સમાજ) યુવા સંગઠનના સ્થાપક પ્રમુખ ઉપરાંત અનેકવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરનારા શ્રી રાજેશ પટેલે ધર્મજ વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં લખેલું પુસ્તક ‘ધર્મજ એક આદર્શ ગામ’ને વાચકોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો.
એન સી સીના અંડર ઓફિસર સર રહી ચૂકેલા શ્રી રાજેશ પટેલે ક્રિકેટ તથા અન્ય રમતોમાં રાજ્યકક્ષા સુધી ભાગ લીધો હતો. તેઓ પર્વતારોહણ, સાહસિક રમતો તથા પ્રકૃત્તિ શિબિરોના માધ્યમથી પર્યાવરણ જાગૃતિના કાર્યો પણ કર્યા છે. તેમણે યુથ હોસ્ટેલ, રોટરી ક્લબ, વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર ઈન ઈન્ડિયા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કાર્ય કર્યું છે.
સંપર્કઃ મનહર પટેલ
07860 430 895

