અસંમતિ દર્શાવવાનો અધિકાર સહુને, પણ અન્યોના સન્માનના ભોગે નહીંઃ રાષ્ટ્રપતિ

Wednesday 31st January 2018 05:28 EST
 
 

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રથમ રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશમાંથી ગરીબી દૂર કરવાને પવિત્ર ફરજ ગણાવવાની સાથોસાથ તેને લોકશાહીનું અનિવાર્ય પગલું ગણાવ્યું હતું. આની સાથોસાથ તેમણે બોલિવૂડની ફિલ્મ ‘પદ્માવતી’ સામે ઉઠેલા વિરોધ-વંટોળનો પણ પરોક્ષ સંદર્ભ ટાંક્યો હતો. તેમણે સમભાવ ધરાવતા સમાજનું ઘડતર કરવાની હાકલ કરતાં આહવાન કર્યું હતું કે ઐતિહાસિક વિરોધાભાસ મુદ્દે અસંમતિ પ્રગટ કરવાનો સૌને અધિકાર મળે છે, પરંતુ તે અધિકારનો ઉપયોગ અન્યના સન્માનના ભોગે નહીં કરવો જોઇએ.
રાષ્ટ્રપતિપદે આવ્યા બાદ પ્રથમ પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે દેશની સંસ્થાઓ અનુશાસિત અને નૈતિક મૂલ્યો ધરાવતી હોવી જોઇએ. વ્યક્તિ કે હોદ્દા કરતાં સંસ્થાઓ મહત્વની છે. ગરીબીના મુદ્દાને સ્પર્શ કરતાં તેમણે જણાવ્યું હતું કે ગરીબી દૂર કરવી તે પવિત્ર ફરજ છે. આ લોકશાહીનું અનિવાર્ય પગલું છે. સમભાવવાળો સમાજ સમભાવવાળા પાડોશથી શક્ય બને. સૌએ પાડોશીનું સન્માન, અધિકારોનો ખ્યાલ રાખવો જોઇએ. ઉત્સવ દરમિયાન કે વિરોધ પ્રદર્શન દરમિયાન કોઇનું સ્વમાન ઘવાય નહીં તેમ વર્તવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં પદ્માવતી ફિલ્મ મુદ્દે રાજપૂત સમાજના તોફાનો અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે રાષ્ટ્રપતિનું નિવેદન સૂચક છે.
નૈતિક મૂલ્યોવાળું અનુશાસિત રાષ્ટ્ર તેવી જ સંસ્થાઓ
દ્વારા સ્થાપી શકાય. સંસ્થાઓ પ્રતિબદ્ધતા અને મર્યાદા જાળવે તે જરૂરી છે.
રાષ્ટ્રપતિએ તેમના પ્રવચનમાં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ સ્વતંત્રતા મેળવવામાં લાખો લોકોએ લડત આપી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે સતત સંઘર્ષનો સમય હતો. તેમાં રાષ્ટ્રભાવના અને નિષ્ઠા હતી. પછાત અને નબળા વર્ગના લોકો હજી ગરીબીમાં જીવે છે તેમ જણાવી તેમણે ગરીબી દૂર કરવી તે પવિત્ર ફરજ છે તેમ જણાવ્યું હતું. શિક્ષણ તંત્રમાં સુધારાનું આહવાન કરીને તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૬૦ ટકા લોકો ૩૫ વર્ષની ઉંમરના છે તે આપણી આશા છે.


comments powered by Disqus