નવી દિલ્હીઃ ભારત સરકારે એસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (‘આસિયાન’) દેશોના વડા સાથે દરિયાઇ સુરક્ષા, કનેક્ટિવિટી, સ્પેસ, દ્વિપક્ષીય વેપાર અને આતંકવાદને લગતા મુદ્દે ચર્ચા કરી હતી. ‘આસિયાન’ના સભ્યોમાં થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા, સિંગાપોર, મ્યાંમાર, કમ્બોડિયા, લાઓસ અને બ્રુનેઈનો સમાવેશ થાય છે.
ભારતે પ્રજાસત્તાક પર્વે પહેલી વાર ‘આસિયાન’ દેશોના વડાઓને આમંત્રણ આપીને એશિયામાં પોતાનો દબદબો વધારવાનો પ્રયાસ કર્યો છે.
વેપારમાં ૨૫ વર્ષમાં ૨૫ ગણો વધારો
‘આસિયાન’ શિખર પરિષદને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં ૨૫ વર્ષમાં ભારત અને ‘આસિયાન’ દેશોના સંબંધમાં ઘણો સુધારો થયો છે. ભારત ‘આસિયાન’ના મૂળ સિદ્ધાંતો શાંતિ અને સુશાસન આધારિત રાજકીય સત્તાને વળગી રહ્યું છે. છેલ્લાં ૨૫ વર્ષમાં આપણો વેપાર પણ ૨૫ ગણો વધી ગયો છે. અમે હજુયે આ વેપારને નવી ઊંચાઈએ લઈ જવા તત્પર છીએ. પ્રજાસત્તાક પર્વે અમે ‘આસિયાન’ દેશોના વડાઓને આમંત્રિત કરીએ છીએ. રામાયણ, બૌદ્ધ ધર્મ અને ઇસ્લામનો ઇતિહાસ આપણને એક તાંતણે જોડે છે.
ચીનને ધ્યાનમાં રાખી મ્યાંમારને મદદ વડા પ્રધાન મોદીએ ૨૪ જાન્યુઆરીએ ‘આસિયાન’ના મ્યાંમારના સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કી, ફિલિપાઈન્સના પ્રમુખ રોડ્રિગો દુતેર્તો અને વિયેતનામના વડા પ્રધાન નુએન શુઆન ફૂક સાથે ત્રણ અલગ-અલગ બેઠક કરી હતી. આ મુલાકાતોમાં મુખ્યત્વે ચીનને ધ્યાનમાં રાખીને દરિયામાં મુક્ત વેપાર અને સુરક્ષાને લગતા કરારો થયા હતા. જોકે આ સંધિઓને હજુ આખરી સ્વરૂપ અપાયું નહીં હોવાના અહેવાલ છે.
ભારત મ્યાંમાર સાથે જમીની જ નહીં, બંગાળની ખાડીમાં દરિયાઇ સરહદોથી પણ જોડાયેલું છે. ચીન પણ મ્યાંમારના સમુદ્રી વિસ્તારો પર નજર રાખીને બેઠું છે, જેથી ભારત છેલ્લાં ઘણાં સમયથી મ્યાંમારને લશ્કરી સહકાર આપવા માટે મનાવી રહ્યું છે. ભારતે મ્યાંમારની સેનાને તાલીમ આપવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. હાલમાં જ મ્યાંમારે સેનાનું આધુનિકરણ શરૂ કર્યું છે, જેમાં ભારત ખાસ્સો રસ લઈ રહ્યું છે.
થાઇલેન્ડ, ફિલિપાઇન્સને મદદ
વડા પ્રધાન મોદીએ થાઈલેન્ડના વડા પ્રધાન જનરલ પ્રયુત ચાન ઓ ચા સાથેની બેઠકમાં ભારતથી વાયા મ્યાંમાર થઈને થાઈલેન્ડ સુધી ૧૪૦૦ કિલોમીટર લાંબો હાઈ વે બનાવવા ચર્ચા કરી હતી. આ હાઈ વે થકી ભારત અને થાઈલેન્ડ વચ્ચેનો પ્રવાસ સરળ થશે. આ સાથે દક્ષિણ એશિયામાં ભારતની સ્થિતિ પણ કનેક્ટિવિટીને લઈને વધુ મજબૂત થશે.

