બ્રિટનમાં ગાત્રો થીજાવી દેતી કાતિલ ઠંડી વચ્ચે બરફવર્ષા

Wednesday 28th February 2018 06:27 EST
 
 

લંડનઃ બ્રિટનમાં શીતલહેરના પ્રકોપે લોકોને ધ્રુજાવી દીધા છે. આર્કટિકમાં થયેલા ગ્લેશિયર વિસ્ફોટ પછી પશ્ચિમી યુરોપ અને રશિયાના જમીન વિસ્તાર સાઈબીરીયા પરથી ફૂંકાતા બરફીલા પવનથી દેશભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. બ્રિટનનું તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
હાલ હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે. જેમાં પહેલી ચેતવણી ટ્રાફિક સંબંધિત છે અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે. હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે, ખરાબ હવામાન અને ભારે બરફવર્ષાના કારણે વાહનવ્યવહાર સેવા પ્રભાવિત થઇ શકે છે. આ ઉપરાંત વીજ કાપની સંભાવના પણ છે. બુધવાર સુધીમાં ઇસ્ટ ઇંગ્લેન્ડમાં ૮ ઇંચ બરફ પડવાની આગાહી છે. જેથી હેલ્થ ઓફિશિયલ્સે વૃદ્ધો અને બીમાર લોકોને ઘરમાંથી બહાર નહીં નીકળવા સલાહ આપી છે. હાલમાં યુકેની પરિસ્થિતિ રાષ્ટ્રીય આપદાથી માત્ર એક જ લેવલ નીચે છે.
બ્રિટનમાં ફેબ્રુઆરીના અંત સુધી હવામાન ઠંડુગાર હોય છે તેમાં કંઇ નવું નથી, પરંતુ, આ વખતે સમગ્ર યુકેમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને ઘરોમાંથી બહાર નહીં નીકળવા માટે પણ એલર્ટ અપાયું છે.
સોમવાર, ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલી હિમવર્ષા મંગળવારે સાંજે આ લખાય છે ત્યારે પણ ચાલુ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર ગુરુવાર સુધી ભારે બરફવર્ષા થવાની અને વાવાઝોડું આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૨૮મી ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર બ્રિટનમાં કડકડતી ઠંડી પડશે અને તાપમાનમાં વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. દેશના પૂર્વ અને દક્ષિણ પૂર્વ સહિત અન્ય વિસ્તારોમાં બરફવર્ષા થવા શક્યતા છે.


comments powered by Disqus