અયોધ્યાઃ ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જેટલા લોકો દર્શન કરવા આવે છે તેટલા લોકો શ્રી રામજન્મભૂમિ કાર્યશાળામાં પણ જાય છે. કાર્યશાળામાં હાલ પથ્થરો ઘડીને મંદિર બનાવવા માટેનો કાચો મજલો તૈયાર થઈ રહ્યો છે. જેથી મંદિર નિર્માણનો માર્ગ મોકળો થતાં જ નિર્માણનું કાર્ય ઝડપથી આગળ વધી શકે. હાલ મંદિરમાં વપરાશ માટેના પથ્થરોની કોતરણીનું ૫૦ ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે એટલે કે અર્ધા મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મંદિરનિર્માણ માટે પથ્થરો ઘડવાનું આ કામ છેલ્લા ૨૮ વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં તેનું નિ ગૃહ અથવા ગર્ભગૃહ જેમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરાય છે. આ ઉપરાંત તેના બહારના શોભા મંડપના ૧૬૦ જેટલા સ્તંભોનું કોતરકામ પણ પૂર્ણ થઈ ગયું છે.
શિયા વકફ બોર્ડના વડાનું દાન
વળી કોમી સંવાદિતાની એક સુખદ બાબત એ છે કે શિયા વકફ બોર્ડના વડા વસીમ રીજવી પણ કાર્યશાળાની અવાર-નવાર મુલાકાત લે છે. તેમણે મંદિરમાં ૧૦ હજાર રૂપિયા ફાળો પણ આપ્યો છે. તેમણે તો મંદિર નિર્માણ માટે વટહુકમ લાવવાની પણ હિમાયત કરતા કહ્યું હતું કે આખુ વિશ્વ જાણે છે કે અયોધ્યા શ્રીરામની જન્મભૂમિ હતી ત્યાં રામનું મંદિર નિર્માણ ન થાય તો ક્યાં થાય?
તેમણે ઉમેર્યું કે જે કટ્ટરપંથી વિચારધારા વાળા મુસ્લિમો હતા તેમણે મંદિર તોડયું હતું. આટલું પૂરતું નથી, આવા જ કટ્ટરપંથીઓએ સાઉદી અરેબિયામાં મોહમ્મદ સાહેબના દીકરીના મકબરા જન્નત ઉલ બકીને પણ તોડયો છે. તેમણે ઉમેર્યું કે જે લોકો મંદિરનો વિરોધ કરે છે તેઓ ગદ્દાર છે.

