જય બાબા બર્ફાની... ભૂખે કો અન્ન, પ્યાસે કો પાનીઃ યાત્રાળુઓ શિવ શરણમાં પહોંચ્યા

Wednesday 27th June 2018 06:56 EDT
 
 

પહલગામ, શ્રીનગર, જમ્મુઃ બર્ફાની બાબાની યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કાશ્મીરમાં ભલે અલગતાવાદી પરિબળોએ માઝા મૂકી હોય, પણ શિવભક્તોના ઉત્સાહમાં લગારેય ઓટ આવી નથી. અમરનાથ યાત્રાળુઓનો પહેલો જથ્થો ૨૭મી જૂન - બુધવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે. આ પછી ૨૮ જૂને કાશ્મીરના બંને કેમ્પો પહલગામ તથા બાલતાલથી ભક્તોનું જૂથ રવાના થશે.
આતંકવાદી હુમલાની દહેશત વચ્ચે શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રામાં આ વખતે પહેલી વાર બેઝ કેમ્પ જમ્મુમાં ભક્તો માટે એસી હોલ બનાવાયા છે, જ્યારે કાશ્મીર રૂટ પર પીવા માટે આરઓ વોટરની વ્યવસ્થા કરાઈ છે. બાબાના દર્શન માટે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી અલગ અલગ બેન્કોની ૪૪૦ બ્રાન્ચોમાં બે લાખથી વધુ ભક્ત નોંધણી કરાવી ચૂક્યા છે. આમાંથી ૫૦ હજારથી વધુ યાત્રાળુ તો ગુજરાતમાં જ નોંધાયા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિર્દેશક એસ. પી. વૈદ્યે જણાવ્યું કે કાશ્મીરના અનંતનાગ, કુલગામ, શ્રીનગર, ગંદરબાલ, પહલગામ, પુલવામા જિલ્લા હેઠળ આવનારા હાઈવે પર સંપૂર્ણપણે ધ્યાન રહેશે. અનંતનાગથી લઈને પંપોર સુધીનો હાઈવે સૌથી વધુ ખતરનાક છે. અહીં કાફલા પર આતંકી તત્વો ગ્રેનેડ હુમલો કરી શકે છે. આ માટે હાઈવે પર સલામતી દળોની વિશેષ ટુકડીઓ નિયુક્ત કરાશે, જેથી તોફાની તત્વો પર નજર રાખી શકાય. અમરનાથ યાત્રાળુઓની સલામતી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વૈદ્ય એ નથી જણાવતા હાઈવે પર વિશેષ સુરક્ષા માટે ક્યા પગલા લેવામાં આવ્યા છે, પરંતુ તેઓ કહે છે કે અમે બધા ખતરનાક પોઈન્ટો પર નજર રાખીશું.
એક સાથે ૧૩૦૦ લોકોનો મુકામ
દસકાઓથી યોજાતી અમરનાથ યાત્રામાં આ વર્ષે પહેલી વખત પ્રવાસીઓ જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પમાં એસી હોલમાં રહેશે. યાત્રાનો પહેલો પડાવ આ કેમ્પ છે. યાત્રાના બંને માર્ગો પર દર બે કિલોમીટરે શુદ્ધ પાણી મળી રહેશે. અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ તરફથી શ્રદ્ધાળુઓને આરઓનું પાણી પૂરું પડાશે. આ માટે ૨૦૦થી વધુ આરઓ લગાવવામાં આવ્યા છે. શ્રીનગરના સેન્ટ્રલ સ્ટોરમાં ૭૦ આરઓ લગાવાશે.
૧૫ હજાર યાત્રી, ૧૨૦ લંગર
અમરનાથ શ્રાઇન બોર્ડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે યાત્રાના બંને રૂટ પર ૧૫ હજાર યાત્રીઓને રવાના કરવામાં આવશે. આ બંને રૂટ પર આ વખતે ૧૨૦ લંગર હશે. લંગર કમિટીના સભ્યો તરફથી લગાવવામાં આવતા હોય છે. અહીં દેશભરમાંથી આવેલી સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓને વિવિધ પ્રકારના ભોજનથી માંડીને સેવાઓ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે.
નીચે જીપીએસ, આકાશમાં ડ્રોન
આ વખતે અમરનાથા યાત્રાળુઓના તમામ વાહનો જીપીએસથી સજ્જ હશે. સાથોસાથ તમામ વાહનોમાં પહેલી વખત રેડિયો ફ્રીક્વન્સી ડિવાઈસ લાગશે. આ સાધનની મદદથી વાહનના ચોક્કસ લોકેશનની જાણ થઈ શકશે. કોઇ વાહન મુસીબતમાં ફસાતા જ પોલીસ - આર્મી પહોંચી જશે. સમગ્ર માર્ગ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે.
મહિલા કંપની પર ફરજ પર
યાત્રાના બેઝ કેમ્પ ભગવતીનગરમાં અર્ધલશ્કરી દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની (સીઆરપીએફ)ની એક મહિલા કંપની નિયુક્ત રહેશે. અત્યાર સુધી આ ટુકડી બનતાલાબ સેન્ટરમાં ફરજ પર હતી. મહિલા કંપનીને શિબિરમાં સુરક્ષા જવાબદારી પહેલી વખત સોંપાઇ છે. આ કંપનીમાં ૯૦ મહિલાઓ હશે.


comments powered by Disqus