દહેરાદૂનથી ડબ્લિન, શાંઘાઈથી શિકાગો... યોગ સમાજને જોડવાનું કામ કરે છેઃ મોદી

Friday 29th June 2018 06:30 EDT
 
 

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગાસન દ્વારા ઉજવણીઓ કરાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથા યોગ દિવસ નિમિત્તે દેહરાદૂનનાં વન અનુસંધાન કેન્દ્રનાં વિશાળ મેદાનમાં ૫૫,૦૦૦ લોકો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દહેરાદૂનથી ડબ્લિન અને શાંઘાઈથી શિકાગો સુધી યોગ સમગ્ર દુનિયાને જોડી રહ્યો છે. જ્યારે તોડનારી શક્તિઓ હાવી થાય છે ત્યારે સમાજ વિભાજિત થાય છે, વ્યક્તિ અંદરને અંદર તૂટતી જાય છે, જીવનમાં તણાવ વધે છે, પરંતુ યોગ જોડવાનું કામ કરે છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આપણે આપણા વારસા પર ગર્વ કરીશું અને વિશ્વ આપણા પર ગર્વ કરશે. યોગે સમગ્ર દુનિયાને ઇલનેસથી વેલનેસનો રસ્તો બતાવ્યો છે. રાષ્ટ્રનિર્માણ માટે દરેક નાગરિક તંદુરસ્ત હોય તે જરૂરી છે, તેમાં યોગનું મોટું યોગદાન છે. મોદીએ જણાવ્યું હતું કે, યોગ કરનારાં લોકો નિયમિત રીતે કરે અને જે નથી કરતાં તે યોગ કરે. યોગ જ ભારત અને વિશ્વમાં નિકટતા લાવ્યો છે. યોગ આજે દુનિયાના સૌથી શક્તિશાળી યુનિફાઇંગ ફોર્સિસ પૈકીનો એક છે. આપણા માટે ગૌરવની વાત છે કે આજે જ્યાં જ્યાં સૂર્યનાં કિરણો પહોંચી રહ્યાં છે ત્યાં લોકો સૂર્યનું સ્વાગત કરી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાઉથ અમેરિકાના નાનકડા ટાપુ દેશ સૂરીનામની મુલાકાતે હતા. આ દિવસેે યોજાયેલા યોગ કાર્યક્રમમાં કોવિંદ પણ જોડાયા હતા. કોવિંદે ટીશર્ટ પહેરીને સુરીનામના પ્રમુખ ડિઝાયર દેલનો બાઉન્ટરસેલ સાથે યોગ કર્યા હતા. તો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ યુરોપિયન પાર્લામેન્ટમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કર્યું હતું કે ભારતથી ૧૪,૦૦૦ કિમી દુર હું યોગ કરી રહ્યો છું જેથી બહુ જ ખુશ છું.

કોટામાં યોગનો વિશ્વવિક્રમ

ભારતની વાત કરીએ તો દેશભરમાં ૫૦૦૦થી વધુ યોગ ઈવેન્ટ યોજાઈ. રાજસ્થાનના કોટામાં બે લાખ લોકોએ એકસાથે યોગ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. દેશભરમાં આર્મીના ૩૫,૦૦૦થી વધુ લોકોએ યોગ કર્યા. દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીન પર ૩૫૦થી વધુ જવાને યોગાસન કર્યાં.
• દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો, જેમાં ૧૯૦થી વધુ દેશો જોડાયા હતા. એક અંદાજ મુજબ દુનિયામાં ૨ કરોડ લોકોએ આ દિવસે યોગ કર્યા. અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ, જર્મની વગેરે દેશો ઉજવણીમાં જોડાયા હતા. ચીનના બૈજિંગમાં પહેલી વાર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના હેડ ક્વાર્ટર ને ઓસ્ટ્રેલિયાની સંસદમાં પણ યોગ થયા.
• યોગ દિવસે યુએન બિલ્ડિંગ ખાસ પ્રકારની લાઇટથી ઝળહળ્યું હતું. તેમાં જુદાં જુદાં આસનોના ડિસ્પ્લે રજૂ થયા હતા. મુખ્ય કાર્યક્રમમાં યુએનના રાજદૂતો, રાજદ્વારીઓ, ધાર્મિક નેતાઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને બાળકોએ ભાગ લીધો. ભારત તરફથી કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને પ્રતિનિધિત્વ કર્યું હતું.
• દુનિયાભરનાં ઐતિહાસિક સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયા. સાત અજાયબી પૈકી ઈજિપ્તના પિરામિડ નજીક યુવાઓએ યોગ કર્યા તો પેરિસમાં એફિલ ટાવર ખાતે યોગ સત્રમાં ૫૦૦૦ લોકો જોડાયા. આ ઉપરાંત જાપાની ટાવર, અમેરિકામાં ન્યૂ યોર્ક સ્ક્વેર, ઓસ્ટ્રેલિયામાં ઓપેરા હાઉસ જેવાં સ્થળોએ પણ યોગ કાર્યક્રમ યોજાયા.
• ચીનમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાયા. ચીનની દીવાલ, મિંગ ટોમ્બ, સમર પેલેસ, ઓરિએન્ટલ પર્લ ટીવી સ્ટાર, જેડ બુદ્ધા મંદિર જેવાં સ્થળોએ લોકો યોગ કરતા જોવા મળ્યા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર્વે ભારત બાદ અહીં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો.
• અમેરિકાના હવાઈ ટાપુ પર જાપાન અને ભારતીય નેવીએ એક સાથે યોગ કર્યા. જાપાન નેવીના શિપ જેએસ ઈસે અને ભારતીય સહ્યાદ્રી પર નેવી જવાનોએ યોગાસન કર્યા હતા. આ ઉપરાંત યુએસ નેવી પણ યોગમાં જોડાઇ હતી.
• ટોક્યોના જોજોજી ટેમ્પલમાં ભારતીય એમ્બેસીએ મુખ્ય કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રાચીન મંદિર ટોક્યો ટાવર નજીક છે.
• દુનિયાભરમાં યોગ ઈન્ડસ્ટ્રી ૫.૪ લાખ કરોડ રૂપિયાની થઈ છે. માત્ર અમેરિકામાં આ ઉદ્યોગ ૨ લાખ કરોડ રૂપિયાનો છે. ચીનમાં ૩૦૦૦ ભારતીય યોગ ટ્રેનર લોકોને યોગ શીખવે છે.


comments powered by Disqus