અમદાવાદ, વલસાડ, વડોદરાઃ ગુજરાતમાં મેઘરાજાની સવારીનું નિયત સમય કરતાં થોડુંક વિલંબથી પણ ધમાકેદાર આગમન થયું છે. દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ ૩૦ કલાકમાં ૨૫ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકાર થઇ ગયું હતું. સંજાણ નજીક રેલવે ટ્રેકની બાજુની માટી ધસી પડતાં ગુજરાત-મુંબઈને જોડતો રેલ વ્યવહાર પાંચેક કલાક સુધી ખોરવાઈ ગયો હતો. અનેક ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં કરંટ લાગતા પિતા-પુત્રનાં મોત થયાં છે.
રાજ્યમાં વડોદરા, ડાંગ, સુરત, ભરૂચ વગેરે જિલ્લાઓ તરબોળ થઈ ગયા છે. સવિશેષ તો મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. વલસાડમાં ૧૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. ૨૮ તાલુકામાં ગણતરીના કલાકોમાં બે ઇંચથી લઇને ૧૦ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદ પડવાની આગાહી કરી હોવાથી રાજ્યમાં વહીવટી તંત્રને સાબદું કરાયું છે. સતત સાંબેલાધાર વરસાદે જનજીવન અને પરિવહન ખોરવી નાંખ્યું હતું.
મુંબઇ-મહારાષ્ટ્રને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર અને રસ્તાઓ બંધ થઇ જતાં ઉમરગામથી વડોદરા સુધીના વિસ્તારોમાં જનજીવન સ્થગિત થઇ ગયું છે. મુંબઈમાં ભારે વરસાદથી ચારનાં મોત થયાં છે. જ્યારે ગુજરાતમાં વરસાદે છ વ્યક્તિઓનો જીવ લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વીજકરંટ લાગવાથી મહિલા સહિત બે જણાંના અને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વીજકરંટથી પિતા-પુત્રનાં મોત થયાં છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના રાજપારડીમાં વીજળી પડતાં એક અને ઝઘડીયામાં તણાઈ જતા ટ્રેક્ટર ચાલકનું મોત થયું છે.
દક્ષિણ-મધ્યમાં આટલો વરસાદ કેમ?
દક્ષિણ ગુજરાતમાં વાતાવરણનાં ઉપરના લેવલે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું હતું. આ સાથે જ દક્ષિણ ગુજરાતથી કેરળનાં દરિયાકાંઠાના વિસ્તારમાં વધેલા ભેજને કારણે રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય બની હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરતાં સત્તાધિશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું કે ગુજરાત પર હાલ ઓફશોર ટ્રાફિક અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે પ્રકારની સિસ્ટમ કાર્યરત છે. પરિણામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. આ વાતાવરણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
દક્ષિણ ગુજરાત
વલસાડમાં ૧૨ ઈંચ, પારડી ૧૦, વાપીમાં ૯, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ૮.૫ ઇંચ અને ચીખલીમાં ૮, ધરમપુરમાં ૭, કપરાડામાં ૭.૫ અને ઉમરપાડામાં ૬ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે નવસારીના ખેરગામમાં ૭ ઇંચ, વાંસદા અને ગણદેવી તથા ડાંગના વઘઇમાં ૮ ઇંચ, ભરૂચના નેત્રંગમાં ૭ ઇંચ અને વાલિયામાં છ ઇંચ વરસાદ થયો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં ૯ ઇંચ વરસાદમાં નારગોલનું તળાવ ફાટતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
ઉંમરગામ તાલુકાના સંજાણના મુખ્ય માર્ગ પરની બાજુના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. સંજાણ બુનાટપાડા વિસ્તારમાં આવેલા ૨૨ કાચા મકાનોને અસર થતા અહીં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડાયા હતા. તાલુકામાં તુંબ પાસે ટ્રેક નજીકની માટી ધસી પડવા સાથે સંજાણ અને ઉમરગામ સ્ટેશને ટ્રેક પર પાણી ભરાતા ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. વલસાડમાં ૨૨ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ થયો હતો. જોકે સોમવારે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં ૪૦થી વધુ મકાનોમાં પાણી ભરાયા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માંડવી તાલુકામાં ગોડધા ડેમ છલકાયો હતો. ડાંગ જિલ્લામાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા સહિત ઝરણાઓમાં નવા નીર આવતા સૌંદર્ય ખીલી ઊઠયું છે. વઘઇ તાલુકામાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો. બગવાડા ટોલનાકા પાસે હાઇવે પર પાણી ભરાઈ જાતા હાઇવે પર પણ ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળતા હતા. ખાસ કરીને વલસાડ અને વાપી વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે પ્રજા ભારે તકલીફમાં મૂકાઈ હતી. બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં સોમવારે વહેલી પરોઢે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે ભારે વરસાદના પગલે એક એસટી નિગમની બસ તેમજ એક કાર ભુંડવા ખાડીના ધસમસતા પાણીના વહેણમાં ફસાઇ જતા હાહાકાર મચી જવા પામ્યો હતો.
મધ્ય ગુજરાત
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોર બાદ ભારે ગાજવીજ સાથે અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. લગભગ બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આખા દિવસનો સરવાળો પાંચ ઇંચથી વધુ ગયો હતો. બપોરના ભારે વરસાદના કારણે શહેરના મોટા ભાગના રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. પૂર્વ અને પશ્ચિમ વડોદરા વચ્ચે સંપર્ક કપાઇ ગયો હતો. જે રસ્તાઓ પર પાણી ભરાયેલા ન હતા તેના પર વાહનવ્યવહાર જામ થઇ ગયો હતો.
મુંબઇ અને વડોદરા વચ્ચેની રેલવે લાઇન પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાતા વડોદરા રેલવે સ્ટેશન પર સેંકડો મુસાફરો અટવાયા હતા. મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સૌથી વધુ અસર ટ્રેન વ્યવહારને થઈ છે. રેલવે ટ્રેક અને નેશનલ હાઈવે પર પાણી ભરતા ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રાજધાનીથી લઇ મોટા ભાગની ટ્રેનો વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઇ હતી.
પ્લેન, ટ્રેન, બસ બધું લેટ...
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયુ હતું. ૧૫ જેટલી ફલાઈટ લેટ પડી હતી. આ ઉપરાંત ૭૦ જેટલી એસટી બસો પણ મોડી પડી હતી. જેના કારણે હજારો લોકો અટવાયા હતા. ભારે વરસાદની સ્થિતિમાં મુંબઈ-અમદાવાદ વચ્ચેની ટ્રેનો માત્ર દસ કિલોમીટરની સ્પીડે ચલાવવા ફરજ પડી હતી.
સંજાણ ખાતે રેલ્વે ટ્રેકની બાજુમાં જમીન ધોવાઈ જતા જી.એમ પણ દોડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે અહીં કામગીરી શરૂ કરી દેવાઈ હતી. ભરૂચ ખાતે બે બસો પાણીમાં ફંસાઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે ગાંધીનગર ખાતે પણ બેઠક બોલાવવામાં આવી હતી અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં દિવસભર ભારે ઉકળાટ રહ્યો હતો. બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના છાંટા પડ્યા હતા.
નર્મદા ડેમમાં નવા નીર
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી ૨૪ કલાકમાં દોઢ ફૂટ વધી હતી. એટલું જ નહીં, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હજુ પાણીની આવક ચાલુ હોવાથી સપાટી દર કલાકે એક સેમી વધી રહી હતી.

