વિદેશથી ઘરે નાણાં મોકલવામાં ભારતીયો સૌથી મોખરે

Wednesday 27th June 2018 07:49 EDT
 
 

નવી દિલ્હીઃ વિદેશથી ઘરે નાણાં મોકલનારા લોકોમાં ભારતીય સમુદાય દુનિયામાં નંબર વન છે. છેલ્લા ૨૮ વર્ષમાં ભારતીયો દ્વારા સ્વદેશ મોકલવામાં આવેલા નાણાંમાં ૨૨ ગણો વધારો થયો છે! વર્ષ ૨૦૧૭માં દેશની બહાર રહેતા ભારતીયોએ કુલ ૬૯ બિલિયન ડોલર એટલે કે ૪.૬૮ લાખ કરોડ રૂપિયા ભારતમાં પોતાના ઘરે મોકલ્યા છે! આ નાણાંમાંથી ૪૦ ટકા પૈસા તો માત્ર કેરળમાં જ ગયા છે!
વિદેશથી ભારતીયો જેટલા નાણાં સ્વદેશમાં મોકલે છે, તે ભારતના ૨૦૧૮-૧૯ના સંરક્ષણ બજેટ કરતાં પણ દોઢ ગણા વધુ છે. સ્વદેશ પૈસા મોકલવામાં ભારતીયો પછીના ક્રમે ચીન, ફિલિપાઇન્સ, મેક્સિકો, નાઇજીરિયા અને ઇજિપ્તનો નંબર આવે છે. વર્લ્ડ બેન્કના માઇગ્રેશન રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટના પ્રમુખ ગિલ્બર્ટ હોઉગબો કહે છે કે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ભારત મોકલાતા નાણાંમાં એવા સમયે વધારો થયો છે, જ્યારે ૨૦૧૫ની સરખામણીએ ૨૦૧૮માં વિદેશ કમાણી માટે જતા ભારતીયોની સંખ્યામાં ૩૪ ટકા ઘટાડો થયો છે.
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે દુનિયાભરમાંથી પોતાના દેશમાં મોકલાતા પૈસામાં અડધોઅડધ નાણાં ગામોમાં પહોંચે છે, જ્યાં ગરીબી અને ભૂખ મોટી સમસ્યા છે. આ નાણાં સેંકડો પરિવારોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરે છે અને તેમના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
સ્વદેશ નાણાં મોકલતા વિદેશીઓ
• ભારત - ૬૯ બિલિયન ડોલર • ચીન - ૬૪ બિલિયન ડોલર • ફિલિપાઇન્સ - ૩૩ બિલિયન ડોલર • મેક્સિકો - ૩૧ બિલિયન ડોલર • નાઇજીરિયા - ૨૨ બિલિયન ડોલર • ઇજિપ્ત - ૨૦ બિલિયન ડોલર


comments powered by Disqus