ચીન, જાપાન, બાંગ્લાદેશ, નેપાળ સહિત વિવિધ દેશના રાષ્ટ્રપ્રમુખો, ૨૭ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને સેંકડો વિશેષ મહાનુભાવો વચ્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ કરાશે. આ લોકાપર્ણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરતની તાપી નદીથી સી-પ્લેન દ્વારા નર્મદા ડેમ પહોંચશે. નર્મદા ડેમ નજીક નદી કાંઠેથી સવા ત્રણ કિલોમીટરના અંતરે આવેલા સાધુ બેટ પર સરદાર પટેલની આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ ચાલી રહ્યું છે. આશરે ૨,૯૮૯ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સમગ્ર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ૫૯૭ ફૂટ ઊંચી પ્રતિમા ફરતે ૧૨ કિલોમીટર વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનશે. પાંચ વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થશે.

