આકાશ અંબાણી - શ્લોકા મહેતાની ભવ્ય સગાઈઃ ડિસેમ્બરમાં લગ્નની ચર્ચા

Wednesday 28th March 2018 06:35 EDT
 
 

મુંબઈઃ ભારતના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને હીરાના ટોચના વેપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી શ્લોકાની ગોવામાં ૨૪મી માર્ચે પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ કાર્યક્રમ તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં થયો હતો. સાંજે ૬.૧૫ વાગ્યે આકાશ-શ્લોકા જીવા સ્પા પહોંચ્યાં હતા. અહીં ફૂલોથી બનેલા એક મંચ પર આઠ મિનિટનું ફોટો શૂટ થયું હતું. તેમાં આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું, જેનો શ્લોકાએ સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ અહીં ડાન્સ પાર્ટી થઈ. તેમાં આકાશ-શ્લોકા સહિત કેટલાક લોકોએ ડાન્સ કર્યો હતો. રવિવારે અંબાણી પરિવારે મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરે જઈને દર્શન કર્યાં હતા.
સોમવારે રાતે અંબાણીના મુંબઈમાં આવેલા નિવાસસ્થાન એન્ટિલામાં એ પછી એક ભવ્ય સેરેમની યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ તથા ખેલકૂદ ક્ષેત્રની અનેક હસ્તીઓ હાજર હતી.
સોમવારે આકાશ ક્લાસી બ્લૂ થ્રી-પીસમાં સજ્જ હતો અને શ્લોકાએ સિલ્વર-મરૂન રંગનો ગાઉન પહેર્યો હતો. આ પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન એની પુત્રી આરાધ્યા સાથે આવી હતી તો શાહરૂખ ખાન કરણ જોહર, કેટરીના કૈફ, આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, અનુપમા ચોપરા, જોન અબ્રાહમ પણ પાર્ટીમાં દેખાયા હતા. આ ઉપરાંત ક્રિકેટર હરભજન સિંહ, ઝહીર ખાન અને એની પત્ની સાગરિકા પણ પાર્ટીમાં હાજર હતા. આકાશ અને શ્લોકાનાં લગ્ન આ વર્ષના ડિસેમ્બરમાં યોજવાનું નિર્ધારિત છે.
સ્કૂલમાં સાથે ભણ્યા છે
આકાશ-શ્લોકાએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે શિક્ષણ મેળવ્યું છે. ૨૬ વર્ષનો આકાશ મુકેશ અને નીતા અંબાણીના ત્રણ બાળકોમાં સૌથી મોટો પુત્ર છે. આકાશે રોડ આઇલેન્ડ, યુએસ સ્થિત બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં બેચલર ડિગ્રી લીધી છે. આકાશ હાલ રિલાયન્સ ગ્રુપની ૪જી સર્વિસ પ્રોવાઈડર જિઓ કંપનીમાં ડાયરેક્ટર છે.
ભારતના ટોચના છ હીરાના ઉદ્યોગપતિમાં સામેલ રસેલ મહેતા - મોના મહેતાના ત્રણ બાળકોમાં શ્લોકા સૌથી નાની છે. શ્લોકાએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ૨૦૦૯માં અભ્યાસ કર્યા બાદ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી માનવ વિજ્ઞાન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સ ડિગ્રી લીધી છે. તે જુલાઈ ૨૦૧૪થી રોઝી બ્લૂ ફાઉન્ડેશનમાં ડિરેક્ટર છે અને કનેક્ટફોરના સહસ્થાપક છે. કનેક્ટફોર વિવિધ સ્વૈચ્છિક સંસ્થાને તેમની જરૂરત મુજબ વોલિન્ટિયર પૂરા પાડે છે.
ડિસેમ્બરમાં પારંપરિક વિધિથી લગ્ન
આમ તો બન્ને પરિવારો વચ્ચે ઘણાં વખતથી એકબીજાના લગ્નની વાત ચાલતી હતી, પણ ગોવાની ઇવેન્ટમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાયો હતો. આકાશ અને શ્લોકાના લગ્ન ડિસેમ્બરમાં મુંબઇની ઓબેરોય હોટેલમાં યોજાશે. સમારંભ ચાર-પાંચ દિવસ ચાલશે તેવી આ પરિવારોના નજીકના લોકોમાં ચર્ચા છે. લગ્નની સંભવિત તારીખો ૮થી૧૨ ડિસેમ્બર રહેશે તેવી વાતો વહેતી થઈ છે.
પૈસો પૈસાને તો ખેંચે જ સગપણ પણ કરાવે
કહેવત છે કે પૈસો પૈસાને ખેંચે. પરંતુ, વાત માત્ર આટલેથી જ નથી અટકતી. પૈસા ઉપરાંત વિવાહના કિસ્સામાં પણ આ વાત સાચી પડે છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રીમંત પરિવારોની દીકરી કે દીકરાના લગ્ન મોટાભાગે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રીમંત પરિવારમાં જ થાય છે. હીરા ઉદ્યોગના પરિવારોમાં થયેલા લગભગ દસમાંથી નવ લગ્નમાં આ વાત લાગૂ પડે છે.
એન્ટવર્પના હીરા ઉદ્યોગના ટોચના પરિવારો એકબીજા સાથે લોહીના કોઈકને કોઈક સંબંધથી અથવા લગ્નસંબંધથી જોડાયેલા છે. શાહ અને મહેતા પરિવારનો પણ તેમાં સમાવેશ થાય છે.
વિજય ડાયમંડના વિજય શાહની પુત્રી પ્રિયાના લગ્ન યુરોસ્ટારના વિશાલ મહેતા સાથે થયા છે. વિજય શાહના બીજા પુત્રી ડિમ્પલના લગ્ન યુરોસ્ટારના જ રાજીવ મહેતા (વિશાલના ભાઈ, વિશાલ તરીકે ઓળખાતા વિજય શાહના પુત્ર નહીં. આ બીજા વિશાલ છે). તેમની ત્રીજી પુત્રી શ્વેતાના લગ્ન જેમબેલના રશ્મિ મહેતાના પુત્ર ભાવિન સાથે થયા છે.
વિજય ડાયમન્ડ અને જેમબેલ સંભાળતા વિજય શાહ અને રશ્મિ મહેતા એકબીજાના વેવાઈ છે. વિશાલ શાહે જણાવ્યું હતું કે બન્ને પરિવાર ૩૦ અલગ અલગ સંબંધથી એકબીજા સાથે જોડાયેલા છે.
આમ જોઈએ તો હકીકતમાં દુનિયા ખૂબ નાની છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રસેલ અને મોના મહેતાની પુત્રી શ્લોકા મહેતા અને મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી નજીકના ભવિષ્યમાં લગ્નબંધને બંધાઇ રહ્યા છે. મોનાના ભાઈ મયંકના લગ્ન નીરવ મોદીની બહેન પૂર્વી સાથે થયેલા છે.
નીરવ મોદી હવે અમેરિકામાં નાદાર થવાના આરે છે ત્યારે વિદેશમાં તેની સંપત્તિના કસ્ટોડિયન અભયની બહેન અમી સાથે નીરવના લગ્ન થયેલા છે. જ્યારે તેના ભાઈ નીશ્ચલના લગ્ન દત્તરાજ અને દિપ્તી સલગાંવકરની પુત્રી ઈશિતા સાથે થયા છે. દિપ્તી મુકેશ અંબાણીના બહેન છે.


comments powered by Disqus