ગત ૮ માર્ચે વિશ્વભરમાં નારીશક્તિની સરાહના કરતો ૧૧૦મો "ઇન્ટરનેશન વુમન્સ ડે" (આંતરરાષ્ટ્રીય મહિલા દિન) દેશવિદેશમાં ઉજવાયો. ઘરની ચાર દિવાલો વચ્ચે પૂરાઇ રહેનાર અબળા નારી આજે પુરુષ સમોવડી બની દરેકક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી રહી છે એની પ્રસંશા કરતા સમારંભો યોજાયા. આ નિમિત્તે લંડન સ્થિત હાઇકમિશન ઓફ ઇન્ડિયા ખાતે તા.૮ માર્ચના રોજ "આંતરરાષ્ટ્રીય મહિલા દિન"ની ઉજવણી કરવામાં આવી. એનફિલ્ડ સાહેલી ઓલ લેડીઝ લીગ યુ.કે.ના ચેરપર્સન તથા એનફિલ્ડ સાહેલીનાં ચીફ એકઝીકયુટીવ કૃષ્ણા પૂજારા અને કોન્ફીડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (CII)ના લક્ષ્મી કોલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એનફિલ્ડ સાહેલી ઓલ લેડીઝ લીગ યુ.કે.ના ચેરપર્સન ક્રિષ્ણા પૂજારાએ સ્વાગત પ્રવચન કરતાં વિવિધક્ષેત્રે પ્રસંનીય અનુદાન આપનાર ઉપસ્થિત મહિલા અગ્રણીઓ રોયલ એરફોર્સના ગૃપ કેપ્ટન વેન્ડી રોથબરી, KPMGના પાર્ટનર બીના મહેતા, એર ઇન્ડિયા યુ.કે., યુરોપના રીજીઓનલ ડાયરેકટર તારા નાયડુ, ગાયિકા અને બોલીવુડ એકટ્રેસ રાગેશ્વરી લુમ્બા, BHPબિલીટન ગૃપ ઓફ ટ્રેઝર એન્ડ હેડ ઓફ યુરોપ વંદિતા પંત, વુમન એમ્પાવર્ડેડનાં ફાઉન્ડર અને ચેરવુમન રીના રેન્જર, હિન્દુ ફોરમના ચેરપર્સન તૃપ્તિ પટેલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સુસ્મિતા ગુપ્તા, હેરો ઇસ્ટના લેબર કાઉન્સિલર રેખા શાહ સહિત લોર્ડ સ્વરાજ પોલનું અભિવાદન કર્યું. કૃષ્ણાબહેને જણાવ્યું કે, "વેપાર, વ્યવસાય, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, કાનૂનીક્ષેત્રે મહિલાઓ નોંધપાત્ર સિધ્ધિ મેળવી રહી છે એટલું જ નહિ પણ રાષ્ટ્રની સુરક્ષા કાજે વાયુ, જલ, સ્થલ સેનામાં મહિલાઓનું યોગદાન ઓછું નથી. પુરુષપ્રધાન સમાજે સ્ત્રીને અબળા ગણી છે પણ સ્ત્રી અબળા નથી, નવ મહિના સુધી બાળકને પેટમાં લઇને ફરે, કામ કરે એ સ્ત્રી અબળા કેવી રીતે હોઇ શકે, બાળકને જન્મ આપી એનું લાલન પાલન કરી સંસ્કારોનું સિંચન મા કરે છે. સ્ત્રી પુરુષ સમોવડી બની સ્પર્ધા કરવા નથી માગતી પણ આપણે સહકાર માગે છે. આ સમારોહમાં ઉપરોક્ત મહિલા અગ્રણીઓએ પોતાની સંઘર્ષમય સિધ્ધિનાં મંતવ્ય રજૂ કર્યાં હતાં. તારા નાયડૂએ જણાવ્યુ કે, મહિલા દિને એરઇન્ડિયાની તમામ ફલાઇટોનું ઉડ્ડયન મહિલા કેપ્ટનો અને મહિલા ક્રૂ સભ્યો કરી રહ્યાં છે.
‘૭૦ના દાયકામાં ટાન્ઝાનિયાથી ઈંગ્લેન્ડ આવેલાં કૃષ્ણાબહેને ખાસ કરીને હેલ્થ અને સોશિયલ કેર ક્ષેત્રમાં મદદરૂપ થવાની સાથે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કામ કર્યું છે. હાલ તેઓ સાહેલીના ચીફ એક્ઝિક્યુટિવના પદે રહીને દેશની મહિલાઓના સશક્તિકરણ માટે સેવાઓ ઉભી કરવામાં અગ્રેસર છે. તેમણે યુકે અને વિશ્વમાં બળજબરીપૂર્વકના લગ્ન, ટ્રાફિકિંગ અને ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) બાબતે મહિલાઓની સમસ્યાઓને ઉજાગર કરવામાં સફળતા મેળવી છે. સમુદાયો પ્રત્યેની તેમની સમર્પિતતા અને પ્રતિબદ્ધતાની સૌ કોઈ પ્રશંસા કરે છે. તેમના કાર્યો દ્વારા તેઓ સમુદાયોના સક્રિય એમ્બેસેડર અને અવાજ બની ચૂક્યા છે. હાલ તેઓ ALL (ઓલ લેડીઝ લીગ) યુકે, વિમેન ઈકોનોમિક ફોરમ યુકે, વિમેન્સ વિંગ લોહાણા મહાપરિષદ યુકે, નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, સ્ટેન્ડીંગ એડવાઇઝરી કાઉન્સિલ ઓન રીલીજીયસ એજ્યુકેશનનું પ્રતિનિધિત્વ કરે છે ઉપરાંત ડોમેસ્ટિક એબ્યુઝ ઓપરેશનલ ફોરમ ઈન ધ લંડન બરો ઓફ એન્ફિલ્ડના ચેરપર્સન તરીકે સેવા આપી રહ્યા છે.

