ઉમરેઠના ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં અષાઢી તોલાઈઃ તલ ધાનના સારા પાકનો વર્તારો

Wednesday 01st August 2018 07:17 EDT
 
 

આણંદઃ છોટે કાશી તરીકે ઓળખાતા ઉમરેઠના પ્રાચીન મંદર ચંદ્રમૂળેશ્વર મહાદેવમાં અષાઢ વદ એકમે, ૨૮મી જુલાઈએ સવારે અષાઢી તોલવાની પરંપરા નિભાવવામાં આવી હતી. ૨૮૬ વર્ષ પ્રાચીન શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિરમાં અષાઢી તોલ્યા બાદ મંદિરના પુજારીએ જણાવ્યું કે ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ સારું રહેશે અને ખેતીલાયક વરસાદ થશે.

દસ તત્ત્વોથી વર્તારો

અષાઢ સુદ પૂનમના દિવસે પંચોની હાજરીમાં અનાજ, કઠોળ, માટી જેવા અનેક તત્ત્વો મળી ૧૦ વસ્તુઓ એક-એક તોલો જોખીને કોરા સફેદ કાપડમાં અલગ-અલગ રાખીને માટીના ઘડામાં મૂકવામાં આવે છે અને તેને પંચોની સાક્ષીમાં જ મંદિરના ગોખમાં મૂકી તાળું મારી દેવાય છે. બીજે દિવસે અષાઢ વદ-૧ના રોજ પંચ સમક્ષ સવારે મંદિરના ગોખમાંથી ઘડો લાવીને જાહેરમાં ફરીથી જોખવામાં આવે છે અને તે વજનમાં કુદરતી ફેરફારો જોવા મળે છે. વર્ષ દરમિયાન જે વસ્તુ ઓછી-વધતી જોવા મળે તેનું વાર્ષિક તારણ કાઢવામાં આવે છે.
તોલમાં આ વર્ષે તલમાં ૨૩ રતિ અને અનાજમાં પ રતિની વૃદ્ધિ થઈ. અડદમાં ૩, ચણા મગમાં ૦.૫ રતિની વૃદ્ધિ થઈ. જુવાર અને માટીમાં ૧ રતિની કમી આવી. ઘઉં અને કપાસ સમાન વજનનાં રહ્યાં.
આ અષાઢીના વર્તારા પરથી ખેડૂતોએ કયા પાકનું વાવેતર કરવું અને વેપારીઓએ કયા પાકનો વેપાર વધુ કરવો તેનું તારણ જાણવા મળતું હોય છે.
વર્તારા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષે એકંદરે વરસાદનું પ્રમાણ સારું રહેશે. વર્ષ દરમિયાન ઠંડીનું પ્રમાણ સારું રહેતાં શિયાળુ પાકનું ઉત્પાદન વધુ થવાની આશા મળી. અષાઢીના વર્તારા મુજબ ખેતીવાડી ક્ષેત્રે આ વર્ષ સારું રહેશે. ગત વર્ષ કરતાં આ વર્ષ સોળઆની વર્ષ ગણાશે. આ વર્ષે તલ અને અનાજનો પાક સારો લઈ શકાશે જ્યારે જુવાર અને બાજરીનો પાક ઓછો થવાની આશંકા છે.
ઐતિહાસિક અષાઢી તોલવાની પ્રથા વિશ્વમાં ફક્ત બે જ જગ્યાએ કાશી અને આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે આવેલ શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદરિમાં જોવા મળે છે. તાલુકા મથક ઉમરેઠના પ્રાચીન શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ ખાતે શનિવારના રોજ ઐતિહાસિક અષાઢી તોલવામાં આવી
હતી. મંદિરના પુજારી ગિરીશભાઈ દવે કહે છે કે સૌરાષ્ટ્રમાં પણ અષાઢી તોલનું મહત્ત્વ છે અને ખેડૂતો અને વેપારીઓ પત્ર દ્વારા વર્તારાની માહિતી મંગાવે છે.


comments powered by Disqus