૧૪૧ વર્ષ, ૧૦૦૦ ટેસ્ટ મેચ, ઇંગ્લેન્ડ પ્રથમ દેશ

Wednesday 01st August 2018 07:40 EDT
 
 

લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ક્રિકેટ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચનો બુધવારે પ્રારંભ થશે તે સાથે જ ક્રિકેટવિશ્વમાં ઈંગ્લેન્ડનું નામ સુવર્ણ અક્ષરે લખાઇ જશે. યજમાન ટીમની આ ૧૦૦૦મી ટેસ્ટ હશે. આ સાથે જ ક્રિકેટની રમતનો જન્મદાતા ઈંગ્લેન્ડ ૧૦૦૦ ટેસ્ટ રમનારો દુનિયાનો પ્રથમ દેશ બનશે. આ કિર્તીમાન હાંસલ કરવા ઈંગ્લેન્ડને ૧૪૧ વર્ષ લાગ્યા છે. ક્રિકેટવિશ્વની પ્રથમ ટેસ્ટ ૧૮૭૭માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.
ઈંગ્લેન્ડ અત્યાર સુધી ૯૯૯ ટેસ્ટ રમી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ૮૧૨ ટેસ્ટ મેચ રમી છે. દુનિયાના અન્ય દેશોમાં ભલે ક્રિકેટ મેચના ઓછી ઓવરના ફોર્મેટ લોકપ્રિય બની રહ્યા હોય, પરંતુ આ બન્ને દેશ આજે પણ ટેસ્ટ મેચને સૌથી પ્રાથમિક્તા આપે છે. ઈંગ્લેન્ડે વર્ષે સરેરાશ ૭ ટેસ્ટ જ્યારે ઓસ્ટ્રેલિયા સરેરાશ ૬ ટેસ્ટ મેચ રમ્યું છે.
તાજેતરના વર્ષોમાં આ સરેરાશ વધી છે. ઈંગ્લેન્ડે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૨૪ ટેસ્ટ રમી છે, એટલે કે વાર્ષિક ૧૨થી વધુ મેચ રમી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૧૧૬ ટેસ્ટ મેચ રમી છે. મતલબ કે, સરેરાશ ૧૨થી થોડી ઓછી છે.
ઈંગ્લેન્ડની ટીમે તેની ૯૯૯ મેચની સફરમાં કુલ ૬૮૬ ટેસ્ટ ક્રિકેટર અને ૮૦ ટેસ્ટ કેપ્ટન જોયા છે. જેમ્સ લિલિવ્હાઈટ ઈંગ્લેન્ડના પ્રથમ કેપ્ટન હતા. તો હાલનો જો રૂટ ઈંગ્લેન્ડનો ૮૦મો કેપ્ટન છે.

જીત કરતાં હાર વધુ

ઓસ્ટ્રેલિયા સામે ૩૪૬ મેચમાં ઈંગ્લેન્ડે ૧૦૮ ટેસ્ટ જીતી છે ને ૧૪૪માં હાર થઇ છે. વેસ્ટ ઇંડિઝ સામે ૧૫૪માંથી તેણે ૪૮ ટેસ્ટ જીતી છે જ્યારે ૫૫માં પરાજય ને ૫૧ ટેસ્ટ ડ્રો રહી છે.

ભારત સામે ૪૩ વિજય

ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડે ૧૧૭ ટેસ્ટ મેચમાંથી ૪૩ જીતી છે અને ૨૫ હાર્યું છે. ૪૯ મેચ ડ્રો રહી છે. પાકિસ્તાન સામે ૮૩ ટેસ્ટમાંથી ૨૫માં વિજય થયો છે, ૨૧માં પરાજય અને ૩૭ ટેસ્ટ ડ્રો રહી છે.


comments powered by Disqus