જ્હોનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગની આસપાસના ગામોમાં સરકારે એક ટકો ટેક્સ વધારાની જાહેરાત કર્યા બાદ જ્હોનિસબર્ગ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ટેક્સ વધારાના વિરોધમાં અને પગાર વધારાની માગણી સાથે તાજેતરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. જોકે ૨૮મી એપ્રિલે સાઉથ આફ્રિકન સુરક્ષાકર્મીઓ દ્વારા જાહેરાત કરાઈ કે, પરિસ્થિતિ કાબૂમાં લેવાઈ છે અને જનજીવન ધીમે ધીમે થાળે પડી રહ્યું છે. અલબત્ત, સાઉથ આફ્રિકામાં વસતા ગુજરાતીઓના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ હજી પણ ચિંતામાં છે. બીજી તરફ જ્હોનિસબર્ગ અને આસપાસના ગુજરાતીઓએ વતન ફોન દ્વારા ૨૯મી એપ્રિલે જણાવ્યું હતું કે તેઓ હજુ પણ ભયમાં છે અને સાઉથ આફ્રિકામાં દહેશતનો માહોલ છે, પણ સાઉથ આફ્રિકામાં વસતા ચરોતરવાસીઓનો વતનમાં ટેલિફોનિક સંપર્ક થતાં પરિવારજનોએ રાહતની લાગણી અનુભવી હતી.
બોરસદ તાલુકાના રણોલી ગામના નિલેશ પટેલે કહ્યું હતું કે, જહોનિસબર્ગમાં મેફોકિંગ ટાઉન, ગેમટાઉનમાં ઘણા ગુજરાતીઓ નોકરી કરે છે. સ્થાનિક પ્રજાએ પગાર વધારાની માગણી સાથે અને ટેક્સ વધારાના વિરોધ સાથે તોફાન શરૂ કર્યું હતું. આ વિસ્તારોમાં બંધનું એલાન પણ આપ્યું હતું. આ વિસ્તારોમાં કેટલાય ગુજરાતીઓ મોલ અને દુકાનોમાં નોકરી કરે છે. સ્થાનિક લોકોએ અનેક જાહેર જગ્યાએ, મોલ અને દુકાનોમાં તોડફોડ કરતા ગુજરાતીઓએ મેફોકિંગ ટાઉનમાં આવેલા બીએપીએસ મંદિરમાં આશરો લીધો હતો. જનજીવન પૂર્વવત બની રહ્યું હોવાથી તેઓ ઘરે પાછા જઇ રહ્યા છે. જોકે તંગદિલીના માહોલ વચ્ચે જ્હોનિસબર્ગમાં રહેતા ગુજરાતીઓનો ગુજરાતમાં રહેતા પરિવારજનો સાથે સતત ચારેક દિવસથી સંપર્ક થતો નહોતો તેથી પરિવારજનો સતત ચિંતામાં હતા.
પ્રદર્શનોનું હિંસક સ્વરૂપ
સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ નેશનલ મિનિમમ વેજની જાહેરાત કરતા ત્યાંના કામદાર યુનિયનો દ્વારા હિંસક દેખાવો શરૂ થઈ ગયા હતા. આ નેશનલ મિનિમમ વેજ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોઈપણ કામદારને એક કલાકના ઓછોમાં ઓછા ૨૦ રેન્ડ એટલે કે ૧૦૮ રૂપિયા મળવા જોઈએ. જો કે ટ્રેડ યુનિયનોનું કહેવું હતું કે મજૂરી કરતા કામદારને પણ આટલું વળતર ન પોષાય, આ મિનિમમ વેજ દ્વારા સરકાર ઉદ્યોગપતિઓને ઓછું વેતન આપવાનો પરવાનો આપી રહી છે. સાઉથ આફ્રિકામાં સરકારે વેતનને લગતા આવા નવા કાયદાઓની જાહેરાતના પરિણામે ત્યાં દેખાવો અને પ્રદર્શનોમાંથી કેટલાક પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ત્યાં વસેલા ગુજરાતીઓ સંપર્કવિહોણા બન્યા હતા. તોફાનો કાબૂમાં આવ્યા પછી કેટલાક ગુજરાતીઓએ વતનમાં ટેલિફોનથી પરિવારજનોને જણાવ્યું કે, આ દેખાવો દરમિયાન તેમની સંપત્તિને પણ નુકસાન થયું છે.
વતનનો પરિવાર ચિંતામાં
આણંદ, ખેડા, ભરૂચ અને નવસારી જિલ્લાના આશરે ૩૫૦૦થી પણ વધુ યુવાનો દ. આફ્રિકામાં વસે છે. જેમાંથી કેટલાક પરિવાર સાથે પણ ત્યાં રહે છે. જ્હોનિસબર્ગ, ડર્બન અને કેપટાઉનમાં ગુજરાતીઓના રહેઠાણની મુખ્ય જગ્યા છે. સરકાર સામે ત્યાં થયેલા મોટા પ્રદર્શન પછીના તોફાનોના કારણે આ લોકો તેમના ઘર છોડી સલામત સ્થળોએ આશ્રય લેતા તેમાંથી મોટાભાગના લોકો સંપર્કવિહોણા થયા હતા.
ભરૂચના બે પરિવારે ૨૭મી એપ્રિલે જણાવ્યું હતું કે, તેમના આફ્રિકામાં વસેલા પરિવારજનોનો કોઈ સંપર્ક થતો નહોતો. અન્ય એક પરિવારનો તેમના આફ્રિકા સ્થિત પરિવાર સાથે સંપર્ક થયો હતો. તેમનું કહેવું હતું કે જ્હોનિસબર્ગ અને આસપાસના વિસ્તારોમાં ગુજરાતીઓની માલિકીના ૧૫૦૦થી પણ વધુ રિટેઈલ શોપ, પેટ્રોલપંપ અને વાઈન શોપ છે. આ તમામ જગ્યાએ પ્રદર્શનકારોએ તોડફોડ, ચોરી અને લૂંટ કરી છે. ચોરી અને લૂંટફાટનો ભોગ બનેલા ગુજરાતીઓ અને અન્ય ભારતીયોએ કોઈ ધાર્મિક સ્થળ, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને અન્ય સરકારી કચેરીઓમાં આશ્રય લીધો હતો. આ પરિવારોએ રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલયને મધ્યસ્થી કરવા માટે સંપર્ક પણ કર્યો હતો. આવક અને સંપત્તિની અસમાનતાની બાબતના ટોચના દેશો પૈકીનો એક દક્ષિણ આફ્રિકા હોવાથી આ પ્રકારના પ્રદર્શનો સમયે રંગભેગના પરિણામે દેખાવકારો ભારતીયોને નિશાન પણ બનાવે છે અને ત્યાં ગુજરાતીઓનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાતીઓને આ નુકસાન વેઠવું પડે છે. જહોનિસબર્ગ પાસેના ગામોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવો સાથે લોકો રસ્તા પર આવી ગયા હતા અને ઠેર ઠેર તોડફોડ તથા આગ ચાંપવાના બનાવો બની રહ્યાં હતા. જેના કારણે ચરોતરના કેટલાક યુવકો દુકાનોમાં ફસાઈ ગયા હતા. મોટાભાગના લોકોનાં સંપર્ક પણ વતનથી ન થઈ શકતાં વતનમાં વસતા પરિવારજનો ચિંતામાં હતા.
ગુજરાતીઓ નિશાને
દક્ષિણ આફ્રિકામાં વર્ષોથી વસેલા કેટલાય લોકો ત્યાં ટોચના ઉદ્યોગપતિમાં સ્થાન પામ્યા છે. તેઓ ત્યાં માલેતુજાર થયા છે તે વાત જગજાણીતી છે. આ ઉદ્યોગપતિઓ તેમની કંપનીઓ કે મોલમાં રોકડની લેવડદેવડ તેમજ મહત્ત્વની ગતિવિધિઓ સાથે જોડાયેલી નોકરીઓમાં રોજગારી અર્થે હિજરત કરતા ગુજરાતી યુવાનોને જ પસંદગી અપાય છે. પરિણામે આ પ્રકારના યુવાનો પાસે સારી એવી રોકડ અથવા કંપની અંગેના નિર્ણયોની સત્તા હોય છે. તેથી કંપનીઓ કે સ્ટોરમાં ચોરી કે લૂંટફાટ સમયે ગુજરાતીઓને ઇજા કે નુકસાન થાય તેવું વધુ બને છે. જેથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલાં ખાસ કરીને ચરોતરના વેપારીઓને અને નોકરિયાતોને પણ ભારે નુક્સાન થયું છે.
જિંદગી જોખમમાં હોવાનો ભય
ખેડા-આણંદ જિલ્લા સહિત ગુજરાતના હજારો યુવકો વર્ષોથી સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા તથા જોહનિસબર્ગમાં નોકરી માટે તેમજ કાયમી વસવાટ માટે ગયેલા છે. જેમાંના મોટાભાગના લોકો નોકરી કરે છે. કેટલાક વેપારીઓ છે અને કેટલાકની દુકાનો પણ છે. દેખાવોમાં આગચંપી અને તોડફોડથી કેટલાય ગુજરાતીઓ નોકરીના સ્થળે કે દુકાનમાં જ ફસાયા હતા તેથી તેમનું જીવનું જોખમ હતું જોકે હવે પરિસ્થિતિ કાબૂમાં હોવાથી તેઓ સલમાત હોવાના સમાચાર વતનમાં મળી રહ્યા છે.

