નૈરોબીમાં રહેતા BAPSના નિષ્ઠાવાન સત્સંગી શ્રી મહેન્દ્રભાઈ મીઠાભાઈ પટેલ (મહેશભાઈ બેરિસ્ટર તરીકે જાણીતા)નું ૯૦ વર્ષની વયે તા.૨૬.૦૪.૨૦૧૮ને ગુરુવારે નૈરોબી ખાતે નિધન થયું છે.
તેમનો જન્મ ૧૯૨૮માં નૈરોબીમાં થયો હતો. તેઓ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સમયમાં ૧૯૫૦માં લંડન આવ્યા હતા અને સત્સંગમાં જોડાયા હતા. યુકે સત્સંગ મંડળના ભૂતપૂર્વ ટ્રસ્ટી તરીકે સેવા આપવા ઉપરાંત તેઓ યુકેમાં સંસ્થાની સ્થાપનામાં મુખ્ય વ્યક્તિઓ પૈકીના એક હતા. ૧૯૭૦માં ઈસલિંગ્ટનમાં મંદિર સ્થપાયું તે પહેલા તેમણે કેન્ટ, ફિંચલી રોડ, બેલ્સાઈઝ પાર્ક અને હાઈડ પાર્ક સહિત વિવિધ વિસ્તારોમાં સત્સંગ સભાઓ યોજી હતી.
પાછળથી નૈરોબીમાં સ્થાયી થયા બાદ તેઓ આફ્રિકા સત્સંગ મંડળના અગ્રણી ભક્ત હતા અને યોગીજી મહારાજની સૂચના મુજબ વૈશ્વિક સ્તરે BAPS સ્વામિનારાયણ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી તરીકે કાર્ય કરવા ઉપરાંત સંસ્થા માટે તેમણે ઘણાં હોદ્દા પર કામ કર્યું હતું. તેમણે કેન્યા સત્સંગ મંડળ અને ઈસ્ટ આફ્રિકા સત્સંગ મંડળના ચેરમેન તરીકે ઘણાં વર્ષ ફરજ બજાવી હતી. તેમની સેવા, કથા - વાર્તા અને સત્સંગ પ્રત્યે સમર્પણને લીધે સૌ તેમને ખૂબ માન આપતા હતા. ૧૯૭૪ અને ૧૯૮૮માં પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ તિથિની ઉજવણી, ૧૯૯૫માં સાગર યાત્રા તેમજ ૧૯૯૯માં નૈરોબીમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ભવ્ય ઉદઘાટન સહિત વર્ષો સુધી તેઓ કાર્યક્રમોના આયોજનમાં ખૂબ વ્યસ્ત રહ્યા હતા.
મહેન્દ્રભાઈ પટેલને શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ પાઠવીને વર્તમાન આપ્યા હતા. તેમણે સેવા ચાલુ જ રાખી હતી અને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
તેઓ આઉટરીચ એન્ડ કોમ્યુનિટી રિલેશન્સ ડિપાર્ટમેન્ટ, યુકેના હેડ રેનાબેન અમીનના પિતા અને સ્વામીનારાયણ સ્કૂલ, લંડનના ચેર ઓફ ગવર્નર્સ પીયૂષભાઈ અમીનના સસરા તેમજ નીરવ અને ધાર્મિક અમીનના દાદા થતા હતા.
સદગતના પરિવારજનો હાલ કેન્યામાં છે પરંતુ, લંડન પરત આવ્યા બાદ તેઓ ટૂંક સમયમાં તેમની સ્મૃતિમાં ખાસ પારાયણનું આયોજન કરશે.
સંપર્ક. રેનાબેન અમીન 07936 460 528 પીયૂષભાઈ અમીન 07950 266 754

