અમદાવાદઃ આસારામ બાપુના વર્ષોથી ભક્ત રહેલા નિવૃત આઇપીએસ અધિકારી ડી. જી. વણજારાએ ૨૫ એપ્રિલે ચુકાદો આવ્યા બાદ જણાવ્યું કે, આસારામ બાપુ જેવા લોકો પર આ પ્રકારના જે આરોપ લાગી રહ્યા છે તે સનાતન ધર્મના કે હિંદુ ધર્મના હિતમાં નથી. આ કેસ બળાત્કારનો કેસ છે જ નહીં. આસારામ બાપુના નામની આગળ બળાત્કારી શબ્દ વાપરવામાં આવે છે તે જરાય યોગ્ય નથી. તેમની સામે આઇપીસી કલમ ૩૫૪ હેઠળ ફરિયાદ થઇ છે. આ સિવાય પણ બાકીના સેકશન લગાડાયા છે તે બરાબર નથી. માત્ર યુવતી સાથે શારિરીક છેડછાડ કરી હોવાની ફરિયાદ કરાઇ છે. હું છેડછાડને વ્યાજબી ઠેરવતો નથી, પરંતુ આ વાત કાયદાની છે. કાયદો કાયદાનું કામ કરશે, આ વાત તો કોર્ટમાં પુરવાર થશે. વણજારાએ કહ્યું કે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. જાણવા મળ્યું છે કે બાપૂજીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે હું કહેવા માંગું છું કે જોધપુરમાં જે એફઆઈઆર થઈ છે તેની નકલ મારી પાસે છે. તેમાં ક્યાં નથી કહેવામાં આવ્યું કે રેપ થયો છે. રાજસ્થાન પોલીસની ફરિયાદ, ચાર્જશીટ કોર્ટના ચુકાદામાં ક્યાંય બળાત્કાર કર્યાની વાત નથી.

