ભરૂચઃ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી પહેલી મેએ ભરૂચમાં થઇ હતી. સવારે નવ વાગ્યાના અરસામાં કોસમડી તળાવે ‘સુજલામ સુફલામ યોજના’નો રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ થયો હતો. મુખ્ય પ્રધાને અહીં જાહેર સભાને સંબોધી હતી. એ પછી ‘શુકલતીર્થ સફાઈ અભિયાન’નો મુખ્ય પ્રધાન દ્વારા પ્રારંભ કરાવાયો હતો.
એ પછી અગ્રણી નેતાઓની અને અધિકારીઓની હાજરીમાં યાત્રાધામ વિકાસ માટે રૂ. ૪૦ કરોડના વિકાસકામોના ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્ય પ્રધાને બાર વાગ્યાના અરસામાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આયોજિત ભરૂચની વિરાસત પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એ પછી તેઓ ‘એપ્રેન્ટિસશિપ યોજના’ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને રોજગારી માટેની પ્રોત્સાહક યોજનાઓ વિશે ખ્યાલ આપ્યો હતો. એ પછી રાજ્યપાલ, મુખ્ય પ્રધાન સહિત રાજકીય અગ્રણીઓએ સાંજના ૫ વાગે ઝાડેશ્વરમાં પોલીસ પરેડના ‘ફલેગ ઓફ કાર્યક્રમ’માં અને સાંજે ૭ વાગે કૃષિ યુનિવર્સિટી મેદાન પર યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. મશાલ પીટીમાં હાથમાં મશાલો સાથે પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે અવનવા આકારોનું સર્જન કર્યું હતું અને હાજર સૌનાં મન મોહી લીધાં હતાં.

