ગાંધીનગરઃ ગુજરાતમાં વિક્રમજનક છઠ્ઠી વખત ભાજપની સરકાર તો રચાઇ ગઇ છે, પરંતુ આ વખતે જાહેરમાં જોવા મળેલી ખાતાં માટેની ખેંચતાણે પક્ષની પ્રતિષ્ઠાને ઝાંખપ જરૂર લગાવી છે. ‘શિસ્તબદ્ધ પક્ષ’ની ઓળખ ધરાવતા ભાજપમાં પ્રધાનમંડળની શપથવિધિના કલાકોમાં જ ખાતાંઓની ફાળવણીના મુદ્દે મતભેદ સર્જાયા હતા.
પક્ષના વરિષ્ઠ સભ્ય અને સતત બીજી વખત નાયબ મુખ્ય પ્રધાન બનેલા નીતિન પટેલે તેમને ફાળવાયેલા ‘ઓછા મહત્ત્વના’ વિભાગો સામે નારાજગી દર્શાવતાં હોદ્દાનો કાર્યભાર સંભાળવાનું ટાળ્યું હતું. બે દિવસના રિસામણાં-મનામણાં અને અધ્યક્ષ અમિત શાહ સહિતના મોવડીઓના
સીધા હસ્તક્ષેપ બાદ છેવટે રવિવારે ઘીના ઠામમાં ઘી પડ્યું હતું અને વિખવાદનો સુખદ અંત આવ્યો હતો.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને તેમની લાગણી અને માગણી અનુસાર ફરી નાણાં વિભાગનો હવાલો સોંપાયો છે. અગાઉ આ મહત્ત્વનું મંત્રાલય સૌરભ દલાલને સોંપાયું હતું.
પોતાની માગણી સંતોષાતા ખુશખુશાલ નીતિન પટેલે રવિવારે રજાના દિવસે કાર્યભાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે, એમની માગણી કોઈ પોસ્ટ માટે નહીં પણ આત્મસન્માન જાળવવા મુદ્દે હતી. ગુજરાતની સાડા છ કરોડની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને સેવા કરવાની જે તક આપી છે તેનું હું નિષ્ઠાપૂર્વક બજાવીશ. અમે સૌ પ્રધાનો આવતીકાલ - નવા વર્ષથી જ સરકારની કામગીરી શરૂ કરી દઈશું અને રાજ્યની પ્રજાની આશા-આકાંક્ષા પરિપૂર્ણ થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે.
રૂપાણી માટે કપરાં ચઢાણ
ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ૧૬ બેઠકોનો ફટકો પડ્યો છે તેવા સમયે ફરી વાર રાજ્યનું સુકાન સંભાળનાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણી માટે આ વખતે કપરાં ચઢાણ જણાય છે. પક્ષના વરિષ્ઠ સભ્ય નીતિન પટેલની સરાજાહેર નારાજગીથી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. તો પક્ષના મધ્ય અને દક્ષિણ ગુજરાતના એકમોએ પણ પોતાના વિસ્તારને સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાના મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.
૧૮૨ સભ્યોના ગૃહમાં ભાજપે ૯૯ બેઠકો જીતી છે. આમ પક્ષે સાત ધારાસભ્યોની પાતળી બહુમતી સાથે સરકાર રચી છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી તોળાઇ રહી છે ત્યારે રૂપાણીએ એક તરફ ગૃહમાં મજબૂત વિરોધ પક્ષનો સામનો કરવાનો છે, તો પક્ષની અંદર પણ અસંતોષને ડામી સૌને સાથે રાખવાની કપરી જવાબદારી પાર પાડવાની છે.
આ ઉપરાંત તેમના નેતૃત્વ હેઠળની સરકારે અસરકારક કામગીરી પણ કરી દેખાડવાની છે, જેથી વિધાનસભા ચૂંટણી વેળા ભાજપને છોડી ગયેલા મતદારોને ફરી પક્ષ ભણી આકર્ષી શકાય અને ગત લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો પર જ્વલંત દેખાવ કરી શકે.
રૂપાણીએ ૨૬ ડિસેમ્બરે ૧૯ સભ્યોના પ્રધાનમંડળ સાથે ગાંધીનગરમાં યોજાયેલા શાનદાર સમારંભમાં હોદ્દાની ગુપ્તતના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ અમિત શાહ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, લાલ કૃષ્ણ અડવાણી સહિતના વરિષ્ઠ નેતાઓ તેમજ ભાજપ અને એનડીએ શાસિત ૧૫થી વધુ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.
સમતુલાનો પ્રયાસ
જૈન મુખ્ય પ્રધાન, પટેલ નાયબ મુખ્ય પ્રધાન અને ૧૯ પ્રધાનો ધરાવતી નવી સરકારમાં ભાજપે પાટીદાર-ઓબીસી સમુદાય વચ્ચે સંતુલન જાળવવા ભલે પ્રયાસ કર્યો હોય, પણ શપથવિધી બાદ વડોદરા-છોટાઉદેપુર સહિત અનેક જિલ્લામાં ભરપૂર મતો મેળવનાર ધારાસભ્યોને સરકારમાં પ્રતિનિધિત્વ ન મળ્યાની હૈયાવરાળ કાર્યકરો ઠાલવી રહ્યા છે.
ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ૪૮ પૈકી માત્ર ૧૯ જ બેઠકો મળી હોવા છતાં સરકારમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ આ ક્ષેત્રને મળ્યું છે. તેની સામે મધ્ય ગુજરાતમાં ૪૦માંથી ૨૨ બેઠકો મળવા છતાં માત્ર ત્રણને જ પ્રધાનપદ મળ્યું છે. તેમાંયે વડોદરા અને છોટાઉદેપુરમાં તો ૧૩માંથી ૯ બેઠકો સામે સમ ખાવા પણ પ્રધાન નથી. આવી જ સ્થિતિ અમદાવાદ શહેરની છે. સરકારમાં જ્ઞાતિવાર પ્રતિનિધિત્વમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત આર. સી. ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા અને કિશોર કાનાણી એમ કુલ છ પાટીદારોને સ્થાન મળ્યુ છે. જેમાં ત્રણ કડવા અને ત્રણ લેઉવા પાટીદારો છે.
ઓબીસી વર્ગમાંથી દિલીપ ઠાકોર, પરબત પટેલ (ચૌધરી), વાસણ આહીર અને કોળી સમાજના પરસોત્તમ સોલંકી, બચુભાઈ કાબડ, ઈશ્વરસિંહ પટેલ એમ ૬ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને જયદ્રથસિંહ પરમાર એમ ત્રણ ક્ષત્રિય, ગણપતસિંહ વસાવા તથા રમણભાઈ પાટકર એમ બે આદિવાસી તેમજ બ્રાહ્મણ સમાજના એક વિભાવરી દવે તેમજ અનુસૂચિત જાતિ વર્ગના એક ઇશ્વર પરમાર પ્રધાનમંડળમાં સ્થાન અપાયું છે.
ભાજપમાં પડી તકરાર
નવી સરકારની રચના થયાના કલાકોમાં અસંતોષનો પલિતો ચંપાયો હતો. કલાકોની ચર્ચાવિચારણાના અંતે ૨૮ ડિસેમ્બરે રાત્રે પ્રધાનોને ખાતાઓ તો ફાળવાયા હતા, પણ કેટલાક પ્રધાનોમાં ખાતાની ફાળવણી સામે ભારે નારાજગી જોવા મળતી હતી.
વિભાગોની ફાળવણીમાં સૌથી સિનિયર નીતિન પટેલને અન્યાય થયો હતો. નાયબ મુખ્ય પ્રધાનપદ હોવા છતાંય તેમની પાસે રહેલા નાણાં અને શહેરી-વિકાસ જેવા મહત્ત્વના વિભાગો છીનવી લેવાયા હતા. જેમાંથી નાણાં સૌરભ પટેલને સોંપાયું છે તો શહેરીવિકાસ વિભાગ ખુદ મુખ્ય પ્રધાને પોતાની પાસે રાખ્યું હતું. નીતિન પટેલને આરોગ્ય અને માર્ગમકાન વિભાગ સોંપી દેવાયા હતા. જ્યારે સિનિયર કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પાસે રહેલો મહેસૂલ વિભાગ કૌશિક પટેલને અપાયો હતો. રાજ્ય-કક્ષાના પ્રધાનોમાં પ્રદીપસિંહ જાડેજાને સૌથી વધુ વધારે વિભાગો સોંપાયા હતા જ્યારે વાસણભાઇ આહીરને માત્ર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ એમ એક જ વિભાગ સોંપાયો હતો.
નીતિન પટેલ તો એટલા અકળાયા હતા કે હાઈકમાન્ડને શબ્દો ચોર્યા વિના જણાવી દીધું હતું કે મારા સ્વમાનના ભોગે મને પ્રધાન બનવામાં કોઈ રસ નથી. હું કેબિનેટમાં સૌથી સિનિયર પ્રધાન અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન પદે છું ત્યારે મારી પાસેથી છીનવાયેલાં ખાતા પાછા નહીં અપાય તો પ્રધાન-પદેથી મારું રાજીનામું નિશ્ચિત છે. નાયબ મુખ્ય પ્રધાનના આ પુણ્યપ્રકોપથી હાઈકમાન્ડ પણ હચમચી ગયું હતું.
હજુ ૭ માટે શક્યતા
નવી સરકારનું કદ મુખ્ય પ્રધાન સહિત ૨૦ સભ્યોનું છે. બંધારણીય જોગવાઇ અનુસાર વિધાનસભા સંખ્યાબળ ૧૮૨ ધારાસભ્યોના ૧૫ ટકા એટલે કે ૨૭ ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન આપી શકાય છે. આથી, હજુ સાત ધારાસભ્યોને પ્રધાનપદની જવાબદારી સોંપી શકાય એટલી જગ્યા છે.
પ્રધાનમંડળની રચના બાદ વિધાનસભાના અધ્યક્ષપદે ભાજપ કોને બેસાડશે તેના ઉપર સૌની નજર છે. વિધાનસભા એ સરકારનો ભાગ નથી. ૧૮૨ ધારાસભ્યો ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટતા હોય છે. સરકારની રચના બાદ હવે ગવર્નર ગૃહના વરિષ્ઠ સભ્યને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવીને કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક કરશે. જેઓ બાકીના ૧૮૧ને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. ત્યારબાદ કાયમી અધ્યક્ષ અને ઉપાધ્યકષની ચૂંટણી થશે.
ગુજરાત સરકારઃ ક્યું ખાતું કોણ સંભાળશે?
કેબિનેટ પ્રધાન
• વિજય રૂપાણી, મુખ્ય પ્રધાન: સામાન્ય વહીવટ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ઉદ્યોગ, ખાણ-ખનીજ, નીતિ-નિર્ધારણ, માહિતી-પ્રસારણ, કલાઈમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ પ્રધાનોને ન ફાળવાયા હોય તેવા વિભાગો
• નીતિન પટેલ, નાયબ મુખ્ય પ્રધાનઃ નાણાં, માર્ગ-મકાન, આરોગ્ય-પરિવાર કલ્યાણ, નર્મદા, તબીબી શિક્ષણ, કલ્પસર, પાટનગર યોજના
• આર. સી. ફળદુઃ કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય, પશુપાલન, વાહનવ્યવહાર
• ભૂપેન્દ્રસિંહ ચુડાસમાઃ શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન, નાગરિક ઉડ્ડયન
• કૌશિક પટેલઃ મહેસૂલ
• સૌરભ પટેલઃ ઊર્જા અને પેટ્રો-કેમિકલ્સ
• ગણપત વસાવાઃ આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા-બાળ કલ્યાણ
• જયેશ રાદડિયાઃ અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ
• દિલીપકુમાર ઠાકોરઃ શ્રમ-રોજગાર, ડિઝાસ્ટર મેને., યાત્રાધામ વિકાસ
• ઈશ્વરભાઈ પરમારઃ સામાજિક ન્યાય અને અધિકારિતા
રાજ્ય કક્ષાના પ્રધાનો
• પ્રદીપસિંહ જાડેજાઃ ગૃહ, કાયદા, વૈધાનિક અને સંસદીય બાબતો, ઊર્જા, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ, ગ્રામરક્ષક દળ, જેલ, નશાબંધી-આબકારી, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો)
• પરબતભાઈ પટેલઃ સિંચાઈ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)
• પરષોત્તમ સોલંકીઃ મત્સ્યોદ્યોગ
• બચુભાઈ ખાબડઃ ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન
• જયદ્રથસિંહ પરમારઃ કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)
• ઈશ્વરભાઈ પટેલઃ સહકાર, રમત-ગમત, યુવક સાંસ્કૃતિક (સ્વતંત્ર હવાલો), વાહનવ્યવહાર (રાજ્યકક્ષા)
• વાસણભાઈ આહીરઃ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ
• વિભાવરી દવેઃ મહિલા-બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ), યાત્રાધામ
• રમણભાઈ પાટકરઃ વન અને આદિજાતિ વિભાગ
• કિશોર કાનાણીઃ આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ

