છગન ટીવી પર ચૂંટણીના એક્ઝિટ પોલ જોઈ રહ્યો હતો.
લલ્લુ (છગનને)ઃ પપ્પા, સારું છે કે બોર્ડ પરિણામના એક્ઝિટ પોલ નથી આવતા.
છગનઃ કેમ?
લલ્લુઃ નહીં તો તમે મને પરિણામના ચાર દિવસ પહેલાં જ મારવાનું શરૂ કરી દેત.
•
સોનેરી સુવાક્યો...
જો તમે સાચી સ્ત્રીની સાથે રહો... તો તમે રોબર્ટ વાડેરા બની શકશો.
જો તમે ખોટી સ્ત્રીની પાછળ પડશો... તો તમે વિજય માલ્યા બની જશો.
જો તમે ઘણી બધી સ્ત્રીઓની પાછળ ફરતા રહેશો... તો સલમાન ખાન બની જશો.
જો તમે આંખ મીંચીને કોઈ સ્ત્રીની પાછળ રહેશો... તો મનમોહન સિંહ બની જશો.
જો તમે કોઈ સ્ત્રીની ખાસ પરવા નહિ કરો... તો નરેન્દ્ર મોદી બની જશો.
અને જો તમે એ વિચાર કરવામાં વરસો કાઢી નાંખશો કે કેવી સ્ત્રી સાથે મને ફાવશે... તો તમે રાહુલ ગાંધી બની જશો !
•
ચંગુ તેની સેક્રેટરી લીલીને બહાર ફરવા લઈ ગયો. ઘરે પાછા ફરતી વખતે તેણે પોતાના બૂટ પાણીમાં પલાળીને પછી ઘાસ પર ઘસીને એના પર કીચડ લગાવી દીધું. તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજામાં પગ મૂકતાં જ પત્ની તાડૂકીઃ ક્યાં હતા તમે?
પતિ માસૂમ ચહેરો કરીને બોલ્યાઃ ડાર્લિંગ, હું તને કોઈ ગેરસમજમાં રાખવા નથી માગતો. હું મારી સેક્રેટરી સાથે ફરવા ગયો હતો અને મને સમયની બિલકુલ ખબર ન પડી.
આ સાંભળીને પત્નીએ બૂમ મારીને કહ્યુંઃ આખો દિવસ ગોલ્ફ રમતા રહ્યા અને હવે મારી આગળ જૂઠું બોલીને મને બાળવા માગો છો?
•
એક બૂઢા ચાચા રસ્તા પરથી અચાનક લપસીને પડી ગયા અને તેમના મોઢામાંથી શબ્દો સરી પડ્યાઃ 'હાય, મેરી કિસ્મત!'
બાજુમાંથી એક ફોરેનર જતો હતો. એ બોલ્યોઃ હાઇ... મેરી ક્રિસમસ ટુ યુ ઓલ્સો!'
•
ટ્રાફિક પોલિસે બાઇક ઉપર જતા છગનને અટકાવીને એની પાસે લાયસન્સ માંગ્યું.
છગન કહે, ‘નથી.’
ટ્રાફિક પોલિસ બોલ્યો, ‘કેમ તમે ડ્રાઇવીંગ લાયસન્સ નથી કઢાવ્યું?’
‘હું ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા ગયો હતો...’ છગને કહ્યું, ‘તો મારી પાસે આઇડી કાર્ડ માંગ્યું, જે મારી પાસે નથી.’
‘તો ઈલેકશન કાર્ડ બતાવવું હતું ને?’ ટ્રાફિક પોલિસ બોલ્યો.
‘હું એ લેવા ગયો તો,’ છગને કહ્યું, ‘તો એમણે રેશનકાર્ડ માંગ્યું જે મારી પાસે નથી.’
‘તો પછી રેશનકાર્ડ પહેલાં બનાવી લો,’ ટ્રાફિક પોલિસ બોલ્યો.
‘એ લેવા ગયો તો બેન્કની પાસબુક એમણે માંગી.’ છગને કહ્યું.
‘તો બેન્કમાં ખાતું ખોલાવી લો, એમાં શું?’ ટ્રાફિક પોલિસ બોલ્યો.
‘બરાબર,’ છગને કહ્યું, ‘બેન્કમાં ખાતું ખોલાવવા ગયો તો એ ડ્રાઇવીંગ લાયસન્સ માંગે છે.’
•
એક રવિવારે કરસન કડકો તેની પત્નીને લઈને ચોપાટી પર ફરવા ગયો. પગે ચલાવી-ચલાવીને થકવી નાખ્યા બાદ તેણે પત્નીને કહ્યુંઃ ‘આપણે ફરી વાર ભેળ ખાઈશું?’
પત્ની આશ્ચર્ય સાથે બોલીઃ ફરી વાર?! એટલે તમે કહેવા શું માગો છો? હજી આપણે એક વાર પણ ક્યાં ભેળ ખાધી છે?
‘તું દરેક વાત બહુ જલદી ભૂલી જાય છે,’ કરસન કડાકાએ કહ્યું, ‘કેમ! બે વર્ષ પહેલાં આપણે એક રવિવારે અહીં આવ્યા હતા ત્યારે આપણે ભેળ નહોતી ખાધી? યાદ આવ્યુંને?’
