BAPS મંદિર ખાતે પૂ. મહંત સ્વામીની જન્મ જયંતીની ઉજવણી

Wednesday 03rd October 2018 07:12 EDT
 
 

લંડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ૩ ઓક્ટોબરના રોજ પ.પૂ. મહંત સ્વામીની ૮૫મી જન્મ જયંતીની ઉજવણી અને સ્મૃતિ પર્વનું આયોજન કરાયું છે. તા. ૩ ઓક્ટોબરને બુધવારે તિથિ ઉત્સવ જ્યારે તા. ૬ ઓક્ટોબરને શનિવારે પ્રતીક ઉત્સવ ઉજવાશે.

પ.પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા છ દસકા કરતા પણ વધુ સમયથી પ.પૂ. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ.પૂ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીના માર્ગદર્શન તળે દેશ-વિદેશમાં ગામ, નગર અને શહેરોમાં વિચરણ કરીને ધર્મ-સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા છે. પ.પૂ. મહંત સ્વામીનો સમર્પણભાવ અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. અંતરમનમાં ડોકિયું કરાવતા પ.પૂ. મહંત સ્વામીના પ્રેરણાદાયી પ્રવચનોએ સમાજના તમામ વર્ગોમાં, આબાલવૃદ્ધ હરિભક્તોના જીવનમાં અધ્યાત્મનો પ્રકાશ રેલાવ્યો છે.

પ.પૂ. મહંત સ્વામી મહારાજ જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા વિશેષ સ્મૃતિ પર્વ કથા શ્રેણી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણી પ્રસંગે સદ્ગૂરુ પૂ. ત્યાગવલ્લભ સ્વામી સવિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમોમાં તા. ૫ ઓક્ટોબર સુધી સ્મૃતિ પર્વ ઉજવાશે. તેમાં પૂ. જનમંગલ સ્વામી ‘સેલિબ્રેટિંગ ધ લાઇફ એન્ડ વર્ક ઓફ અવર ગુરુ પરંપરા’ પર પ્રવચન આપશે. તા. ૩ ઓક્ટોબરે તિથિ ઉત્સવઃ મહંત સ્વામીને રાજી કરીએ તેમજ તા. ૬ ઓક્ટોબરે પ્રતીક ઉત્સવઃ મહંત સ્વામીને રાજી કરીએ અંતર્ગત ઉત્સવ સભાનું સાંજે ૭-૦૦થી ૮.૪૫ આયોજન કરાયું છે.


comments powered by Disqus