ગાંધીધામઃ કચ્છમાં ર૦૦૧નાં ભૂકંપ પછી જે યુવા પેઢીનો જન્મ થયો છે તેમને કદાચ ખબર નહીં હોય કે અહીં ૨૦ વર્ષ પહેલા પાણીની કેવી સ્થિતી હતી અને વીજળી કેવી રીતે આવતી-જતી હતી. કચ્છે છેલ્લા ૨૦ વર્ષમાં જે રીતે ટુરિઝમથી માંડીને ઉર્જા સહિતનાં વિવિધ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે તેને લીધે કચ્છ આજે દેશ અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમ કચ્છની ટુંકી મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જાહેર સભામાં કહ્યું હતું.
સરહદી જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાની વાત કરતા જણાવ્યું હતું કે, અમારી સરકાર પહેલા પણ કચ્છમાં સફેદ રણ આવેલું જ હતું, પરંતુ કોઈની તેના પર નજર પડી ન હતી. અમારી સરકારે કચ્છનાં સફેદ રણ તથા રણોત્સવને દુનિયાનાં પ્રવાસનનાં નકશામાં આગવું સ્થાન અપાવ્યું છે. જેના પગલે કચ્છનાં લોકોને રમકડાંથી માંડીને હેન્ડીક્રાફટ તથા દૂધના માવાથી માંડીને કલા ક્ષેત્રે સંકળાયેલા લોકોને રોજગારી પણ મળી રહી છે.
વડા પ્રધાન મોદીએ આ પૂર્વે કચ્છમાં અંજાર તાલુકાનાં સતાપર ગામે રવિવારે રૂ. ૬૦૦૦ કરોડનાં ખર્ચે સાકાર થયેલા ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ તેમજ ‘જેટકો’ (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન)નાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પોતે ૬૦૦૦ કરોડ રૂપિયાનાં પ્રોજેકટ સંદર્ભે કચ્છમાં આવ્યા હોવાનું જણાવીને મોદીએ કચ્છ પંથક દેશ અને દુનિયામાં કેવી રીતે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તે જણાવ્યું હતું.
દેશનાં અન્ય કોઇ પણ વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનની સરખામણીએ પોતે વધારે નસીબવાળા છે તેવું જણાવતા તેમણે કહ્યું હતું કે, કચ્છ સહિત દેશનાં ત્રણેય એલએનજી ટર્મિનલનું ઉદ્ઘાટન તેમનાં હસ્તે થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત ઉર્જા ક્ષેત્રે ખાસ કરીને પેટ્રોલિયમ તથા ગેસ આધારિત ઉર્જામાં દેશનું હબ બની રહ્યું છે.
દેશનાં ગરીબ લોકોનાં વિકાસ તેમજ ભારતનાં આર્થિક વિકાસમાં ઉર્જા કેટલી મહત્વપૂર્ણ છે તે સમજાવતા તેમણે મોબાઈલ ફોનનું ઉદાહરણ આપ્યું હતું. જેમ મોબાઈલ ચાર્જ કર્યા વિના અથવા તો ફોન વિના ચાર-પાંચ કલાક વ્યકિત રહી શકતો નથી તેમ આર્થિક વિકાસમાં પણ ઉર્જાનું એટલું જ મહત્વ છે.
ર૮ મિનિટનાં ભાષણમાં વડા પ્રધાન મોદીએ તેમની સરકારનાં ચાર વર્ષમાં કેટલી ઝડપે અને કેવો વિકાસ થયો છે તેનું ઉદાહરણ આપતા આઝાદી પછીનાં ૬૦ વર્ષનાં કામ તેમજ તેમની સરકારનાં કામોનાં આંકડા આપ્યા હતા. જેમાં વીજળીથી માંડીને રાંધણ ગેસ અને સડકથી માંડીને એરપોર્ટ સહિતનાં આંકડા ગણાવ્યા હતા. કોઈ પણ દેશનાં વિકાસમાં તેના સામાન્ય માણસનો વિકાસ થવો જરૂરી હોવાનું જણાવીને તેમણે કચ્છીઓનાં વખાણ કર્યા હતા.
તમારી જેમ મને પણ અહીં આવવાનું મન થાય છે
કચ્છ તથા અહીંનાં લોકો સાથે પોતાને કેવો અનેરો નાતો છે અંગેનો ખ્યાલ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને પણ કચ્છ વારંવાર આવવાનું મન થાય છે. જેમ દુનિયાનાં કોઈ પણ ખુણામાં રહેતો કચ્છી વર્ષમાં એક વાર તો કચ્છ આવે જ તેમ મને પણ તમારી જેમ કોઈને કોઈને કારણે કચ્છ આવવાનું મન થાય છે.
મુંજા કચ્છી ભા-ભેંણુ કી આયં!
કચ્છમાં અંજાર તાલુકાનાં સતાપર ગામે ગેસપાઈપ લાઈન તથા ‘જેટકો’નાં વિવિધ પ્રોજેક્ટનું વડા પ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન-શિલાન્યાસ કરાયા હતા. વડા પ્રધાને કચ્છી બોલીમાં ‘મુંજા કચ્છી ભા-ભેંણુ કી આયં’ કહીને સંબોધનનો પ્રારંભ કરતાં લોકોએ મોદી-મોદીના નારાથી તેમને વધાવી લીધા હતા. વડા પ્રધાને કહ્યું હતું કે વિકાસનાં મૂળમાં ઊર્જા રહેલી છે અને ઊર્જા કોઈ પણ દેશને ગરીબીમાંથી બહાર કાઢી શકે છે. આ દેશમાં ૬૦ વર્ષમાં માત્ર ૧૩ કરોડ લોકોને ગેસનાં કનેક્શન આપવામાં આવ્યાં હતાં. અમારી સરકારે માત્ર ૪ વર્ષમાં ૧૦ કરોડ લોકોને ગેસનાં કનેક્શન આપ્યાં છે. ટૂંક સમયમાં જ એવી સ્થિતિ આવશે કે, ભારતીય અર્થતંત્ર બ્રિટનને પણ આંબી જશે.
ક ફોર કચ્છ અને ખ ફોર ખમીર
મોદીએ કચ્છનાં લોકોની પ્રશંસા કરતા કહ્યું હતું કે હું એક નવી બારાખડી લાવ્યો છું. જેમાં ક એટલે કચ્છ અને ખ એટલે તેમનું ખમીર. મોદી દ્વારા આ રીતે કચ્છ તથા કચ્છીઓની પ્રશંસા કરતા ઉપસ્થિત જનમેદીનીએ પણ તેમને વધાવી લીધા હતા.
પઢાઈ, કમાઈ, સિંચાઈ અને દવાઈ
એનડીએ સરકારનાં કાર્યકાળ દરમિયાન કેવા અને કેટલા પ્રોજેકટ લોકો માટે શરૂ કરવામાં આવ્યા છે તેનો ચિતાર આપતા વડા પ્રધાન મોદીએ તેમનાં પ્રવચનમાં તેમની સરકારનાં પઢાઈ, કમાઈ, સિંચાઈ અને દવાઈવાળા નવા સંકલ્પ અંગે પણ જણાવ્યું હતું.

