આણંદ, વલ્લભ વિદ્યાનગર: સહકારિતાનાં સશક્ત મોડલને આધાર બનાવીને ગુજરાતના સહકારી સંઘો સ્વીટ રિવોલ્યુએશન અને ગોબરધનનાં નવાં મોડલ પ્રચલિત કરે તેવા અનુરોધ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનધન, વનધન અને ગોબરધનનો નવો વિકાસમંત્ર આપ્યો હતો. જગવિખ્યાત અમૂલ ડેરીના મોગર સ્થિત અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ સહિત રૂ. ૧,૧૨૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકર્પણ - શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત વડા પ્રધાને પશુધનનાં છાણમાંથી ઊર્જા ઉત્પાદનનું ગોબરધન મોડલ મિશન મોડમાં વિકસાવવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આનાથી ભારત સ્વચ્છ બનશે. કચરામાંથી કંચન પેદા કરી શકાશે અને ક્લીન એનર્જી પણ મળશે.
અમરેલી અને બનાસ ડેરીની સફળતાના દાખલા ટાંકીને તેમણે સ્વીટ રિવોલ્યુશન માટે મધમાખી ઉછેર અને મધ ઉત્પાદનની નવી પહેલો અપનાવવા અને વિકસાવવાની હિમાયત કરી હતી. મોદીએ જણાવ્યું કે, ચરોતરમાં નવા પ્રયોગો કરવાની તાકાત છે.વડા પ્રધાને જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રમાં થયેલી કામગીરી એ ઉદ્યોગમાત્ર નથી, એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ છે.
‘અમૂલે મારું સપનું સાકાર કર્યું’
વડા પ્રધાને આણંદમાં જણાવ્યું હતું કે કેટલાંક લોકો પોતાનાં જ્ઞાનના દાયરાની બહારની વાત હોય તો તેને સમજી શકતાં નથી અને તેને સમજવાની હિંમત પણ રાખતાં નથી. તેઓ મારા પ્રયોગોની મજાક ઉડાવતાં હતાં, પરંતુ તેનાથી હકીકત બદલાઈ જતી નથી. ગુજરાતમાં ભૂકંપ બાદ કચ્છને વિકાસની ગતિ પર પાછું લાવવા રણોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે કેમલ મિલ્ક (ઊંટડીનાં દૂધ)માં વધારે ન્યુટ્રિશિયન હોય છે. ઊંટડીનાં દૂધનાં વેચાણનાં મારાં સૂચનને તેમણે મજાકનું પાત્ર બનાવ્યું હતું. આજે અમૂલ ઊંટડીનાં દૂધમાંથી પૌષ્ટિક ચોકલેટ બનાવે છે અને અમૂલે મારું સ્વપ્ન સાકાર કર્યું છે. ઊંટડીનાં દૂધની આવકમાંથી રોજીરોટી અને બજાર મળશે.
વડા પ્રધાન અમૂલને આપ્યો ટાર્ગેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૨૨માં ભારતની આઝાદીને અને ૨૦૨૦માં અમૂલની સ્થાપનાને ૭૫ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે. અમૂલ તેને અનુલક્ષીને દૂધઉત્પાદન સહિત તમામ ક્ષેત્રોમાં સહકારિતાના નવા આયામો પ્રસ્થાપિત કરતાં લક્ષ્યો નિર્ધારિત કરે. ભારત મિલ્ક પ્રોસેસિંગમાં હાલમાં વિશ્વમાં ૧૦મા નંબરે છે તેને ત્રીજા નંબરે લાવવાનો અમૂલ નિર્ધાર કરે. તેમણે જણાવ્યું કે, સરદાર સાહેબે અમૂલનાં માધ્યમથી સહકારિતાનાં જે બીજ રોપ્યાં એ સમાજવાદ અને મૂડીવાદની પ્રચલિત અર્થવ્યવસ્થાઓની સામે એક વૈકલ્પિક સશક્ત અર્થવ્યવસ્થાનું મોડલ બની ગયું છે. ગુજરાતની સહકારિતા દેશ માટે નમૂનેદાર મોડલ બની છે. તેમણે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિપાકોનાં વેલ્યૂ એડિશન સહિત વિવિધ નવી પહેલો કરવા પર ભાર મૂકતાં જણાવ્યું કે આવા નવા પ્રયોગોને પીઠબળ આપવા ભારત સરકારે પ્રધાનમંત્રી કૃષિસંપદા યોજના શરૂ કરી છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં સહકારિતાના નવા પ્રયોગો કરવાનું દિશાસૂચન કરતાં જણાવ્યું કે, ભારત સરકાર આવા તમામ પ્રયોગો, પહેલો અને મોડલ્સને પીઠબળ આપશે. અમે શાસનની નિર્ણયપ્રક્રિયા અને કામ કરવાની પદ્ધતિ બદલી છે એટલે ભૂતકાળમાં જ્યાં દેશમાં અભાવનો પ્રભાવ હતો તેની સામે આજે દેશ સમક્ષ વિપુલતાનો પડકાર સર્જાયો છે.

