નૈરોબી લેવા પટેલ સમાજના પ્રમુખ આર. ડી. વરસાણીએ વીડિયો કોન્ફરન્સના પ્રારંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા કહ્યું હતું કે સવા અબજ ભારતીયોના ગૌરવ એવા આપ એક નાના કચ્છી સમુદાય માટે સમય ફાળવ્યો છે તે એક ઐતિહાસિક ઘટના છે. આપનું માર્ગદર્શન, આશીર્વાદ, પ્રેરણા મળતા રહેશે આમ કહીને તેમણે વડા પ્રધાનને વિશ્વ સેવક તરીકે બિરદાવ્યા હતા. આર. ડી. વરસાણીએ કહ્યું હતું કે મોદી સાહેબ, કેન્યામાં સરકાર વધુ દેખાય તેવું કરો.
છેલ્લા ત્રણ વર્ષથી નૈરોબી સમાજના પ્રમુખ રહેલા વરસાણીએ કસરાની ફૂટબોલ સ્ટેડિયમની સભા અને કચ્છીઓની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ કહ્યું હતું કે હું લાલન કોલેજનો વિદ્યાર્થી છું, લાલન કોલેજથી લાલ કિલ્લાના સૂત્રને આપે કચ્છમાંથી સાકાર કર્યું છે. તમારી પ્રેરણા-સહકાર અમને મળતા રહેશે. આફ્રિકન દેશોમાં કેન્યા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ દેશ છે. ભારતે હજી વધુ ધ્યાન દેવાની જરૂર છે એવી વાત વરસાણીએ કેન્યાવાસી કચ્છીઓના પ્રતિનિધિ તરીકે કરી હતી.
તેમણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે વિશ્વના સમૃદ્ધ દેશો જે પ્રકારે આફ્રિકામાં પગપેસારો કરીન તેમના નાગરિકોને સવલતો અપાવે છે તેવું ભારતે કરવાની જરૂર છે. કેન્યાવાસી ભારતીયોએ હિન્દુસ્તાનનું ગૌરવ વધાર્યું છે.
નૈરોબીમાં એક છત્ર તળે એકત્ર થતો કચ્છી સમુદાય
સ્કોટિશ બેન્ડના ૩૦ યુવાનો સંગીતની સુરાવલિ સાથે લયબદ્ધ તાલ આપતા વધી રહ્યા હતા અને તેની પાછલ હતી સંગઠનની મિશાલ સમી મશાલ. નૈરોબી સમાજના પ્રમુખ આર. ડી. વરસાણીએ મશાલ પ્રગટાવી હતી તો સમાજના બહેનોએ રંગબેરંગી પટ્ટીઓવાળા ગુચ્છ લહેરાવતાં મહોત્સવને સંસ્કારિત કરતાં આગળ વધી રહી હતી.
સંપ, સંગઠન અને સદાચારના જયજયકાર સાથે શુક્રવાર ૩૦ માર્ચે કેન્યામાં કચ્છીઓના ઐતિહાસિક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો. વિશ્વભરના કચ્છી કણબી યુવાન-યુવતીઓ વચ્ચે રમતગમત હરીફાઇનો પ્રારંભ થયો હતો. તો ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ ઉત્સવને આશીર્વાદ પાઠવ્યા હતા.
પ્રથમ દિવસે જ પાંચ હજારથી વધુ જ્ઞાતિજનો ઉમટી પડતા પરિસર નાનું પડ્યું હતું. આ પ્રસંગે ૨૫ હજાર વૃક્ષના ઉછેરનો સંકલ્પ લેવાયો હતો.
‘સંગઠનના માધ્યમે સેવા’નો સંકલ્પ
કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરની ગણવેશ સજ્જ સ્કોટિશ પાઇપ બેન્ડ યુવતી બેન્ડની સુરાવલિઓ વચ્ચે માર્ચપાસ્ટ પરેડે વેસ્ટલેન્ડ સંકુલના રામજી રત્ના હાઇસ્કૂલ વિભાગ પાસેથી પ્રસ્થાન કર્યું હતું. આ સમયે કચ્છી લેવા પટેલ-યુકે કોમ્યુનિટીના અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા, ભુજ લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, મંત્રી કેશરાભાઇ પિંડોરિયા, સમાજમંત્રી રામજી સેંઘાણી, સિસલ્સ સમાજના પ્રમુખ નંદુભાઇ રાઘવાણી, પર્થ-સિડની-મેલબોર્ન સહિતના ઓસ્ટ્રેલિયન કેન્દ્રો, કિસુમુ-નકુરુ-મોમ્બાસા લેવા પટેલ સમાજ, યુગાન્ડાના કમ્પાલા, ટાન્ઝાનિયાના દાર-એ-સલામ, અખાતી દેશો અને કચ્છ ચોવીસી સમાજના પ્રતિનિધિઓ, નૈરોબી સમાજના એકછત્રે ‘સંગઠનના માધ્યમે સેવા’નો સંકલ્પ દોહરાવ્યો હતો.
કેન્યામાં ભારતીય રાજદૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી, એમસીએ નૈરોબીથી માલદે વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મશાલ યાત્રા આગળ વધી ત્યારે દરેક જ્ઞાતિજન તેમાં ઉત્સાહભેર સામેલ થયો હતો.
આ પ્રસંગે સમાજના પૂર્વ પ્રમુખો રામજીભાઇ દેવશી વેકરિયા, મનજીભાઇ કાનજી રાઘવાણી, કરશન લાલજી વેકરિયા, કમ્પાલાથી પરબત ભીમજી સિયાણી, નારાયણભાઇ રામજી વરસાણી સહિત અનેક સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરોના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા. તો ભુજ મંદિરના કોઠારી રામજીભાઇ દેવજી વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ અને કેન્યાને મળશે મલ્ટિ સ્પે. હોસ્પિટલ
નૈરોબી વેસ્ટ સંકુલ રજત જયંતી મહોત્સવની ઉજવણી દરમિયાન બે મહત્ત્વપૂર્ણ ઘોષણા થઇ હતી. જેમાં અગાઉ જાહેર થઇ ચૂકેલી સ્થાનિક લોકોની આરોગ્ય સેવા માટે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ કેન્યામાં શરૂ કરવાનો સંકલ્પ દોહરાવાયો હતો. આ સાથે જ ભુજમાં આરોગ્યધામ સર્જવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો. આ પ્રસંગે વિશ્વભરમાં વસતાં કચ્છી પટેલોએ અંદાજે ૭૦૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યોના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે વિવિધ શહેરોના એકમોએ સમાજલક્ષી યોજના જાહેર કરીને તેના ઝડપી અમલ માટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેમાં લંડન એકમના અધ્યક્ષ માવજીભાઇ વેકરિયાએ લંડન નોર્થ હોલ્ટ - યુકે સમાજ માટે ૧૨૦ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધલક્ષી હોલ, પાર્કિંગ, રમતગમત સુવિધા વિકસાવવા યોજના જાહેર કરી હતી.
સમાજની વિકાસયાત્રાની ઝલક રજૂ કરતું પ્રદર્શન
સમાજની ૬૫ વર્ષની અને સંકુલની ૨૫ વર્ષની વિવિધ ક્ષેત્રે વિકાસ કૂચને રજૂ કરતું વિવિધલક્ષી સાંસ્કૃતિક પ્રદર્શન ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કણબી પરિવેશ, જૂની રીતિ-રિવાજોની ઝલક, વાસણો, વસ્ત્રો, અલંકારો, રહેણીકરણીના નમૂના આ પ્રદર્શનમાં રજૂ થયા હતા. તો કાષ્ઠમંડિત વૃક્ષો પર જ્ઞાતિજનો સંગઠનનો સંદેશ લખતા નજરે પડ્યા હતા. મસાઇ સંગીતવાદકોએ વાતાવરણને આફ્રિકન રંગે રંગ્યું હતું.

