કુંવરજી કોંગ્રેસ છોડીને ભાજપમાંઃ ચાર જ કલાકમાં પ્રધાનમંડળમાં

Wednesday 04th July 2018 06:34 EDT
 
 

ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ જસદણના ધારાસભ્ય અને કોળી નેતા કુંવરજી બાવળિયાએ અંતે કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. આ પછી ચાર જ કલાકમાં બાવળિયાએ રાજ ભવનમાં કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. આમ ભાજપમાં જોડાયાના માત્ર ચાર કલાકમાં જ બાવળિયાને પ્રધાનપદ મળી ગયું હતું.
ગમતો વિભાગ મળ્યો તો ન્યાય આપી શકીશઃ બાવળિયા
કુંવરજી બાવળિયાએ પ્રધાનપદના શપથ લીધા બાદ જણાવ્યું હતું કે, જો મને ગમતો વિભાગ મળશે તો ન્યાય આપી શકીશ, બક્ષીપંચના તમામ લોકોને સાથે લઈને આગળ વધીશ અને ટીમવર્કથી કામ કરવાનો પ્રયત્ન કરીશ.
બાવળિયાના ભાજપમાં જોડાવા અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કુંવરજીભાઇએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીને ઇ-મેલથી રાજીનામું મોકલ્યું હતું, કુંવરજીના આગમનથી સૌરાષ્ટ્રમાં ભાજપ મજબૂત થશે. કુંવરજી બાવળિયા સાથે કોંગ્રેસના ઘણા સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. પહેલા તેઓ સાથીદાર અને પ્રધાન પરસોતમ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અને કોંગ્રેસના તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. બાદમાં કમલમ્ પહોંચ્યા હતા, જ્યાં બાવળિયા વિધિવત્ રીતે ભાજપમાં જોડાયા હતા.
ભાજપના અનેક સભ્યોના ફોન આવે છેઃ અમિત ચાવડા
બાવળિયાના રાજીનામાં અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ જવાથી સમાજ જતો નથી, કોળી સમાજ હજી પણ કોંગ્રેસ સાથે જ રહેશે, ભાજપના અનેક ધારાસભ્યોના ફોન અમારા પર આવે છે.


comments powered by Disqus