નવી દિલ્હીઃ ભારત અનેકતામાં એકતાથી ભરેલો દેશ છે. વિવિધ જાતિ-જ્ઞાતિ-ધર્મ-સમુદાયના લોકોને એક તાંતણે બાંધતા આ દેશમાં ૧૯,૫૦૦થી વધુ ભાષાઓ અથવા બોલીઓ માતૃભાષા તરીકે બોલવામાં આવે છે, એમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.
અભ્યાસ અનુસાર ૧૨૧ ભાષાઓ એવી છે જે ભારતમાં ૧૦ હજાર કે તેનાથી વધુ લોકો બોલે છે. જ્યારે હિન્દી ભાષા આ મામલે નંબર વનના સ્થાને છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે ૨.૬ લાખ જેટલાં લોકોએ અંગ્રેજીને તેમની માતૃભાષા ગણાવી છે તેમ આ સપ્તાહે જારી કરવામાં આવેલા ૨૦૧૧ની વસતી ગણતરીના તાજેતરના વિશ્લેષણમાં જણાવાયું છે.
ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનરના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં લોહીના સંબંધ ધરાવતા કે તેની સાથે સંલગ્ન ન હોય એવા લોકો પણ રહેતા હોય શકે છે. આથી દરેક વ્યક્તિને તેની માતૃભાષા વિશે પૂછવું ખરેખર જરૂરી છે. આમ કરવાની આવશ્યકતા એટલા માટે છે કે જરૂરી નથી કે દરેક ઘરમાં દરેક સભ્યની માતૃભાષા એક જ હોય. ઘરના અલગ અલગ સભ્યોની અલગ અલગ ભાષા હોય શકે છે.
૨૦૧૧ની વસતી ગણતરીના આધારે તૈયાર થયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે આ પ્રકારની માતૃભાષાઓની કુલ સંખ્યા ૧૯,૫૬૯ છે. જોકે દેશમાં ૯૬.૭૧ ટકા વસતીની માતૃભાષા બંધારણમાં સામેલ ૨૨ ભાષાઓમાંથી એક છે.
ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં હિન્દી પ્રથમ ક્રમે છે. ૨૦૧૧ની વસતી ગણતરીના આધારે ભારતીય ભાષાઓનાં આંકડા અનુસાર હિન્દીને માતૃભાષા તરીકે બતાવનારા લોકોની સંખ્યામાં ૨૦૦૧ની વસતી ગણતરીની તુલનામાં ૨૦૧૧માં વધારો થયો છે. ૨૦૦૧માં ૪૧.૦૩ ટકા લોકોએ હિન્દીને માતૃભાષા તરીકે ગણાવી હતી. જ્યારે ૨૦૧૧માં આ સંખ્યા વધીને ૪૩.૬૩ ટકા થઈ ગઈ છે. યાદીમાં બાંગ્લા ભાષા બીજા ક્રમે જળવાઈ રહી છે. જ્યારે મરાઠીએ તેલુગુને ત્રીજા ક્રમેથી હટાવી દીધી છે. ૨૨ સૂચિબદ્ધ ભાષાઓમાં સંસ્કૃત સૌથી ઓછી બોલાતી ભાષા છે.
આ રિપોર્ટ અનુસાર, માત્ર ૨૪,૮૨૧ લોકોએ જ સંસ્કૃતને પોતાની માતૃભાષા ગણાવી છે. ભાષા બોલનારાની સંખ્યાના હિસાબે સંસ્કૃત બોડો, મણિપુરી, કોંકણી અને ડોંગરી ભાષાઓથી પણ નીચેના ક્રમે છે. ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા અનુસાર બિન સૂચિબદ્ધ ભાષાઓમાં અંગ્રેજીને લગભગ ૨.૬ લાખ લોકોએ માતૃભાષા ગણાવી હતી. અંગ્રેજીને પ્રથમ ભાષા ગણાવનાર લોકોમાં સૌથી વધુ ૧.૦૬ લાખ લોકો મહારાષ્ટ્રના છે. તામિલનાડુ આ મામલે બીજા સ્થાને છે અને કર્ણાટક તેમાં ત્રીજા ક્રમે છે.
બંધારણમાં સૂચિબદ્ધ ૨૨ ભાષાઓમાંથી ૧૪ તો છેક શરૂઆતથી સામેલ હતી. જ્યારે ૧૯૬૭માં સિંધી, ૧૯૯૨માં કોંકણી, મણિપુરી અને નેપાળી જ્યારે ૨૦૦૪માં બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી ભાષાઓ ઉમેરાઈ હતી.

