ગુજરાતી નારનું ગૌરવવંતુ સાહસ

ભારુલતા પટેલ બે દીકરા સાથે કારમાં લંડનથી ઉત્તર ધ્રુવ પહોંચ્યા

Thursday 06th December 2018 01:09 EST
 
 

લંડનઃ બ્રિટિશ ભારતીય ભારુલતા પટેલ-કાંબળે બે નાના પુત્રો પ્રિયમ (૧૨) અને આરુષ (૧૦)ની સાથે શિયાળામાં આર્ક્ટિક સર્કલનું સાહસ ખેડનારાં વિશ્વના પ્રથમ મહિલા બન્યાં છે. કેન્સરની સારવાર લઇ રહેલા ભારુલતા પટેલે ૨૨ ઓક્ટોબરે આ અભિયાનનો આરંભ કર્યો હતો અને ૧૪ દેશો ઓળંગીને નવ નવેમ્બરે નિર્ધારિત મુકામે પહોંચ્યા હતા. ભારુલતાબહેને આ પ્રવાસ દરમિયાન સેલ્ફ ડ્રાઇવ કરતાં ૧૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

ભારુલતાબહેન આર્ક્ટિક સર્કલ પ્રવાસના અનુભવને વધુ મહત્ત્વપૂર્ણ એટલા માટે ગણાવે છે કેમ કે તેમના પુત્રો પ્રિયમ અને આરુષ આર્ક્ટિક સર્કલ પર ભારતીય ત્રિરંગો ફરકાવનારા ભારતીય મૂળના પ્રથમ બાળકો બન્યાં હતાં.

દક્ષિણ ગુજરાતના નવસારીમાં જન્મેલાં ૪૫ વર્ષીય ભારુલતાબહેન માટે સિદ્ધિના શીખરો સર કરવા નવાઇની વાત નથી. તેમણે કહ્યું હતું કે, ‘વાહન ડ્રાઇવ કરીને આર્ક્ટિક સર્કલ જવાનો વિચાર મારાં સંતાનોનો હતો. તેમનું માનવું હતું કે આના કારણે મારાં મગજ પરથી કેન્સરનો ભાર દૂર થશે. આજકાલ હું મારાં પરિવારની ખુશીની પારાશીશી હોવાથી મેં આ સાહસ ખેડવાં નિર્ણય કર્યો હતો.’ ઉલ્લેખનીય છે કે આ હિંમતવાન નારી ૧૧ ડિસેમ્બરે કેન્સરની વધુ એક સર્જરી કરાવવાનાં છે.

વાહનો હંકારવાના શોખીન ભારુલતાબહેન આ પૂર્વે ૨૦૧૬માં એકલાં જ આર્ક્ટિક સર્કલ અને ૩૨ દેશોનો પ્રવાસ ખેડનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં. આ પ્રવાસમાં તેમણે માત્ર ૩૯ કલાકમાં ૨,૭૯૨ કિલોમીટરનું અંતર કાપવાનો વિક્રમ નોંધાવ્યો હતો. અને હવે તેઓ આર્ક્ટિક સર્કલ પર ત્રિરંગો ધ્વજ ફરકાવનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે. ગયા જાન્યુઆરીમાં જ તેમને પોતાના વ્યવસાયોમાં પ્રણેતા રહેલી નારીઓને સન્માનવાના સરકારના પ્રયાસના ભાગરૂપે ભારતના રાષ્ટ્રપતિનો એવોર્ડ એનાયત કરાયો હતો.

કેન્સર સામે જાગૃતિ માટે સાહસ

ભારુલતાબહેનનો આ નવો વિક્રમ વિશેષ નોંધપાત્ર એટલા માટે પણ બને છે કે તેમની કેન્સર સર્જરીઓની મધ્યે તે કરાયો છે. ભારુલતા પટેલે બ્રેસ્ટ કેન્સરના ભય સામે જાગૃતિ કેળવવા આ પ્રવાસ ખેડ્યો હતો. ભારતીય મહિલાઓમાં આ કેન્સરનું વિશેષ પ્રમાણ છે. સમગ્ર સાહસ દરમિયાન તેમનું અભિયાન ‘બી એલર્ટ, બી કેન્સર સેફ’નું રહ્યું હતું.

પોતાના સંતાનોની સારસંભાળ માટે વહેલી નિવૃત્તિ લેનારાં યુકેના પૂર્વ સિવિલ સર્વન્ટ ભારુલતાબહેન કહે છે, ‘ બ્રેસ્ટ કેન્સર માટે મારી ચાર સર્જરી કરાઈ છે, પરંતુ હું હાર માનનારી વ્યક્તિ નથી. હું લોકોને એ દર્શાવવા માંગતી હતી કે કેન્સર જીવનનો અંત નથી. આથી મારાં પુત્રોએ વિચાર આપ્યો અને તરત જ મેં મારી સારવાર કરતા ડોક્ટરો સાથે તેની ચર્ચા કરી. તેમણે પણ હા પણ પાડી. અમે ૨૨ ઓક્ટોબરથી નવ નવેમ્બર સુધી આ પ્રવાસ ખેડ્યો. ધ યુનિવર્સલ રેકોર્ડ્સ ફોરમે અમારાં રેકોર્ડને સર્ટીફાય કર્યો છે.’

માઇનસ ૧૫ ડિગ્રીમાં ત્રિરંગો

માતા ભારુલતા અને બે દીકરાઓ પ્રિયમ તથા આરુષની ત્રિપુટી ફિનલેન્ડના સાન્ટા ક્લોસ ગામથી સાહસનો આરંભ કર્યાં પછી નોર્વેના નોર્ડકાપ જતાં પહેલા ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, જર્મની, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડમાં કાર હંકારી ગઈ હતી. પ્રવાસ દરમિયાન કારનું એન્જિન બંધ કરી શકાય તેમ નહોતું, કેમ કે શૂન્ય ડિગ્રીથી નીચે તાપમાનમાં ફ્યુલ થીજી જવાનું જોખમ હતું. આખો દિવસ સતત ડ્રાઇવ કરીને ૯ નવેમ્બરે માઇનસ ૧૫ ડિગ્રી તાપમાને રાત્રે ૧૧.૩૦ વાગ્યે વિશ્વનો અંતિમ છેડો ગણાતા ઉત્તર ધ્રુવ ખાતે પહોંચી ગયાં. નોર્ડકાપ (નોર્થ કેપ)માં એટલાન્ટિક મહાસાગર અને આર્ક્ટિક મહાસાગરનો સંગમ થાય છે, જ્યાં બન્ને પુત્રો - પ્રિયમ અને આરુષે ત્રિરંગો લહેરાવ્યો હતો.

આ પ્રવાસ દરમિયાન ભારુલતા અને બન્ને દીકરા એક વખત સ્વીડનના ઉમેયા ગામમાં બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. ચાર કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ ટીમે તેમને હેમખેમ બચાવી લીધા. પછી ગામના જ એક ઘરમાં આશરો લીધો હતો. તે ઘર કેરળના એક પરિવારનું હતું. ચાર દિવસ રોકાયા બાદ મુસાફરી આગળ ધપાવી હતી. પ્રવાસમાંથી પરત ફર્યા બાદ બ્રિટિશ સંસદમાં ત્રણેયનું સ્વાગત કરાયું હતું.

ડોક્ટર પતિનું ઘરે બેસી નેવીગેશન

વ્યવસાયે વકીલ ભારુલતાના પતિ સુબોધ કાંબલે ડોક્ટર છે. તેમણે ઘરમાં જ રહીને પરિવારને પ્રવાસના નેવિગેશન અંગે સલાહસૂચનો આપવાની જવાબદારી સંભાળી હતી. ભારુલતા પાસે બેકઅપ કાર કે કોઈ ક્રૂ પણ ન હતા. સુબોધ કાંબલે પાસે ભારુલતાની કારનો ટ્રેકિંગ પાસવર્ડ હતો. આથી તેઓ સેટેલાઇટની મદદથી ઘરે બેઠા બેઠા જ ક્યાં ફ્યૂઅલ સ્ટેશન છે, ક્યાં જમવાનું મળશે, રોકાવા માટે સલામત જગ્યા ક્યાં મળશે તેની વિગતો જણાવતા રહેતા હતા. તેઓ અગાઉથી હોટલનું બુકિંગ પણ કરાવી લેતા હતા. સમગ્ર પ્રવાસની રૂપરેખા તેમણે જ તૈયાર કરી હતી. અંતિમ દિવસોમાં તો દરરોજ સતત ૮૦૦ કિલોમીટર ડ્રાઇવિંગનું શેડ્યુલ બનાવાયું હતું.


comments powered by Disqus