ગ્લોબલ વોર્મિંગની અસર દાર્જિલિંગની ચા પર પડી, ઉત્પાદન ઘટવાનો ખતરો

Wednesday 06th June 2018 06:34 EDT
 
 

અમદાવાદઃ બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં જ થઈ શકે છે. આમાં જરા પણ ફેરફાર થાય તો ઉત્પાદન પર વિપરિત અસર પડી શકે છે. દાર્જિલિંગ ટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (ડીટી-આરડીસી)એ બદલતા હવામાનથી ઉત્પાદન ઘટવા ચેતવણી ઉચ્ચારી છે.
ઉત્પાદન ઘટવાની સાથોસાથ ઉપરાંત અત્યારે તો ચાની ગુણવત્તા પણ નબળી પડી રહી છે, જે ટી-એસ્ટેટના સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
દાર્જિલિંગની ચા જ્યાં પેદા થાય છે એવા પાંચ વિસ્તારના તાપમાનમાં છેલ્લા બે દાયકામાં અડધાથી એક ડીગ્રીનો વધારો થયો છે. ચાના છોડવા ઢોળાવ પર, ખાસ પ્રકારની માટીમાં, ખાસ પ્રકારના હવામાન વચ્ચે જ ઉછરી શકે છે. આથી જ ચા આખી દુનિયામાં વિશિષ્ટ પાક છે અને એ બીજા સ્થળોએ ફળદ્રૂપ જમીન હોવા છતાં ઉગાડી શકાતો નથી. લગભગ આખા ભારતની સવાર ચાથી પડે છે અને દરેક વ્યક્તિ ચોક્કસ પ્રકારની ચા પીવા ટેવાયેલી હોય છે. આમાં પણ દાર્જિલિંગ ચા તો તેની ઉચ્ચ ગુણવત્તા માટે જગવિખ્યાત છે. તેના ટેસ્ટમાં જરા પણ ફેરફાર થાય તો વેચાણ પર અસર થયા વગર રહે નહીં. આદર્શ રીતે ૧૮થી ૩૦ ડીગ્રી વચ્ચે તાપમાન હોય અને બીજી બધી અનુકુળતા હોય ત્યાં જ ચાના છોડ વિકસે છે.
જગવિખ્યાત દાર્જિલિંગ ચા દાર્જિલિંગ ઉપરાંત મિરિક, તિસ્તા, રામબાગ અને કુરસેંગ એમ પાંચ વિસ્તારમાં થાય છે. અહીં તાપમાન વધીને ક્યારેક ક્યારેક ૩૨ ડીગ્રી સુધી પહોંચવા લાગ્યું છે. ચાના છોડવા આવી ગરમી સહન કરી શકતા નથી. બીજી તરફ ઘણી વખત પાકની સિઝનમાં તાપમાન ૧૮ ડીગ્રીથી ઘટીને ૧૩ ડીગ્રી સુધી પહોંચ્યું હોવાનું નોંધાયું છે. આમ ઠંડીથી પણ ચાની ગુણવત્તા ઘટે છે.
તાપમાનની માફક વધુ કે ઓછો વરસાદ પણ ચાના પાંદડાને મુરઝાવી શકે છે. છેલ્લા થોડા વર્ષોમાં દાર્જિલિંગ ચા પેદા થતાં વિસ્તારમાં અચાનક વરસાદ પડતો હોવાના બનાવો નોંધાયા છે. આ રીતે આવતો વરસાદ ચાના પાક માટે જોખમી છે. પહાડી ભૂપૃષ્ઠ અને વધુ પડતો વરસાદ તેની જરૂરિયાત છે, પરંતુ આ વરસાદ નિશ્ચિત સમયે જ પડવો જોઈએ. ભારતમાં આસામ, ઉત્તર બંગાળ, દક્ષિણ ભારત, હિમાલયના અન્ય કેટલાક પ્રાંતમાં ચાની ખેતી મોટા પાયે થાય છે. જગતમાં ઉત્પાદનની દૃષ્ટિએ ચીન પછી ભારત બીજા ક્રમે છે.

૧ કિલોના રૂ. ૧.૧૨ લાખ

દાર્જિલિંગમાં પેદા થતી કેટલીક ચા લાખો રૂપિયાના ભાવે વેચાય છે. આવી ચા ત્યાં જ ઉગે છે કેમ કે આ માટે યોગ્ય વાતાવરણ જોઈએ. દેશદુનિયામાં અનેક પ્રકારની ચા પેદા થતી હોવા છતાં સૌથી મોંઘી ચાનો વિક્રમ દાર્જિલિંગ ટીના નામે છે. અહીં ૨૦૧૪માં મકાઈબારી ટી કિલોના રૂ. ૧.૧૨ લાખના ભાવે વેચાઈ હતી. આ ચા પાંચ કિલોથી વધારે તૈયાર કરાઇ નહોતી.


comments powered by Disqus