નવી દિલ્હીઃ દેશની શાસનધૂરા સંભાળ્યાના ચાર વર્ષની ઉજવણી કરી રહેલી મોદી સરકાર માટે લોકસભા અને વિધાનસભાની ૧૪ બેઠકોની પેટા-ચૂંટણી માઠા અને ચોંકાવનારા સમાચાર લાવી છે. લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષની મોરચાબંદી સામે ભાજપને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. લોકસભાની ચારમાંથી ભાજપનો એકમાત્ર પાલઘર (મહારાષ્ટ્ર) બેઠક પર વિજય થયો છે, જ્યારે વિધાનસભામાં ઉત્તરાખંડની થરાલી બેઠક પર વિજય થયો છે.
૧૧ રાજ્યોને આવરી લેતી પેટા-ચૂંટણીમાં લગભગ તમામ બેઠકો પર વિપક્ષે સંયુક્ત ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા. પેટા-ચૂંટણીઓમાં એક પછી એક પરાજયના પગલે ભાજપની લોકસભામાં બેઠક સંખ્યા ઘટીને ૨૭૨ થઇ ગઇ છે.
સારા અને નરસાં સમાચાર સાથે સાથે
ગયા ગુરુવારે દેશ માટે બે સમાચાર મહત્ત્વના હતા. એક બાજુ ચાર લોકસભાની અને ૧૦ વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થયા. તો બીજી બાજુ જીડીપીના આંકડા બહાર પડ્યા. વિપક્ષનું મહાગઠબંધન મોદીલહેર પર ભારે પડતું જોવા મળ્યું. લોકસભાની ચારમાંથી ત્રણ બેઠક ભાજપે ગુમાવી તો વિધાનસભાની ૯ બેઠક ગુમાવી. બીજી બાજુ આ જ દિવસે જાહેર થયેલા જીડીપીના દરમાં નોટબંધી બાદ પહેલી વખત પ્રોત્સાહક આંકડા જોવા મળ્યા હતા. વિશ્વમાં ભારતનો જીડીપી હવે મોખરે છે અને આગામી સમયમાં ૮ ટકા રહેવાનો આશાવાદ છે. નોટબંધી પછી માર્ચ ત્રિમાસિક ગાળામાં જીડીપી ૭.૭ ટકાના દરે નોંધાયો છે, જે સૌથી વધુ છે.
શાસક અને વિપક્ષ વચ્ચે સીધો જંગ
ભાજપ અને સાથી પક્ષોને કુલ ૧૪ બેઠકો પૈકી માત્ર ત્રણ બેઠક મળી છે, જ્યારે વિપક્ષે સંગઠિત બનીને ચૂંટણી લડતા ૧૧ બેઠકો પર કબજો કર્યો છે. આમ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પૂર્વેના ડ્રેસ રિહર્સલ અને સેમિ-ફાઈનલ તરીકે જોવાયેલી આ પેટા-ચૂંટણીઓમાં ભાજપને કારમો પરાજય સહન કરવાનો વારો આવ્યો છે જ્યારે વિપક્ષો માટે ‘મોરચા'નું રાજકારણ શ્રેષ્ઠ હોવાનું સાબિત થયું છે. પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને કમરતોડ મોંઘવારીથી ત્રસ્ત પ્રજાએ મતદાનમાં રોષ ઠાલવી શાસક પક્ષને અરીસો બતાવ્યો છે. મહારાષ્ટ્રમાં પાલુસ કાડેગાંવ બેઠક પર મતદાન પહેલાં જ કોંગ્રેસના ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.
વિધાનસભાની ૧૦ બેઠકમાં ભાજપ - સાથી પક્ષોનો સફાયો થઈ ગયો છે એમ કહી શકાય. આમાંથી કોંગ્રેસનો પંજાબ, મેઘાલય અને કર્ણાટકમાં એક-એક બેઠક પર વિજય થયો છે.
અન્યોને છ બેઠક મળી છે. જેમાં ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ને બે, કેરળમાં સીપીઆઇ (એમ)ને એક, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને એક, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળને એક અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને એક-એક બેઠક મળી છે.
ભાજપે આ પેટા-ચૂંટણીમાં જે સૌથી મહત્વની બેઠક ગુમાવી દીધી છે તેમાં ઉત્તર પ્રદેશની કૈરાના લોકસભા બેઠક છે. મહારાષ્ટ્રની બે બેઠકોમાંથી એક પાલઘરમાં તેને વિજય મળ્યો છે, પણ ભંડારા-ગોંદિયામાં તેની હાર થઈ છે. ભાજપ એ વાતે સંતોષ લઇ શકે એમ છે કે નાગાલેન્ડમાં તેના સાથી પક્ષ એનડીપીપીનો એક લોકસભા બેઠક પર વિજય થયો છે.
લોકસભા ઉપરાંત વિધાનસભા માટે પેટા-ચૂંટણીઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, કેરળ અને ઉત્તરાખંડમાં યોજાઈ હતી. તેમાં પણ ભાજપનો પરાજય થયો છે અને ફક્ત ઉત્તરાખંડમાં થરાલીની બેઠક પર તે વિજેતા બન્યો છે. ઉત્તર પ્રદેશના નૂરપુર વિધાનસભાની બેઠક પણ તેણે ગુમાવી દીધી છે. આ બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે.
કૈરાનામાં સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજ પાર્ટી (બસપા), કોંગ્રેસના સમર્થન સાથે ઉમેદવારી કરનારાં રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના તબસ્સુમ હસન ભાજપના મૃગાંકા સિંહ સામે ૫૫,૦૦૦ મતોથી વિજેતા બન્યાં છે. તેમના વિજય સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સૌથી મોટા રાજ્યમાં ૮૦ બેઠકો પર ભાજપ વિરોધી મહાગઠબંધન આકાર લેશે. ભાજપના પ્રમુખ અમિત શાહે ચૂંટણી વખતે એમ કહેલું કે પેટા-ચૂંટણીનાં પરિણામો મોદી સરકારની લોકપ્રિયતાનો માપદંડ સાબિત થવાનો નથી.
જોકે, કૈરાના અને નૂરપુરનો પરાજય સત્તાધારી ભાજપ અને વિશેષ કરીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ માટે શરમ અને પીછેહઠ બનીને આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં જ ગોરખપુર અને ફુલપુરમાં સપા, બસપા અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમાં ભાજપનો કંગાળ પરાજય થયો હતો. ભાજપ માટે આશ્વાસન લઈ શકાય તેવી એક જીત મહારાષ્ટ્રના પાલઘરની રહી છે. ભાજપના રાજેન્દ્ર ગાવિત અહીંથી શિવ સેનાના ઉમેદવાર સામે ૨૯,૫૭૪ મતથી જીતી ગયા છે.
મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયામાં કોંગ્રેસના સમર્થન સાથે એનસીપીના ઉમેદવારનો વિજય થયો છે. બિહાર વિધાનસભામાં ભાજપના સાથીદાર નીતિશ કુમારને પણ કારમો પરાજય વેઠવાનો આવ્યો છે. નીતિશના જનતા દળ-યુની સામે લાલુ પ્રસાદના રાજદના ઉમેદવારનો ૪૦,૦૦૦ મતથી જોકીહાટ બેઠક પર વિજય થયો છે. કેરળમાં સીપીઆઈ-એમના ઉમેદવાર ચેંગાન્નુરમાંથી વિજેતા બન્યા છે.
અપેક્ષા પ્રમાણે પંજાબની શાહકોટ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે શિરોમણિ અકાલી દળને મોટા માર્જિનથી પરાજય આપ્યો છે. કર્ણાટકની એક બેઠક કે જ્યાં ઈવીએમના કારણે ચૂંટણી મુલતવી રહી હતી તે આર. આર. નગરમાં કોંગ્રેસનો વિજય થયો છે.
ભાજપ માટે મુશ્કેલ વર્ષ
૨૦૧૮ની ચૂંટણીની દૃષ્ટિએ ભાજપ માટે બહુ મુશ્કેલભર્યું સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી દસ લોકસભાની સીટ માટે પેટાચૂંટણી થઈ છે, જેમાંથી ભાજપે ફક્ત એક સીટ પાલઘર (મહારાષ્ટ્ર)માં જીત મેળવી છે. ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુરની સીટ ગુમાવ્યા બાદ આબરૂની લડાઈ કૈરાના લોકસભા સીટ પર હતી, જ્યાં ભાજપ હારી ગયો છે. એ વાત સ્પષ્ટ છે કે મહાગઠબંધનની રણનીતિ ભાજપને ભારે પડી રહી છે.
જોકે આના કરતાં પણ મોટી વાત એ છે કે કૈરાનામાં ભાજપનું ‘ઝીણાકાર્ડ’ પૂરી રીતે ફ્લોપ પુરવાર થયું છે. ૨૦૧૯માં ૨૦૧૪ કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ માટે આ પરિણામો નિરાશાજનક છે. ભાજપ અને એનડીએની સતત ઘટતી તાકાત અને મજબૂત બનતી વિપક્ષી એકતાએ સ્પષ્ટ કરી દીધું છે કે ૨૦૧૯ની ચૂંટણી કોઈ મહાસંગ્રામથી ઓછી નહીં હોય. એટલું જ નહીં, ૨૦૧૯ અગાઉ યોજાનારી ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વિપક્ષનો સીધો મુકાબલો કરવો પડી શકે છે.
હવે મોટો પડકાર
હવે વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આ રાજ્યોમાંથી પક્ષને લાંબા સમયથી ચૂંટણીના કોઈ સારા સમાચાર નથી મળ્યા. આ પછી ૨૦૧૯માં થનારી સામાન્ય ચૂંટણી પાર્ટી માટે સૌથી મોટો પડકાર છે. ત્રિપુરાને જો છોડી દઈએ તો (૨૫ વર્ષની માણિક સરકારની એન્ટિઇન્કમ્બન્સી ભાજપની જીતનું મોટું કારણ) ભાજપને વર્ષ ૨૦૧૮માં ચૂંટણી મોરચે આજે પણ સારા સમાચારનો ઇંતેજાર જ છે. કર્ણાટકમાં જે રીતે ભાજપ જીતીને પણ હાર્યો અને કોંગ્રેસ-જનતા દળ (એસ) યુતિએ હારીને પણ સરકાર રચવામાં સફળતા મેળવી ૨૦૧૪ પછી સૌથી મોટો ઝટકો આપ્યો છે. કર્ણાટકમાં હજી લોકસભાની બે બેઠક પર પેટા-ચૂંટણી યોજાવાની છે. આ બન્ને બેઠકો અગાઉ ભાજપ પાસે હતી.
પેટા-ચૂંટણીના પરિણામો બાદ ભાજપની નેતાગીરીએ ભલે જાહેરમાં મોં હસતું રાખ્યું હોય, પણ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અને તે પહેલાં આવી રહેલી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં તેનો જંગ કપરો થઈ રહેવાનો છે. ભાજપના એક નેતાએ કહ્યું હતું કે ‘આ પરિણામો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની કસોટી નથી, પણ તેનો અભ્યાસ કર્યા પછી એમ લાગે છે કે આ સરકારવિરોધી જુવાળ છે, જે અમારા પરાજયમાં પરિણમ્યો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી લોકોમાં રોષની લાગણી છે અને સરકારની નીતિથી પ્રજા નારાજ છે. પાર્ટીએ આ અંગે ગંભીર ચિંતન કરવાની જરૂર છે.’
અવિશ્વાસ પ્રસ્તાવનો સમય
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પેટા-ચૂંટણીના પરિણામોને ‘સંયુક્ત મોરચા અને પ્રાદેશિક પક્ષોનો વિજય' ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સંસદમાં ભાજપની બેઠકમાં યોજનાબદ્ધ રીતે ઘટાડો થઈ રહ્યો છે અને હવે તેની સંખ્યા ૨૭૦ થઈ ગઈ છે. હવે ભાજપ સામે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા માટેનો યોગ્ય સમય આવ્યો છે એમ તેમણે કહ્યું હતું. મમતાએ કહ્યું હતું કે ‘ભાજપનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. તે જંગી બહુમતીથી સત્તા પર તો આવ્યો હતો, પરંતુ હવે તેનું સંખ્યાબળ ઘટીને ૨૭૦ થઈ ગયું છે. હવે તેની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય છે.’
મેઘાલયમાં હવે કોંગ્રેસ?
કોંગ્રેસે મેઘાલયમાં અમ્પાતી વિધાનસભા બેઠક જીતી લીધી છે. આમ હવે તે ઉત્તર-પૂર્વ રાજ્યમાં સરકાર રચવા માટે દાવો કરી શકે તેમ છે.
આ બેઠક જીત્યા બાદ ૬૦ સભ્યોના વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ૨૧ સભ્યો થઇ ગયા છે અને વિધાનસભામાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની ગઇ છે. આંકડાઓમાં જોઇએ તો કોંગ્રેસ તેના નજીકની હરીફ પાર્ટી નેશનસ પીપલ્સ પાર્ટી (૨૦ બેઠક) કરતાં હવે એક બેઠક વધુ ધરાવે છે.
ભાજપે જે પ્રકારે કર્ણાટકમાં રાજકીય દાવ ખેલ્યો હતો એમ કોંગ્રેસ નવો દાવ રમી શકે છે. ગયા ગુરુવારે જાહેર કરાયેલા પરિણામોમાં કોંગ્રેસ ઉમેદવાર મિઆની ડી શીરાએ તેમના નજીકના હરીફ નેશનલ પીપલ્સ પાર્ટીના સી.જી. મોમીનને પરાજય આપ્યો હતો.

