મુંબઇઃ ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ટૂર્નામેન્ટે ટવેન્ટી૨૦ ક્રિકેટની લોકપ્રિયતાને નવી જ ઊંચાઇએ પહોંચાડી છે તો સટોડિયાઓને લાખો-કરોડોનો સટ્ટો રમવાનો વિકલ્પ પૂરો પાડ્યો છે. આઇપીએલ મેચો પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ ભારતમાં બોલિવૂડના જાણીતા ચહેરાઓ પણ તેમાં સટ્ટો લગાવતા હોવાના અહેવાલથી હલચલ મચી ગઇ છે. મુંબઇ પોલીસે ખુલ્લા પાડેલા બેટિંગ રેકેટમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાનનું નામ બહાર આવ્યું છે, અને પોલીસનું માનવું છે કે સટ્ટાકાંડમાં હજુ કેટલીક બોલિવૂડ હસ્તીઓના નામ બહાર આવી શકે છે.
સોનુ જાલન નામના એક આંતરરાષ્ટ્રીય સટોડિયાની પૂછપરછમાં આ બેટિંગ રેકેટનો પર્દાફાશ થયા બાદ પોલીસે અરબાઝ ખાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો, જેમાં તેણે આઇપીએલ સહિતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પર સટ્ટો રમ્યાની કબૂલાત કરી છે. પોલીસે આ પૂછપરછના આધારે પરાગ સંઘવી નામના બીજા એક ફિલ્મ પ્રોડ્યુસરને પણ તપાસ માટે હાજર થવા સમન્સ મોકલ્યું છે. પરાગ સંઘવી અલુમ્બ્રા એન્ટરટેઇનમેન્ટ એન્ડ લોટ્સ ફિલ્મ કંપનીના સીઈઓ છે.
આઈપીએલ બેટિંગ પ્રકરણમાં પ્રોડયૂસર અને એક્ટર અરબાઝ ખાને થાણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે સોનુ જાલન સાથે આઈપીએલ ૨૦૧૭ની મેચ દરમિયાન તેણે ૨.૮૦ કરોડ રૂપિયાની બેટિંગ લગાડી હતી. ધરપકડ કરાયેલા સોનુ જાલનને થાણે એન્ટી-એક્સટોર્શન સેલમાં લાવવામાં આવ્યો હતો અને તેને તેમજ અરબાઝ ખાનને સામસામે બેસાડીને પોલીસે પૂછપરછ કરી હતી. અરબાઝે એ પણ સ્વીકાર્યું હતું કે તે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સટ્ટાબાજી કરતો હતો.
અરબાઝે એની પૂછપરછ કરી રહેલા અધિકારીઓને સાત ફિલ્મી હસ્તીઓના નામ આપ્યા છે. જેમાં જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અને કલાકાર સહિત બિલ્ડરના નામો પણ સમાવેશ છે. સોનું જાલન અનેક લોકોના વીડિયો રેકોર્ડિંગ કરી લેતો અને તે દ્વારા પાછળથી બ્લેકમેઇલ કરતો. અંડર વર્લ્ડ ડોન દાઉદ સુધી તેની પહોંચ છે એમ ધમકાવી તે કરોડો રૂપિયાની વસૂલી કરતો હતો.
તલાકનું કારણ પણ સટ્ટો
પોલીસ અધિકારીઓએ ૪ કલાક સુધી અરબાઝ ખાનની પૂછપરછ કરી હતી. અરબાઝે તેની પૂછપરછ કરી રહેલા અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે સટ્ટામાં રૂપિયા ૩ કરોડ હારી ગયો હોવાથી તેને ઉઘારણી માટે ફોન આવતા. ઘણી વાર ફોન મલાઇકા ઉપાડતી એથી મલાઈકાને પણ તેઓ ધમકાવતા હતા. આ ઉઘરાણીથી કંટાળેલી મલાઈકા તેનાથી અલગ થઈ ગઈ હતી અને તેનાથી તલાક લઈ લીધા હતા.
શોખ માટે સટ્ટો રમતો
અરબાઝ ખાને પોલીસને જણાવ્યું કે, તે શોખ માટે સટ્ટો ખેલતો હતો. તેના પરિવારે તો હંમેશા તેને સટ્ટાથી દૂર રહેવાની સલાહ આપી હતી. જોકે તે આ સલાહને અવગણી ક્રિકેટ મેચો પર કરોડોનો સટ્ટો લગાવતો રહ્યો. કેટલાક રિપોર્ટ્સ જણાવે છે કે, અંગત જિંદગીના તનાવને કારણે પણ તે સટ્ટા તરફ વળ્યો હતો. પોલીસે અરબાઝને પૂછ્યું કે તે આ સોનુ જાલનને પહેલી વાર ક્યાં અને ક્યારે મળ્યો હતો? આનો કોઈ જવાબ અરબાઝ પાસે નહોતો. તેણે કહ્યું કે, મને આ અંગે કશું યાદ નથી. પોલીસે પૂછ્યું કે, ઈન્ટરનેશનલ બુકી સોનુ સાથે તેની મુલાકાત કોણે કરાવી હતી? આ પ્રશ્નનો પણ કોઈ જવાબ અરબાઝ પાસે ન હતો.
પરાગ સંઘવીને સમન્સ
સોનુ જાલનની ડાયરીમાંથી મળી આવેલા નામોને આધારે પૂછપરછ માટે જે લોકોને સમન્સ મોકલાયા છે તેમાં હિન્દી ફિલ્મઉદ્યોગના પ્રોડયુસર પરાગ સંઘવીનો પણ સમાવેશ થાય છે. તે આવતા સપ્તાહે હાજર થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પરાગ સંઘવી અલુમ્બ્રા એન્ટરટેઇનમેન્ટ એન્ડ લોટ્સ ફિલ્મ કંપનીના સીઈઓ છે. આ પહેલાં તે મીડિયા કંપની કે. સેરા સેરાના પણ મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યો છે. ખાસ કરીને રામગોપાલ વર્માની ફિલ્મોને તેમણે પ્રોડયૂસર કરી છે અને અનેક ફિલ્મોનું ડિસ્ટ્રિબ્યુશન તેમજ ફાઇનાન્સનું કામ તેણે સંભાળ્યું છે. પરાગ સંઘવી ઉપરાંત એક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા તેમજ ફિલ્મોમાં ફાઇનાન્સનું કામ કરતા અગ્રણી ગુજરાતી બિઝનેસમેનને પણ પૂછપરછ માટે તેડાવાયા છે.
સોનુ જાલનનું વ્યાપક નેટવર્ક
સોનુ જાલન એ મુંબઈનો એક મોટો બુકી મનાય છે. તેનું વાર્ષિક ટર્નઓવર ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. તેમજ ૩૫૦૦થી વધુ પન્ટરો તેની સાથે કામ કરતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સોનુ જાલન ઉર્ફે સોનુ મલાડ થોડા વખત પહેલાં શ્રીલંકા પણ ગયો હતો. એક આંતરરાષ્ટ્રીય બુકીની સાથે મળી તે નેટવર્ક ચલાવે છે તેમજ પાકિસ્તાની રાજકારણી સાથે પણ તેના સંબંધ હોવાનું કહેવાય છે. આ પાકિસ્તાની થોડાક સમય પહેલાં ભારત આવીને સોનુને મળ્યો હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્ર પોલીસ આ પાસાની ચકાસણી કરી રહી છે.
ડાયરીમાં દિગ્ગજોના નામ
સોનુ પાસેથી મળી આવેલી ડાયરીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ ઉપરાંત સાઉથ મુંબઈના ડેવલપર અને કોન્ટ્રાક્ટરના નામો પણ છે. પોલીસ આ તમામને પૂછપરછ માટે હાજર થવા સમન્સ મોકલી રહી છે. અરબાઝ ખાનની થાણે એન્ટી-એક્સટોર્શન સેલના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્મા અને તેની ટીમે ચાર કલાક જેટલી પૂછપરછ કરી હતી.પૂછપરછ બાદ બહાર આવેલા અરબાઝે મીડિયાને જણાવ્યું હતું કે, હું કાયદાને અનુસરવામાં માનું છું અને પોલીસ તપાસમાં મેં સહકાર આપ્યો છે. બીજી બાજુ તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે અરબાઝને પૂછેલા પ્રશ્નોનો તેણે જવાબ આપ્યો છે. આમ છતાં જરૂર પડયે અમે તેને ફરી પૂછપરછ માટે બોલાવીશું.
અફસરો માટે હની ટ્રેપ
મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને ઘટસ્ફોટ કરવામા આવ્યો છે કે, બુકી સોનુ જાલન પાસે એવા ૫૦ લોકો હતા કે જેઓ આઇપીએલની મેચો પર સટ્ટો લગાવતા હતા. જાલન પાસે એવું પણ એક નેટવર્ક હતું કે જે સટ્ટાબાજીની સામે કાર્યવાહી કરનારી તપાસ એજન્સીઓ અને અફસરોની સામે કામે કરતું હતું. આ નેટવર્ક સટ્ટાબાજી સામે કાર્યવાહી કરતા અફસરોને હની ટ્રેપમાં ફસાવી દેતું અને કાર્યવાહીને ધીમી પાડી દેતું હતું.
અરબાઝે ‘ભાઇ’ની સલાહ લીધી
સોનુ સાથે આઈપીએલ બેટિંગ પ્રકરણમાં કનેક્શન હોવાની કબૂલાત કરતા પહેલાં અરબાઝ ખાન તેના ભાઈ સલમાનને મળ્યો હતો. બાદમાં તેણે સલમાનના લીગલ એડવાઇઝરોની ટીમ સાથે ચર્ચા કર્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. અંદાજે ત્રણ કરોડ રૂપિયાની બેટિંગ તેણે સોનુ સાથે આઈપીએલની મેચ દરમિયાન ૨૦૧૭માં લગાડી હોવાનું કબૂલ કર્યું હતું. જોકે, આ નાણાંની વસુલાત માટે સોનુએ તેને ધમકી પણ આપી હતી. જો તે નાણાં નહીં ચૂકવે તો તેના સટ્ટાકાંડની જાણકારી તેના પરિવારજનોને કરવાની ચીમકી આપી હતી.
સોનુની ધરપકડ કઈ રીતે થઈ?
મુંબઇના પરા વિસ્તારના ડોમ્બિવલીના એક ફ્લેટ પર રેડ પાડીને પોલીસે આઈપીએલ પર બેટિંગ લેતાં ગૌતમ સાવલા, નિખિલ સંપટ અને નીતિન પૂંજાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ બુકી ખુશાલ મલાડ અને બેટિંગ માટે સોફ્ટવેર સપ્લાયર કરનાર વ્રજેશ જોષીની ધરપકડ કરી હતી. આ લોકોને કોર્ટમાં હાજર કરાયા ત્યારે ૨૮ મેના રોજ સોનુ જાલન તેમને મળવા આવ્યો હતો અને થાણે પોલીસે તેની ધરપકડ કરી હતી.
અરબાઝને કેવા સવાલો પુછાયા?
સોનુ જાલનને તે ઓળખતો હતો કે કેમ અને ક્યારથી તેની સાથે સંબંધો હતા? સોનુની ઓળખાણ કોણે કરાવી? શું સોનુ સટ્ટાકાંડમાં સંડોવાયેલો છે અને પહેલાં પણ તેની ધરપકડ થઈ છે તેની જાણકારી હતી? સોનુના દાઉદ સાથેના સંબંધો વિશેની જાણ હતી? જાલન પૈસાની ઉઘરાણી માટે ધમકી આપતો હતો? સોનુ સાથે કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા? તમારા અને સોનુના અન્ય બુકીઓ સાથેનો ફોટો ક્યાં લેવામાં આવ્યો હતો? સોનુના ત્રણ કરોડ રૂપિયાની ચુકવણી કરી કે બાકી છે? સોનુ સાથે અન્ય કયા બોલિવૂડના કલાકારો સટ્ટાકાંડમાં સંડોવાયેલા છે?

