લોકતંત્ર ધરાવતા દેશોમાં મોદી સૌથી મોટો જનાદેશ મેળવનાર વૈશ્વિક નેતા

Wednesday 29th May 2019 07:36 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી ફરી એક વાર સમગ્ર વિશ્વમાં મુઠ્ઠીઊંચેરા માનવી પુરવાર થયા છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં તાજેતરમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે એકલા હાથે ભાજપને ૩૦૦ કરતાં વધુ બેઠકો પર જીત અપાવી છે. આ સાથે જ તેઓ લોકોમાં સૌથી વધુ લોકપ્રિયતા સાથે જનાદેશ મેળવનાર મજબૂત વૈશ્વિક નેતા તરીકે ઊભરી આવ્યા છે.
૨૦૧૪માં ‘આસિયાન’ની બેઠકમાં અમેરિકાનાં તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા મ્યાંમારમાં મોદીને મળ્યા ત્યારે ઓબામાએ આગાહી કરી હતી કે, આ વ્યક્તિ અમારા સૌમાં સૌથી મોટો જનાદેશ મેળવીને જીતનાર નેતા છે.
૨૦૧૯ની ચૂંટણીનાં પરિણામોએ ઓબામાની આગાહીને વધુ સચોટ રીતે પુરવાર કરી બતાવ્યું છે. લોકતંત્રમાં સૌથી વધુ લોકપ્રિયતા સાથે સૌથી મોટો જનાદેશ મેળવનાર મોદી વિશ્વનાં એકમાત્ર નેતા છે.

નેતન્યાહૂ, આબે જીત્યા પણ જંગી બહુમતી નહીં

મોદીનાં મિત્ર બેન્જામીન નેતન્યાહૂએ તાજેતરમાં ઇઝરાયલની ચૂંટણીમાં નાના પક્ષોની મદદથી ૬૫ બેઠકો પર બહુમતી મેળવીને સતત પાંચમી વખત સત્તા મેળવી હતી. જાપાનનાં વડા પ્રધાન શિન્ઝો આબેએ પણ સરળ વિજય મેળવીને સત્તા સંભાળી હતી.
જોકે તેમની બેઠકોની સંખ્યા ઓછી હતી. ઇન્ડોનેશિયાનાં જોકો વિડોડોએ જંગી બહુમતી સાથે વધુ બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ગયા અઠવાડિયે સ્કોટ મોરિસને પણ ચમત્કારિક જીત મેળવી હતી.

મેક્રોં, મર્કેલનો સત્તા ટકાવવા સંઘર્ષ

વિશ્વનાં અન્ય નેતાઓની વાત કરીએ તો બ્રેક્ઝિટ ડીલને કારણે વડા પ્રધાન થેરેસા મેની સરકાર પર લાંબા સમયથી તલવાર તોળાતી હતી. આખરે તેમને પક્ષમાંથી જ વિરોધના પગલે રાજીનામું આપવું પડ્યું છે. ફ્રાન્સનાં પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ સત્તા ટકાવવા સંઘર્ષ કરી રહ્યા છે. તુર્કીનાં અર્દોગોન અને રશિયાનાં પ્રમુખ પુતિન પોતાને જેટલા મજબૂત અને સક્ષમ માની રહ્યા છે તેટલા સલામત નથી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સત્તા પર છે પણ પ્રચંડ બહુમતી ધરાવતા નથી.

પ્રચંડ વિજયને બીએસઇ સેન્સેક્સનો આવકાર

મતગણતરીનો પ્રારંભ થયો તે પૂર્વે જ મુંબઇ શેરબજારમાં તેજીનો જુવાળ છવાયો હતો. ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત હોવાના આશાવાદે બીએસઈ સેન્સેક્સ ૨૩ મેના રોજ સવારે ૭૯૧ અંકનાં ઉંચા ગેપમાં ખુલ્યો હતો અને ૪૦૧૦૦ પોઈન્ટ થયો હતો. તો નિફ્ટી ૧૨૦૪૧ની સપાટી ક્રોસ કરીને પાછો ફર્યો હતો. જોકે છેલ્લે નફારૂપી વેચવાલીએ બજાર ઘટ્યું હતું.


comments powered by Disqus