વિશ્વભરના અખબારી માધ્યમોનું ન.મો. નમઃ

Thursday 30th May 2019 07:38 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપના નેજામાં એનડીએએ લોકસભા ચૂંટણીમાં મેળવેલા ભવ્ય વિજયના પગલે વિશ્વભરના માધ્યમોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કુશળ નેતૃત્વની નોંધ લીધી છે. વિશ્વભરના માધ્યમોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં લખ્યું છે કે ભારતના લોકોએ મોદી જેવા કદાવર નેતામાં ભરોસો રાખ્યો છે. આમ થોડાક સમય પહેલાં ભારત પ્રત્યે થોડુંક અલગ વલણ દાખવનારું વૈશ્વિક મીડિયા ફરીથી મોદીના ગુણગાન ગાવા લાગ્યું છે.
• ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ - અમેરિકાએ લખ્યું છે કે થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક મોરચે ભારે સંઘર્ષ કરતા હતા. એ સમયે રાજકીય વિશ્લેષકો મોદીના પુનરાગમન વિશે શંકા કરતા હતા પણ આ પરિણામો તેમને આશ્ચર્યમાં મૂકી દેશે. હિંદુ રાષ્ટ્રવાદના રાજકારણમાં બ્રાન્ડ બની ચૂકેલા નરેન્દ્ર મોદીએ આખા વિશ્વમાં ભારતની છબિ મજબૂત કરવા માટે કોશિશ કરી છે અને એમાં તેઓ સફળ રહ્યા છે. ૯૧ કરોડ મતદારોને તેમણે સંપૂર્ણપણે પ્રભાવિત કર્યા છે. આજે મોદીની જીત તેમની મજબૂત છબિના કારણે થઈ છે.
• ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ - અમેરિકાના આ અગ્રણી અખબારે લખ્યું છે કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પક્ષનો શાનદાર વિજય થયો છે. મતદારોએ તેમના જેવા સખત નિર્ણય લઈ શકતા કદાવર નેતામાં અને તેમની હિંદુ રાષ્ટ્રવાદની વિચારધારાને ટેકો આપ્યો છે. મૂળે તો આ હિંદુ રાષ્ટ્ર છે, પણ આઝાદી બાદ દેશના નેતાઓએ સેક્યુલારિઝમને પ્રમોટ કર્યું છે અને દેશની જનતા એનાથી કંટાળી છે. ૮૦ ટકા વસતી હિંદુ છે અને મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બુદ્ધિસ્ટ અને બીજી અનેક જાતિના લોકો આ દેશમાં રહે છે.
• ‘ડેઈલી મેલ’ - લંડનના આ અગ્રણી ન્યૂઝપેપરે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની તારીફ કરતાં લખ્યું છે કે ૬૮ વર્ષના આ નેતાએ દેશમાં ચૂંટણીના ઈતિહાસને બદલી નાંખ્યો છે. અગાઉની ચૂંટણીમાં જાતિગત, સામાજિક અને આર્થિક મુદ્દા છવાઈ જતા હતા, પણ મોદીએ વિકાસ અને રાષ્ટ્રવાદની વાત કરી છે. તેઓ એક કદાવર હિંદુ નેતા તરીકે પોતાની છબિ લોકોમાં બનાવી શક્યા છે. એમના શાસનમાં દેશે પ્રગતિ કરી છે અને વિશ્વમાં ભારતની પ્રતિભા નિખરી છે.
• ‘ધ ગાર્ડિયન’ - બ્રિટને લખ્યું છે કે એક્ઝિટ પોલમાં આવેલાં પરિણામો સાચા સાબિત થયા છે. મોદી ફરી સત્તામાં આવે નહીં એ માટે વિપક્ષોએ ઘણા પ્રયાસો કર્યા છે પણ જનતા આ કદાવર નેતાની પાછળ ઊભી રહી છે અને તેમનામાં તથા ભાજપમાં ભરોસો રાખ્યો છે.
• બીબીસી વર્લ્ડ - બ્રિટને કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીમાં ભાજપની અને નરેન્દ્ર મોદીની ભવ્ય જીત થઈ છે. જેમ જેમ મતગણતરી આગળ વધી અને ટ્રેન્ડ આવવાની શરૂઆત થઈ એમ શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મોદી સામે ભારતના ભાગલા પાડવાના આરોપ મૂકવામાં આવ્યા, પણ તેમની ધ્રુવીકરણવાળી છબિને લોકોએ ઘણી પસંદ કરી છે એવું આ પરિણામો પરથી જણાય છે.’
• સીએનએન ઇન્ટરનેશનલ - અમેરિકાએ લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સૂત્ર આપ્યું હતું ‘સબકા સાથ, સબકા વિકાસ.’ આ વર્ષે તેમણે પોતાને ચોકીદાર કહ્યા અને પ્રભાવી રીતે પોતાને દેશના રક્ષક ગણાવ્યા હતા. મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો વાયદો આપ્યો હતો. આજે તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવે છે.
• જિયો ટીવી - પાકિસ્તાનની અગ્રણી ટીવી ન્યૂઝ ચેનલને ભાજપના વિજયમાં પુલવામાની ઘટના દેખાઈ છે. આ ચેનલે એની વેબસાઇટ પર લખ્યું હતું કે ૨૦૧૮ના અંતમાં થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યો ગુમાવી દીધાં હતાં. આ પરાજય તેમ જ મોંઘવારી અને બેરોજગારીના લીધે મોદી શરૂઆતમાં દબાણ હેઠળ હતા, પણ પુલવામામાં ૪૦ જવાનો શહીદ થયા બાદની ઘટનાએ પ્રચારની દિશા બદલી નાખી. મોદીએ પાકિસ્તાનનો મુદ્દો સફળ રીતે ઉઠાવ્યો. ભાજપે તેના પ્રભાવી કેમ્પેનર મોદીના પાવરનો ફાયદો ઉઠાવ્યો અને ભાજપની ચૂંટણી મશીનરી પણ ગ્રાઉન્ડ લેવલે એકદમ અસરકારક પુરવાર થઈ.
• ‘ધ ડોન’ - પાકિસ્તાનના મોખરાના દૈનિકે લખ્યું હતું કે મોદી ૨-૦થી આગળ રહ્યા છે. આનો મતલબ છે કે પાકિસ્તાન પ્રત્યે ભાજપની નીતિ નહીં બદલાય અને બંને દેશો વચ્ચે તણાવ પણ નહીં ઘટે. શું મોદી ઇમરાન ખાનના શાંતિ પ્રસ્તાવને મહત્ત્વ આપશે ખરા?
• અલ જઝીરા - કતારની આ ટીવી ન્યૂઝ ચેનલે જણાવ્યું હતું કે પ્રચંડ વિજય મેળવનાર ભાજપે લોકસભાના ચૂંટણીપ્રચારમાં રાષ્ટ્રની સુરક્ષા અને હિંદુ રાષ્ટ્રવાદનો મુદ્દો ગજાવ્યો હતો. દેશના મતદારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરી ચૂંટી કાઢયા છે અને મોદી પહેલા બિન-કોંગ્રેસી વડા પ્રધાન છે, જેઓ ફરીથી પાંચ વર્ષની પૂરી મુદત માટે ચૂંટાઈ આવ્યા છે.


comments powered by Disqus