પૂ. જીજી તરીકે જાણીતા પૂ. શ્રી ઈન્દિરા બેટીજીનો જન્મ આચાર્ય શ્રી મહાપ્રભુજીના ૧૬મા વંશજ તરીકે તા.૩..૯.૧૯૩૯ના રોજ થયો હતો. તેઓ સૌ સંતાનોની માતા, વડીલોના બહેન અને તમામને માટે દેવદૂત સમાન હતા.
વલ્લભકુળની કન્યાઓને કેળવણીના અધિકારની માગ કરનારા મહિલા વંશજોમાં તેઓ પ્રથમ હતા. તેના લીધે તેમની અને વલ્લભકુળની અન્ય બેટીજીઓ માટે ઘણી તકો ઉભી થઈ. પૂ. જીજીએ આચાર્ય મહાપ્રભુજી રચિત ગ્રંથો ઉપરાંત હિંદુ ધર્મગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. તેમને મેડીસીનથી બિઝનેસ અને ટેક્નોલોજી તથા ખગોળશાસ્ત્ર સહિત આધુનિક જગતના તમામ પાસાઓનું જ્ઞાન હતું અને તેમાં રસ હતો.
તેઓ નિઃસ્વાર્થભાવે ઠાકોરજીની સેવા કરતા હતા અને શ્રી ગુંસાઈજીએ દર્શાવેલા ઉચ્ચ લક્ષણો અને મૂલ્યોને તેમણે જીવનપર્યંત જાળવી રાખ્યા હતા.
જીજી ખૂબ કરુણામયી હતા. માનવજાતની સેવા તેમનો મુખ્ય ઉદ્દેશ હતો. મુશ્કેલીના સમયમાં તેમના આશીર્વાદ મેળવવા આવતી દરેક વ્યક્તિ પર તેઓ કૃપા વરસાવતા હતા. જરૂરતમંદ અંગત સેવકને તેઓ નૈતિક મદદ અને હૃદયપૂર્વક આશીર્વાદ આપવા ઉપરાંત તેનો કેટલોક ખર્ચ પણ ઉઠાવતા હતા. તેઓ ભારત અને યુકેના અંતરિયાળ વિસ્તારોમાં મેડિકલ, બ્લડ ડોનેશન, ડેન્ટલ અને આઈ કેમ્પ સહિત વિવિધ હેલ્થ કેમ્પ્સનું સમયાંતરે આયોજન કરતા હતા.
ધર્મોપદેશક તરીકે તેમણે યુએસએથી યુએઈ, યુકે, સાઉથ આફ્રિકા અને સીંગાપુરનો પ્રવાસ ખેડ્યો હતો. પૂ. જીજીએ શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા અને શ્રી મહાપ્રભુજીના ઉપદેશો પર પ્રવચનો દ્વારા પુષ્ટિમાર્ગના સંદેશનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ ગ્રંથોની સરળ ભાષામાં અને આધુનિક જીવનના સંદર્ભમાં સમજ દ્વારા પૂ. જીજીએ ઘણા લોકોના જીવનમાં આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહનું સીંચન કર્યું હતું. તેમણે પુષ્ટિમાર્ગ સાથે સંકળાયેલી કેટલીક ગેરસમજો અને અજ્ઞાન દૂર કર્યા હતા. ન્યૂયોર્ક, હ્યુસ્ટન, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોમાં પુષ્ટિમાર્ગીય હવેલીના નિર્માણના અમેરિકાના વૈષ્ણવ સમાજના પ્રયાસોને તેમણે સમર્થન અને માર્ગદર્શન આપ્યું હતું. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે યુકે અને અમેરિકાનો પ્રવાસ ખેડીને લોકોને આશીર્વાદ આપવાની સાથે આચાર્ય શ્રી મહાપ્રભુજીની ફિલોસોફીની સમજ આપી હતી
૧૯૮૦માં પૂ.જીજી પ્રથમ વખત યુકે આવ્યા ત્યારે તેમના પ્રવચન સાંભળીને માત્ર જ્ઞાન મેળવવા માટે નહીં પરંતુ, તેમના ઉમદા ગુણો, ઉદાર અને વિવેકી સ્વભાવનો સાક્ષાત્કાર કરવા માટે બાળકો,પુરુષો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂ. જીજીએ યુકે અને અમેરિકામાં વિવિધ સત્સંગ મંડળોની સ્થાપના કરી હતી. હાલ તેવા બીજા જીજી પરિવાર સ્થપાઈ રહ્યા છે.
લાતુર અને કચ્છમાં ભૂકંપની આપત્તિ તેમજ મચ્છુ ડેમ તૂટવા જેવી હોનારતના સમયમાં તેમણે સહેજ પણ વિલંબ કર્યા વિના પોતાના ખર્ચે વોલન્ટિયર્સની ટીમ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને મદદ પહોંચાડી હતી.
પૂ. જીજીએ ૩૦.૦૯.૨૦૧૬ના રોજ સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો હતો.
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન(VYO) દ્વારા પૂ. જીજીની ૮૦મી જન્મતિથિ નિમિત્તે પૂ.વ્રજકુમારજી મહોદયશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં તા. ૧૧.૦૮.૨૦૧૯ને રવિવારે બપોરે ૨ વાગે ધામેચા લોહાણા સેન્ટર સાઉથ હેરો ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

