ભારે વરસાદ બાદ હવે વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરાને ધમરોળ્યું

Friday 02nd August 2019 05:12 EDT
 
 

વડોદરાઃ શહેરના ઈતિહાસમાં પહેલીવાર ગણતરીના કલાકોમાં ૨૦ ઈંચ જેવો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતા પુર આવ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજવા ડેમ દોઢ ફૂટથી સતત ઓવરફ્લો થતાં ધસમસતા પાણી વિશ્વામિત્રી નદીમાં આવ્યા છે જેના કારણે વિશ્વામિત્રી નદી ૩૫ ફૂટની ભયજનક સપાટી ઓળંગી જતાં શહેરમાં પાણી ઘૂસી ગયા છે. પરિણામે વિશ્વામિત્રી કાંઠા વિસ્તારની સોસાયટીઓ અને વસાહતો ખાલી કરાવવી પડી હતી. ૨૦૧૪ પછી વડોદરામાં ફરી પુર આવતાં એનડીઆરએફની ટીમોને રેસ્ક્યુ કામગીરીમાં ઉતારવી પડી છે. આ ઉપરાંત સાંજે સુરત ફાયરબ્રિગેડની ૧૫ જવાનોની ટીમ વડોદરા પહોંચી છે.

વિશ્વામિત્રીમાં પૂરના કારણે ફ્સાયેલા ૬૬૦ અસરગ્રસ્તોને વડોદરા ફાયર બ્રિગેડના તંત્રે રેસ્ક્યુ કર્યા હતા તેમજ કુલ ૫૦૦૦ અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડયા છે. ભારે વરસાદને પગલે સ્માર્ટ સિટી ગણાતા વડોદરાની હાલત બહુ જ ખરાબ છે. વડોદરા કોર્પોરેશને ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી તે બધી જ વરસાદ સાથે જ ધોવાઈ ગઈ હતી.

પૂરનાં પાણી સાથે મગર પણ ઘૂસ્યા

શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારની રાજસ્થાન સોસાયટીમાંથી કૂતરાનો શિકાર કરવા માટે આવેલો મગર પકડાયો હતો. આ સિવાય પણ વિશ્વામિત્રી નદીકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ પૂરના પાણીની સાથે સાથે મગરો પણ ફરતાં થઇ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

આજવા દોઢ ફૂટે ઓવરફ્લો, વિશ્વામિત્રી નદી ગાંડીતૂર

ઉપરવાસમાં ગુરુવારે ભારે વરસાદ પડતા આજવા ડેમ સતત ઓવરફ્લો રહ્યો હતો જેના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં શહેરમાં પાણી ઘુસી ગયા હતા. ૭૦૦થી વધુ સોસાયટીઓ અને વસાહતો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કાંઠાના કેટલાક વિસ્તારોમાં લોકો ફ્સાઈ જતાં જીવ બચાવવા ઘરના ધાબા પર ચડી ગયા હતા.
આજવા ડેમમાંથી પ્રતિ કલાક ૪૨૦૦ ક્યુસેક પાણી આવતાં વિશ્વામિત્રી નદી ગાંડીતૂર થઈ હતી. આજવા ડેમમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતાં વિશ્વામિત્રી નદીએ ૩૪.૫૦ ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી હતી અને આસપાસના વિસ્તારોમાં ૧૦ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ૭૦૦થી પણ વધુ સોસાયટીઓ અને વસાહતો પાણી પાણી થઇ ગઇ હતી. શહેરમાં પણ પૂરના પાણીથી ભારે તબાહી સર્જાઈ હતી. અસંખ્ય વાહનો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. લોકોની ઘરવખરી તેમજ દુકાનો, ઓફિસનો સામાન પણ પાણીમાં ગરકાવ થઇ જતાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનો અંદાજ છે.

વડોદરાએ જ આપ્યો છે ઘોડાપૂર શબ્દ

શહેરમાં ચારેતરફ પૂરનાં પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. આ સંજોગોએ લોકોને ઘોડાપૂર શબ્દની યાદ તાજી કરાવી દીધી હતી. જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે ‘ઘોડાપૂર’ શબ્દનું જન્મદાતા વડોદરા જ છે. હિસ્ટ્રી ઓફ વડોદરાની સાઈટ ઉપર જણાવ્યા પ્રમાણે, ૧૯૨૭માં વડોદરામાં ૯૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સાંબેલાધાર વરસાદને કારણે જુલાઈ મહિનાનો તે સૌથી વધુ વરસાદ હતો. આ વરસાદ દરમિયાન વિશ્વામિત્રીના પાણી કાલાઘોડાની પ્રતિમા સુધી પહોંચીને પ્રતિમાના પગને સ્પર્શ્યા હતા. બસ, ત્યારથી ઘોડાપૂર શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે, અને આજે પણ ભારે પૂર આવે છે ત્યારે આ શબ્દ વપરાય છે.

પહેલા માળ સુધી પાણી ભરાયાં હતાં

ઈતિહાસના દસ્તાવેજો જણાવે છે કે, વડોદરામાં સરેરાશ ૩૦ ઈંચ વરસાદ પડે છે. તે વર્ષે જુલાઈ મહિનામાં ૯૦ ઈંચ પાણી વરસ્યું હતું. માત્ર ચાર જ દિવસમાં વરસાદના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. સતત ચાર દિવસ વરસાદ પડવાના કારણે સમગ્ર શહેર ટાપુમાં પરિવર્તિત થઈ ગયું હતું. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરમાં પહેલા માળ સુધી પાણી ભરાયા હતા. રેલવે સ્ટેશન અને સયાજી હોસ્પિટલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ટપાલ સેવા માટે હાથીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જુલાઈ જોખમ લઈને આવે છે

ભારે વરસાદના મામલે વડોદરા શહેર માટે જુલાઈ મહિનો મોટા ભાગે જોખમી સાબિત થયો છે. ૧૯૪૧, ૧૯૭૦, ૧૯૭૪, ૧૯૭૬, ૧૯૯૪, ૧૯૯૬, ૨૦૦૭, ૨૦૦૭ અને હવે ૨૦૧૯માં આ મહિનામાં ધોધમાર વરસાદ પડયો છે. આ પહેલાં ૧૮૭૮ની સાલમાં ૭૭ ઈંચ જ્યારે ૧૯૧૯માં ૬૯ ઈંચ વરસાદ પડયો હતો. ૨૦૦૫માં પણ ૨૦ ઈંચ વરસાદથી સ્થિતિ વણસી ગઈ હતી.


comments powered by Disqus