લંડનમાં ઓલ્ડ્રીજ રોડ વિલા ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાને એકત્ર થયેલા પ્રશંસકોએ સરદાર પટેલે કરેલા મહત્ત્વના કાર્યોને બીરદાવ્યા હતા. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (SPMS) UK દ્વારા ૪ ઓગસ્ટને રવિવારે સરદાર વોક યોજાઈ હતી. તેનો ઉદેશ સરદાર પટેલે જયાંથી તેમની વ્યવસાયિક કારકિર્દી શરૂ કરી હતી તે સ્થળેથી તેમની સિદ્ધિઓને બીરદાવવાનો હતો. તે ઉપરાંત, હેરોમાં આવેલા સંગત એડવાઈસ સેન્ટર માટે ફંડ એકત્ર કરવાનો પણ હતો.
યુકેમાં સરદારે કરેલા વસવાટની યાદ તાજી કરવા માટે વોકમાં ભાગ લેનાર તમામ લોકો સરદાર પટેલના લંડનના નિવાસસ્થાને એકત્ર થયા હતા. પડોશીઓ અને તે મકાનમાં રહેતા લોકો આ વોકમાં જોડાયેલા લોકો સાથે હાથ મિલાવવા અને સરદાર પટેલની સિદ્ધિઓ તેમજ તેઓ જે મકાનમાં રહે છે તેના મહત્ત્વ વિશે જાણવા ઘરની બહાર આવ્યા હતા.
લંડનમાં ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમી) રોહિત વઢવાણાએ રીબન કાપતા પહેલા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું,‘ સરદાર પટેલે તેમની કારકિર્દીની શરૂઆત વિનમ્રપણે કરી હતી. કાયદાનો અભ્યાસ કરવા માટેના તેમના કૃતસંકલ્પથી જ તેઓ લંડનમાં મીડલ ટેમ્પલ ખાતે આવ્યા હતા. તેમણ મેળવેલી સિદ્ધિઓ કદી ભૂલી ન શકાય તેવી છે. ભારતને આપેલા યોગદાન બદલ તેઓ ગર્વ અનુભવતા હતા.
SPMSના ચેરમેન અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલે જણાવ્યું હતું, ‘આ એક યાદગાર દિવસ છે. સરદાર પટેલે આપેલા યોગદાન અને તેમણે દર્શાવેલી કુનેહ તથા કૌશલ્યને યાદ કરીને તેની પ્રશંસા કરવાનો અવસર છે. હાલના બ્રેક્ઝિટ બાબત તેમણે શું મેળવ્યું હોત ! ’
ગ્રાન્ડ કેનાલથી વોર્મવુડ સ્ક્રબ્સ સુધીની આ વોક સરદાર પટેલની સ્મૃતિમાં અને એકતાની વિરાસતને જાળવવા યોજાઈ હતી.
બે માઈલની આ વોકમાં વિવિધ વયજૂથના લોકોએ ભાગ લીધો હતો. કેટલાંક લોકોએ આ વોકને વાર્ષિક વોક બનાવવાનો પણ અનુરોધ કર્યો હતો. વોકનો હેતુ લોકોને વધુ સક્રિય બનવાની તક આપવાનો, નવા મિત્રો બનાવવાનો અને સંગત એડવાઈસ સેન્ટર માટે ફંડ એકત્ર કરવાનો તેમજ વોકના અંતે પીકનીકનો આનંદ મેળવવાનો હતો. વોકમાં જોડાયેલા લોકો પણ પોતાની રીતે સરદારની પ્રશંસા કરતા હતા. ખૂબ ઓછું બજેટ હોવાથી બ્રેડ અને દૂધ પર રહીને સરદારે કેવી રીતે કાયદાનો અભ્યાસ કર્યો તેની એક વ્યક્તિએ વાત કરી હતી. તેઓ પુસ્તકો ખરીદીને વાંચી શકે તેવી આર્થિક સ્થિતિમાં ન હોવાથી ઈનર ટેમ્પલમાં આવેલી લાયબ્રેરીઓમાં દિવસના લગભગ ૧૬ કલાક ગાળતા હતા. તેમનું જીવન કોઈ વ્યક્તિ ધારે તો શું સિદ્ધ કરી શકે તેની પ્રેરણા આપનારું હતું.
તેઓ ક્યારેક જે ભૂમિ પર ચાલ્યા હતા તેના પર ઉભા રહેવાથી પ્રોત્સાહન મળતું હોવાનું એક વ્યક્તિએ જણાવ્યું હતું. ભારતને સંગઠિત કરવાના તેમના અથાગ પ્રયત્નોએ તેમને હકીકતમાં ‘ભારતના લોહપુરુષ’ બનાવ્યા. ગુજરાતમાં આવેલી તેમની પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે.

