રાજસ્થાનના ખડગડામાં પૂ. મોરારીબાપૂની કથાનું આયોજન કરાયું છે. આ કથાને પંદર દિવસ કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે તેના માટે તડામાર તૈયારી ચાલી રહી છે. ખડગડા ખાતે વિખ્યાત શ્રી ગોવર્ધન વિદ્યા વિહાર સંસ્કૃત કોલેજ આવેલી છે તેની સ્થાપના ૧૯૩૩માં થઈ હતી. ખડગડા ગામમાં સંસ્કૃત કોલેજના આંગણે ૧૮મેને શનિવારથી ૨૬મેને રવિવાર સુધી નવ દિવસની કથા યોજાશે.
આ કથાનું આયોજન કાઉન્સિલર અભિષેક સચદેવ અને તેમના પરિવારના નેતૃત્વ હેઠળ યુકે અને ભારતના સમર્પિત વોલન્ટિયર્સની ટીમ દ્વારા કરાયું છે. બાપૂના સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશનો આશ્રય લેવા માટે સમગ્ર વિશ્વમાંથી હજારો લોકો આવશે તેવી અપેક્ષા છે.
બાપૂની વ્યાસપીઠ દ્વારા તાજેતરમાં નિધન પામેલા આદ્યાત્મિક વ્યક્તિ શ્રી નારાયણ દીક્ષિત સહિત સંસ્કૃત કોલેજના સ્થાપકોના સમર્પણને અંજલિ અર્પવામાં આવશે. બાપૂ ૩,૫૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતી અને તમામ હિંદુ તત્વચિંતનની મુખ્ય ભાષા રહેલી પ્રાચીન સંસ્કૃત ભાષાના મહત્ત્વ વિશે વાત કરશે તેવી આશા છે. કથાની સાથે બાપૂ હિંદુ શાસ્ત્રોમાં અને આધુનિક સંદર્ભમાં સંસ્કૃતનું માહાત્મ્ય સમજાવશે. બાપૂ ઘણી વખત ભાષાના મહત્ત્વ વિશે વાત કરતા હોય છે, પછી ભલેને તે ગુજરાતી, હિંદી અથવા કોઈપણ માતૃભાષા હોય.
બાપૂ છેલ્લાં ૫૦ કરતાં વધુ વર્ષથી રામચરિતમાનસની કથા કરે છે. દરેક કથા વખતે બાપૂ રામચરિતમાનસનો એક દોહો પસંદ કરે છે તેના અર્થનું નિરૂપણ કરે છે અને આધુનિક જીવનમાં તેની પ્રસ્તુતતાની સમજ આપે છે.
બાપૂની કથાઓને હિંદુ શાસ્ત્રોના પરંપરાગત વાંચન અને સ્થળોના સમૃદ્ધ ઈતિહાસને એકમેક સાથે જોડીને માનવજાતની શ્રેષ્ઠતાની પ્રશંસા કરવા બદલ વિશ્વભરમાં સન્માન મળ્યું છે. બાપૂએ જેરુસલેમ,એથેન્સ, વેટિકન સિટી, કૈલાસ પર્વત અને ટોરોન્ટો જેવા પ્રખ્યાત સ્થળોએ કથા કરી છે.
આમ તો બાપૂ હિંદુ છે અને તેમની વાત કરવા અને વિસ્તૃત રીતે સંદેશ આપવા માટે પ્રાચીન હિંદુ ગ્રંથોનો ઉપયોગ કરે છે, તે છતાં તેઓ ભારપૂર્વક કહે છે કે તેમની માન્યતાઓ વિશે કશું જ ધાર્મિક નથી. તેઓ તમામ ધર્મોને સ્વીકારવા લોકોને અનુરોધ કરે છે. તેઓ ખૂબ વ્યવહારુ છે. તેઓ જટિલ શાસ્ત્રવિધિઓની ટીકા પણ કરે છે. તેઓ શ્રોતાઓને તેમનું મન અને હૃદય બન્ને ખૂલ્લાં રાખવા અનુરોધ કરે છે. અન્ય લોકો અને તેમના ધર્મ પ્રત્યેનું ખુલ્લાપણું તેમની દરેક કથામાં જોવા મળે છે. કથામાં તેઓ ખ્રિસ્તી ધર્મની ઉપમાનો ઉપયોગ કરે છે, ઉર્દૂ કવિતાની પંક્તિઓ ગાય છે અથવા બૌદ્ધ ધર્મના ઉપદેશને ટાંકે છે.
કથાના આયોજકોએ મહેમાનોની સુવિધા માટે મોટા પાયે વ્યવસ્થા કરી છે. રાજસ્થાનના ગરમ વાતાવરણમાં તમામ મહેમાનો રાહત અનુભવી શકે તે માટે ખાસ એરકન્ડિશન્ડ માર્કી બનાવાઈ છે. તમામ મહેમાનો બાપૂની કથાના પ્રસાદ તરીકે સ્વાદિષ્ટ ભારતીય શાકાહારી ભોજન તરીકે માણી શકે તે સુનિશ્ચિત કરવા પર કથા આયોજકો વિશેષ ધ્યાન આપશે. સ્થળ પર જ તાજું ભોજન બનાવવામાં આવશે.
વધુ માહિતી માટે વેબસાઈટ http://chitrakutdhamtalgajarda.org/khadagda-rajasthan જોવા અથવા [email protected] પર ઈમેઈલ કરવા વિનંતી.

