નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માથે તોળાઇ રહી છે ત્યારે મોદી સરકારે એક વ્યૂહાત્મક પગલું ભરતાં આર્થિક પછાત સવર્ણ વર્ગ માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે. સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં મંજૂર થયેલી દરખાસ્ત અનુસાર સુચિત જોગવાઇથી જનરલ કેટેગરીમાં આવતા હિન્દુ, મુસ્લિમ સહિત વિવિધ ધર્મના આર્થિક પછાત સવર્ણોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળશે.
સરકારે મંગળવારે આ અંગેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ પણ કરી દીધો હતો અને ગૃહમાં તે ૩૨૩ વિરુદ્ધ ૩ મતની જંગી બહુમતીથી મંજૂર પણ થઇ ગયો હતો. હવે આ બિલ રાજ્યસભામાં મૂકાશે.
મોદી સરકારની આ મહત્ત્વપૂર્ણ જાહેરાતના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. રાજકીય વિશ્લેષકોના એક વર્ગના મતે મોદી સરકારનો આ નિર્ણય જ્ઞાતિ-જાતિ આધારિત અનામતને દૂર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. જ્યારે બીજા વર્ગનું માનવું છે કે સરકારની આ જાહેરાત નર્યો રાજકીય સ્ટંટ છે. તેમના મતે સૂચિત અનામતનો વાસ્તવિક અમલ શક્ય જ નથી કેમ કે આ નિર્ણયથી વિવિધ વર્ગને અપાતી કુલ અનામત ૪૯.૫ ટકાથી વધુ ૫૯.૫ ટકા થઈ જશે, જે સુપ્રીમ કોર્ટે નિશ્ચિત કરેલી મહત્તમ ૫૦ ટકા અનામતની જોગવાઇનો ભંગ કરે છે.
જોકે સરકાર તમામ વિવાદોને કોરાણે મૂકીને આ જોગવાઇ લાગુ કરવા તત્પર જણાય છે. આ અનામત સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરેલી અનામતની ૫૦ ટકાની મર્યાદા ઉપરાંતની હશે તે ઉલ્લેખનીય છે.
મોદી સરકારે મંગળવારે જ ગૃહમાં બંધારણમાં સુધારો કરતું બિલ રજૂ કર્યું હતું, જેને પ્રચંડ બહુમતી સાથે મંજૂર કરાયું હતું. કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતે ગૃહમાં આ સુધારો રજૂ કર્યો હતો.
મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં સવર્ણોને અનામતના પ્રસ્તાવને મંજૂરી આપીને ગેમ-ચેન્જર દાવ રમ્યો છે. સામાન્ય સંજોગોમાં પ્રધાનમંડળની બેઠક બુધવારે યોજાતી હોય છે, પરંતુ શિયાળુ સત્ર પૂરું થવાનું હોવાથી સોમવારે આ બેઠક યોજાઇ હતી. ભાજપની વોટ બેન્ક ગણાતી સવર્ણ જ્ઞાતિઓ આર્થિક આધારે અનામતની માગણી કરતી આવી છે.
ગેહલોતે કહ્યું હતું કે અગાઉ અનામતની જોગવાઈઓને સુપ્રીમ કોર્ટે નાબુદ કરી હતી, કારણ કે પૂરતી બંધારણીય જોગવાઈ કર્યાં વગર આપવામાં આવી હતી. આથી, મોદી સરકારે ૧૨૪મું બંધારણીય સુધાર બિલ ગૃહમાં રજૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે સરકાર ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની વિભાવના ઉપર કામ કરે છે. આથી ગરીબ સવર્ણોને લાભ આપવાનો પ્રયાસ કરાયો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે દિશા-નિર્દેશ બહાર પાડશે. સાથે સાથે જ તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન ક્વોટા વ્યવસ્થા સાથે કોઈ ચેડાં નહીં થાય. સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત જોગવાઇ રદ ન થાય તે માટે જ બંધારણીય સુધાર બિલને રજૂ કરાયું છે.
નાણાંપ્રધાન અરુણ જેટલીના કહેવા પ્રમાણે, ગુજરાતના અનામત કાયદાને બંધારણીય ટેકો ન હોવાથી તે નિરસ્ત થયો હતો. જેટલીના કહેવા પ્રમાણે, સુપ્રીમ કોર્ટે તેના કમસે કમ ત્રણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે નવી અનામતની જોગવાઈથી પછાત વર્ગની વર્તમાન અનામતને અસર ન થવી જોઈએ. એનડીએની સહયોગી લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાને બિલનું સમર્થન કર્યું હતું. સાથે સાથે જ માગ કરી હતી કે ૬૦ ટકા અનામતને બંધારણની નવમી સૂચિ હેઠળ મૂકાય. પાસવાને ન્યાયતંત્ર તેમજ ખાનગી ક્ષેત્રમાં ૬૦ ટકા અનામત આપવા માગ કરી હતી.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેના કહેવા પ્રમાણે: ‘આજે ગરીબ સવર્ણો માટે હોળી-દિવાળી દિવસ છે. ભાજપે અન્ય પછાત વર્ગ માટે પંચ બનાવ્યું, એટ્રોસિટી એક્ટમાં સુધાર કર્યો અને હવે ગરીબ સવર્ણો માટે જોગવાઈ કરીને મોદીએ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ને સાર્થક કર્યો છે.’
કોંગ્રેસના નેતા દીપેન્દર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે પક્ષ સરકારની ‘નીતિ’નું સમર્થન કરે છે, પરંતુ તેમની ‘નિયત’માં ખોટ છે એટલે સરકારના કાર્યકાળના અંતિમ તબક્કામાં આ બિલ લાવ્યા છે. તેલંગણ રાષ્ટ્ર સમિતિએ અને તૃણમુલ કોંગ્રેસે બિલને સમર્થન આપ્યું હતું. જોકે અસદુદ્દીન ઔવેસીની એઆઈએમઆઈ-એમની પાર્ટીએ ખરડાનો વિરોધ કરી તેને ‘બંધારણ સાથે ઠગાઈ’ જણાવી હતી. હવે મોદી સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર હશે, જ્યાં એનડીએ લઘુમતીમાં છે.
ઓલ ઇંડિયા અન્ના દ્રમુકના નેતા થમ્બીદુરાઈના કહેવા પ્રમાણે, ‘સરકારે પહેલાં આર્થિક-સામાજિક પછાતને મળતી અનામતને ૬૯ ટકા કરવાની દરખાસ્ત મંજૂર કરવી જોઈએ, પછી સવર્ણોને અનામતની વાત કરવી જોઈએ.’ શિવ સેનાના સાંસદ આનંદરાવ અડસૂલે ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે સરકારના કાર્યકાળના આ તબક્કે ખરડો રજૂ કરવામાં આવે એટલે ટાઇમિંગ અંગે ચોક્કસથી સવાલ ઉઠશે. બીજુ જનતા દળના સાંસદ ભર્તૂહરિ મહાતાબે ચર્ચામાં ભાગ લેતા કહ્યું: ‘અમે આ બિલનું સમર્થન કરીએ છીએ. સાથે સવાલ ઉઠાવ્યો હતો કે આર્થિક રીતે ગરીબની વ્યાખ્યા કેવી રીતે થશે? કારણ કે, આજે અમીર છે એ આવતીકાલે ગરીબ બની શકે છે અને ગઈકાલનો ગરીબ આજે ધનવાન થઈ શકે છે.’
કોને મળશે આ અનામતના લાભ?
• જેઓ અત્યાર સુધી કોઈ અનામતનો લાભ મેળવી શક્યાં નથી • જેમની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી હોય • જેમની પાસે રૂપિયા પાંચ લાખથી ઓછાં મૂલ્યની ખેતીની જમીન હોય • જેમની પાસે ૧,૦૦૦ ચોરસ ફૂટથી નાનું માલિકીનું રહેણાંક હોય
• જેમની પાસે નિગમની ૧૦૯ ગજથી ઓછી સંપાદિત જમીન હોય. અથવા તો જેમની પાસે ૨૦૯ ગજથી ઓછી નિગમની બિનસંપાદિત જમીન હોય.
... પણ બંધારણીય સુધારો કોર્ટમાં ટકશે નહીં
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કે.ટી.એસ. તુલસીએ જણાવ્યું હતું કે, અદાલતે વ્યવસ્થા આપી છે કે નવમી અનુસૂચિનો સહારો લઇ ગેરકાયદે કાયદાને સંરક્ષણ આપી શકાતું નથી. જો કોઇ કાયદો બંધારણીય દાયરાની બહાર હોય તો તેને નવમી અનુસૂચિમાં રાખીને સંરક્ષિત કરી શકાતો નથી. એવો કોઇ પણ બંધારણીય સુધારો અદાલતમાં ટકી શકશે નહીં, જે મૂળભૂત માળખા સાથે છેડછાડ કરતો હોય.
સુપ્રીમ કોર્ટની ૧૩ જજની બંધારણીય બેન્ચે કેશવાનંદ ભારતી કેસમાં ચુકાદો આપ્યો હતો કે બંધારણના મૂળભૂત માળખા સાથે છેડછાડ કરી શકાતી નથી. જો સરકાર બંધારણમાં સુધારો કરીને કાયદો પસાર કરે તો પણ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી શકાય છે. બંધારણવિદ્ ડો. અગ્રવાલનું કહેવું છે કે ૨૦૦૬માં જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં અનામત ૫૦ ટકાથી વધી ન શકે. ૨૦૧૮માં પણ આ ચુકાદો યથાવત્ હતો. લોકસભાના પૂર્વ મહાસચિવ આચારીએ કહ્યું કે જનરલ કેટેગરીના સંપન્ન લોકોને ઓછી તક હશે તો તેઓ કોર્ટ જઈ શકે. એવું થશે તો મામલો ફરી અટકી પડશે.
ભારતની કુલ હિંદુ વસતીમાં ૩૧ ટકા સવર્ણ
૧૯૩૧ બાદ ભારતમાં ક્યારેય જાતિ આધારિત વસતી ગણતરી થઈ નથી. ૯૦ના દાયકામાં રચાયેલાં મંડલ પંચના અહેવાલ અનુસાર દેશમાં પછાત વર્ગોની વસતી ૫૦ ટકા ઉપર છે. ૨૦૦૭માં સરકારના એક સર્વેમાં જણાવાયું હતું કે, દેશની હિંદુ વસતીમાં પછાતોની વસતી ૪૧ ટકા અને સવર્ણોની સંખ્યા ૩૧ટકા છે. દેશની ૧૨૫ લોકસભાની બેઠકો પર સવર્ણ મતબેન્ક અસર કરે છે.
સવર્ણ અનામત સામે પડકાર
• બંધારણમાં ફક્ત સામાજિક રીતે પછાત જાતિ આધારિત અનામતની જોગવાઈ છે. નોકરીઓમાં સવર્ણોનું ઉચિત પ્રતિનિધિત્વ છે તેથી અનામતનો તર્ક યોગ્ય ઠરતો નથી. • દેશમાં સવર્ણોનો આર્થિક કે સામાજિક સર્વે ક્યારેય થયો નથી. તેમનું આર્થિક પછાતપણું કેવી રીતે નક્કી કરાશે? • બંધારણમાં અનામતની જોગવાઈ ગરીબી દૂર કરવા માટે નહીં પરંતુ સામાજિક ભેદભાવ દૂર કરવા માટે કરાઈ હતી.
ગુજરાત સહિત વિવિધ રાજ્યોના નિષ્ફળ પ્રયાસ
• ગુજરાત હાઇ કોર્ટે ૨૦૧૬માં ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાની જાહેરાત કરી હતી તેને ગેરબંધારણીય ઠરાવી હતી. ગુજરાત સરકારે ૬ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને ૧૦ ટકા અનામત આપવાની વાત કરી હતી.
• રાજસ્થાન હાઇ કોર્ટે ૨૦૧૫માં રાજસ્થાન સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં ૧૪ ટકા અનામત આપવાની જાહેરાતને ગેરકાયદે જાહેર કરી હતી.
• ૧૯૯૧માં મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કર્યા બાદ ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવે આર્થિક આધારે ૧૦ ટકા અનામતનો નિર્ણય કર્યો હતો. ૧૯૯૨માં કોર્ટે આ નિર્ણય રદ કર્યો હતો.
• ૧૯૭૮માં બિહાર સરકારે પણ આર્થિક આધારે સવર્ણોને ત્રણ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે આ નિર્ણયને પણ રદ કર્યો હતો.

