કચ્છ સરહદની સામે પાર પાક.ની ૧૧૧ બ્રિગેડના જવાનોની હાજરી

Wednesday 09th October 2019 06:36 EDT
 

નારાયણ સરોવર (કચ્છ)ઃ એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે દિવસેને દિવસે સરહદે તંગદિલી વધી રહી છે. ભારતે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાનને અમેરિકા સહિતના દેશોમાંથી જાકારો મળ્યો છે. આથી હવે તેણે સરહદે પલિતો ચાંપવા કારસો ઘડ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે.
તાજેતરમાં સંવેદનશીલ કચ્છ સરહદની સામે પાર પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર બાજવાની સીધી નજર તળે કામ કરતી બ્રિગેડ ૧૧૧ હાજરી કંઇક નવાજૂની થવાના અણસાર આપે છે.
એક તરફ, વડા પ્રધાન ઇમરાન ખાન સામે પાક. પ્રજામાં જ અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે તો બીજી તરફ પાક. આર્મીની સક્રિયતા વધી રહી છે તેને સુરક્ષા તંત્રો સૂચક ગણાવે છે.
તાજેતરમાં પાક. આર્મીના વડાએ કચ્છ સરહદની બિલકુલ સામે આવેલ રાધાપીર અને ઇકબાલ બાજવા પોસ્ટની મુલાકાત લીધી હતી. ૧૧૧ બ્રિગેડની અહીં હાજરી જોવા મળવા સાથે ઉચ્ચ લશ્કરી અધિકારીઓના આંટાફેરા એકાએક વધ્યા છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ આ તમામ હિલચાલને ગંભીરતાથી લઇ રહ્યા છે. આમેય આર્ટિકલ ૩૭૦ની નાબૂદી બાદ કચ્છ સરહદની સામે પાકિસ્તાને જે ગતિવિધિઓ હાથ ધરી છે તે સામાન્ય તો નથી જ. આ અસામાન્ય હિલચાલને ગંભીર ગણીને જ ભારતમાં પણ સુરક્ષા એજન્સીઓએ પોતાની સુરક્ષા કવાયત વેગવાન બનાવી છે.
ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે વહેલી સવારના અરસામાં સિરક્રીક પાસેના લક્ષ્મણ પોઇન્ટ નજીકથી ૨ બિનવારસી પાકિસ્તાની ફિશિંગ બોટ મળતાં તમામ સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
આ બોટમાં સવાર મનાતા માછીમાર શખસો જોવા ન મળતાં તેમને શોધવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સે સમગ્ર ક્રીક વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બોટમાં દસેક વ્યક્તિ પ્રવાસ કરતી હશે તેવું અનુમાન સુરક્ષા નિષ્ણાતો લગાવે છે.
આ અગાઉ જન્માષ્ટમીના દિવસે બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ ત્યારે આ બોટમાં સવાર થયેલા શખસો આતંકી ગતિવીધીને અંજામ આપી શકે છે તેવા ઇન્પુટ દક્ષિણ ભારતના એર કમાન્ડને મળ્યા હતા. આ ઇન્પુટના આધારે કેરળ સહિત દક્ષિણ ભારતમાં હાઇએલર્ટ જારી કરાયું હતું.


comments powered by Disqus