આ વર્ષે ૨જી ઓક્ટોબરને બુધવારે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી હતી. ૨૦મી સદીના પ્રતિષ્ઠિત નેતા. ગુલામી, રંગભેદ અને અન્યાય સામેની તેમની લડતને લીધે કદાચ તેઓ વિશ્વભરમાં જાણીતા હતા. આ વર્ષે જાપાનથી અમેરિકા સુધીના દેશોના વડાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે હિંસક પગલાંને બદલે સરહદ પારના ઘર્ષણોનો ઉકેલ લાવવા માટે ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહના સિદ્ધાંતો એકમાત્ર માર્ગ છે.
ટેવિસ્ટોક સ્ક્વેર
યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે જણાવ્યું હતું, ‘આજે આપણે આ મહાન પુરુષ (ગાંધીજી)ના સંદેશની આપણને તથા સમગ્ર દુનિયાને યાદ અપાવવા માટે અહીં એકત્ર થયા છીએ. તેઓ કદમાં નાના હતા પરંતુ તેમનો પ્રભાવ ગજબનો હતો. આપનો સંદેશ યોગ્ય અને સાચો હશે તો સૌ કોઈ તેને સાંભળશે. તમારે તમારા ઉદેશને હાંસલ કરવા માટે પથ્થર ફેંકવાની કે હિંસાનો આશ્રય લેવાની જરૂર નથી.’
આ સંદેશ ખાસ કરીને લંડનમાં બે વખત ભારતીય હાઈ કમિશન બહાર હુમલો કરનારા દેખાવકારોને ઉદ્દેશીને હતો. ૧૫મી ઓગસ્ટે ઈન્ડિયા હાઉસ બહાર થયેલા હુમલાઓેને લંડનના મેયરે કડક શબ્દોમાં વખોડી નાંખ્યો હતો. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ કરી દીધા પછી ડાયસ્પોરા ગ્રૂપ્સ વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. લેબર પાર્ટીએ બ્રાઈટન પરિષદમાં કરેલા વિવાદાસ્પદ ઠરાવને પગલે ભારતીય હાઈ કમિશને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાટાઘાટો રદ કરી નાખી હતી. હાઈ કમિશને લીધેલા ત્વરિત પગલાંની ઈન્ડિયા લીગના ચેરમેન અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલે પ્રશંસા કરતાં જણાવ્યું હતું,‘ગાંધીજીની સ્વાતંત્ર્ય માટેની લડત અસહકાર અને બહિષ્કારની યોજનાઓ સહિત શાંતિપૂર્ણ અને અહિંસક વિરોધ દેખાવો પર આધારિત હતી. હું આ પ્રકારના નિર્ણાયક પગલાં વિશે વાત કરવા બદલ અને લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સાથેનું ડિનર રદ કરવા બદલ હાઈ કમિશનર સુશ્રી રુચિ ઘનશ્યામને અભિનંદન પાઠવું છું.’
તેમણે ઉમેર્યું,‘અમે ભારતીય કોમ્યુનિટીની ચિંતાને વાચા આપવા માટે અમારું કેમ્પેઈન ચલાવીએ છીએ. જેરેમી કોર્બિને ભારતીય કોમ્યુનિટી તેમજ લેબર પાર્ટીને કરેલા અન્યાય બદલ આગળ આવીને અવાજ ઉઠાવવા હું સૌને અનુરોધ કરું છું.’
ભારતીય હાઈ કમિશને ઈન્ડિયા લીગ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં કેમ્ડનના કાઉન્સિલર મરિયમ એસ્લામોદસ્ત સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વિદ્યા ભવનના સ્ટાફ દ્વારા ભજનો રજૂ કરાયા હતા.
પાર્લામેન્ટ સ્ક્વેર અને નહેરુ સેન્ટર
પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે વહેલી સવારે લોર્ડ મેઘનાદ દેસાઈ અને લેડી કિશ્વાર દેસાઈ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. ૨૦૧૫માં ગાંધીજીની પ્રતિમા રંગભેદ નીતિના વિરોધી નેતા નેલ્સન મંડેલાની પ્રતિમા સાથે મૂકવામાં આવી હતી. આ પ્રતિમા તૈયાર કરનારા સ્કોટિશ શિલ્પકાર ફિલિપ જેક્સને જણાવ્યું હતું,‘ગાંધીજીએ દર્શાવ્યું કે આપ શાંતિપૂર્ણ પગલાં દ્વારા આપની દલીલ જીતી શકો અને આપની ઈચ્છાનો અમલ કરાવી શકો અને આ અશાંત દુનિયામાં તેમના આ ઉદાહરણને અનુસરવું જોઈએ.’
કાર્યક્રમમાં વડા પ્રધાન બોરિસ જહોન્સનના ભાઈ અને ભૂતપૂર્વ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુનિવર્સિટીઝ, સાયન્સ, રિસર્ચ એન્ડ ઈનોવેશન જો જહોન્સન MP ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે નહેરુ સેન્ટર ખાતે ‘રિલીવ ધ આઈડિયલ્સ ઓફ મહાત્મા થ્રુ આર્ટ’ પ્રદર્શનને ખૂલ્લું મૂક્યું હતું.

