બાપુના સપનાનું નવું ભારત સ્વસ્થ હશે, ફિટ હશેઃ સમગ્ર દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત

Wednesday 09th October 2019 06:28 EDT
 
 

અમદાવાદઃ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થયો હોવાનું જાહેર કર્યું હતું. બીજી ઓક્ટોબરે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત સ્વચ્છ ભારત કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા ૨૦ હજારથી વધુ સરપંચોને સંબોધતા તેમણે આ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ગાંધીજીને યાદ કરતા કહ્યું કે, બાપુના સપનાનું નવું ભારત બની રહ્યું છે. તેમના સપનાનું ભારત સ્વસ્થ હશે, ફિટ હશે. પૂજ્ય બાપુ સ્વચ્છતાને સર્વોપરી માનતા હતા. તેઓ આરોગ્યને સાચું ધન માનતા અને ઈચ્છતા કે, દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે. અમે જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી એ દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ સરપંચોને સ્વચ્છતા પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા.
આ પૂર્વે તેમણે સાબરમતી આશ્રમ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમ જ આશ્રમમાં કેટલાક બાળકો અને સ્વયંસેવકો સાથે ગોષ્ઠિ કરી હતી. આ પ્રસંગે તેમણે ગાંધીજીની યાદમાં રૂ. ૧૫૦નો ચાંદીનો સિક્કો અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યું.
આ પ્રસંગે મોદીએ કહ્યું કે, અમે દેશમાં ૧૧ કરોડથી વધુ શૌચાલયનું નિર્માણ કરીને ૬૦ કરોડ લોકોને શૌચાલય આપ્યા છે. આ વાત સાંભળીને વિશ્વ અચંબિત છે. આજે સમગ્ર વિશ્વ આ માટે અમને અભિનંદન આપી રહ્યું છે, સન્માન આપી રહ્યું છે. પહેલો તબક્કો પૂરો થયો, હવે શૌચાલયોના ઉપયોગ માટે લોકોને જાગૃત કરવાની જરૂર છે. સ્વચ્છતાના આ આંદોલનમાં આપણે શરૂઆત પોતાનાથી કરવી પડશે. સ્વચ્છતાની સફરમાં આપણી પાસે આ જ એક માત્ર રસ્તો છે. આજે આખું વિશ્વ આપણા સ્વચ્છ ભારત મોડેલને અપનાવવા ઈચ્છે છે.
વડા પ્રધાને કહ્યું કે, સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને જીવ સુરક્ષા - આ ત્રણ વિષય ગાંધીજીને પ્રિય હતા. પ્લાસ્ટિક આ ત્રણેય માટે મોટો ખતરો છે. અમે દેશને ૨૦૨૨ સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માંગીએ છીએ. હું દેશવાસીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરું છું.


comments powered by Disqus